રાપર ખાતે આવેલી જૂની બિલ્ડીંગમાં અચાનક આગ લાગતા નજીક રહેતાં રહેવાસીઓમાં દોડધામ મચી પડી હતી. આગના સમાચાર મળતાં પાલીકાના ફાયર ફાઇટરે સમયસર આગ પર કાબુ મેળવી લેતાં વધુ નુકશાન થતું અટક્યું હતું.
રાપરના સિયારીયાવાસમાં આવેલી જૂની બિલ્ડીંગમાં આજે સવારે 11 વાગે શોર્ટસર્કિટના કારણે અચાનક આગ લાગી ગઈ હતી. જેમાં અંદર રહેલી ઘર વખરી અને કબાટ પલંગ ગોદડા વગેરે બળીને ખાક થઈ ગયા હતા. જોકે અંદર રહેતાં મકાન માલિક મકાભાઈ બહાર નીકળી જતા કોઈ જાનહાનિ ટળી હતી. અચાનક લાગેલી આગે થોડા સમયમાં જ વિકરાળ રૂપ લેતા નજીકમાં બીજી બિલ્ડીંગમાં રહેતાં લોકોમાં દોડાદોડી મચી પડી હતી. તો નજીકમાં રહેતા નગરપાલિકા પ્રમુખના પતિ રમેશભાઈ સિયારીયાએ તાત્કાલિક ફાયર બીગ્રેડ ને બોલાવતા વધુ નુકસાન થતાં અટકી ગયું હતું ,તો તાત્કાલિક પીજીવીસીએલને જાણ કરતાં સ્ટાફના માણસો દોડી આવીને વીજ કનેકશન કાપી નાખ્યું હતું. ફાયર બીગ્રેડના ડ્રાઈવર રમેશ વાલ્મિકીએ આગને કાબુમાં લેવા સારી એવી જહેમત ઉઠાવી હતી અને થોડા સમય માંજ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો જેના કારણે પડોસમાં રહેતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બિલ્ડીંગ ભૂંકપ પહેલાનું વર્ષો જૂનું ખખડધજ હાલત માં છે અને ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે જો આગ સમયસર કાબુમાં ના આવી હોત તો એક મોટી દુર્ઘટના રાપરમાં બનવા પામી હોત અને સમયસર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા ફાયર બીગ્રેડ અને પીજીવીસીએલ ને બોલાવીને એક મોટી દુર્ઘટના થતી અટકાવી હતી જેના કારણે વધુ નુકસાન થતા અટક્યું હતું.