રાજકોટ : RSSના સરકાર્યવાહ ભૈયાજી જોશી બે દિવસ રાજકોટના પ્રવાસે, ઉદ્યોગપતિઓનું સન્માન કરી બેઠક યોજી

0
2

રાજકોટ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશી બે દિવસ રાજકોટના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન આત્મનિર્ભર ભારતના પ્રહરી એવા ગણમાન્ય ઉદ્યોગપતિઓના અભિવાદન અને ગોષ્ઠી માટે બેઠક યોજાઇ હતી. 14 જુલાઇના રોજ ભૈયાજી જોશી ડો. હેડગેવાર ભવન, રાજપૂતપરા ખાતે આત્મનિર્ભર અભિયાનના સાચા પ્રહરી એવા 9 ઉદ્યોગપતિઓનું સન્માનપત્ર અને ભારતમાતાની છબિ અર્પણ કરી અભિવાદન કર્યું હતું.

રાજકોટના 9 ઉદ્યોગપતિનું સન્માન કરવામાં આવ્યું 

ગોષ્ઠી બેઠકમાં આ ઉદ્યોગપતિઓ સાથેની ચર્ચામાં લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં પણ કોરોના પીડિત દર્દીઓના જીવન માટે આવશ્યક એવું વેન્ટિલેટરનું નિર્માણ ઉપરાંત N-95 માસ્ક બનાવવાની મશીનરી અને મેડિકલ સાધનોનું ઘર આંગણે નિર્માણના નવતર સફળ પ્રયોગો કરી સામાન્ય ભારતીય સમાજને સહાયરૂપ થવા ઉપરાંત આ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ પ્રથમ સાહસિક કદમ ઉઠાવવા બદલ બિરદાવ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગપતિઓમાં જ્યોતિ CNCના પરાક્રમસિંહ જાડેજા, મેકપાવર ઇન્ડસ્ટ્રીઝના રૂપેશભાઇ મહેતા, પેલિકન ઇન્ડસ્ટ્રીઝના ભરતભાઇ શાહ અને રાજુ એન્જિનિયરિંગના રાજુભાઇ દોશી ઉપસ્થિત રહ્યા હતા.

કોરોના યોદ્ધા ડોક્ટોરોનું પણ સન્માન કરવામાં આવ્યું

આ ઉપરાંત આ બેઠકમાં મેડિકલ સેવાના ક્ષેત્રમાં કોરોના યોદ્ધાઓ એવા ડોક્ટરો વતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરો જયભાઇ ઘીરવાણી, ચેતનભાઇ લાલસેતા. તેજસભાઇ કરમટા, મયંકભાઇ ઠક્કર અને અતુલભાઇ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસના બીજા દિવસે ભૈયાજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંતીય અધિકારીઓ સાથેની એક દિવસની બેઠક દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય, સમાજમાં આમ જનજીવનની કોરોના સંક્રમણ અને તેને આનુસાંગિક આર્થિક-સામાજિક તકલીફો, સંઘ દ્વારા થયેલા સેવાકાર્યો અને ભવિષ્યમાં આવનારા પડકારો અને એમાં સંઘ સમાજને વધારેમાં વધારે મદદરૂપ કંઇ રીતે થઇ શકે જેવા વિષયો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here