Sunday, November 28, 2021
Homeરશિયાનું મારકણું શસ્ત્ર S-400 : 400 કિમીની આકાશી ત્રિજ્યામાં 30 કિમીની ઊંચાઈએ...
Array

રશિયાનું મારકણું શસ્ત્ર S-400 : 400 કિમીની આકાશી ત્રિજ્યામાં 30 કિમીની ઊંચાઈએ ઊડતાં શત્રુ વિમાન પર 17 હજાર કિમીની ઝડપે પ્રહાર કરી શકતી સિસ્ટમ ભારતનું બ્રહ્માસ્ત્ર બનશે?

ગલવાન ઘાટીમાં ચીન સાથે અભૂતપૂર્વ અથડામણ પછી સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ હાલ રશિયાની મુલાકાતે છે. વર્ષ 2018માં રશિયા સાથે થયેલા 500 ડોલરના કરાર મુજબ ભારતને આ વર્ષના અંત સુધીમાં S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મળવાની હતી. પરંતુ કોરોના મહામારીના કારણે ડિલિવરીમાં વિલંબ થશે એવું રશિયાએ ગત એપ્રિલમાં સત્તાવાર રીતે જણાવી દીધું હતું. એ પછી ચીન સરહદે તણાવ ઊભો થતાં ભારતે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની શક્ય એટલી વહેલી સોંપણી કરવા રશિયા પર દબાણ શરૂ કર્યું છે. કેવી છે આ મિસાઈલ સિસ્ટમ, જે ભારતની સીમામાં પ્રવેશતાં યુદ્ધવિમાન કે મિસાઈલને 400 કિમી દૂરથી જ ઓળખીને તોડી પાડવા સક્ષમ છે? તેનાં સામેલ થવાથી ભારતીય સૈન્ય કઈ રીતે વધુ મારકણું બની શકે છે? અત્યંત કારગત હોવા છતાં ભાજપના દિગ્ગજ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામી સહિતના કેટલાંક સુરક્ષા નિષ્ણાંતો શા માટે આ સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે?

આ છે S-400

 • રશિયાએ વિકસાવેલી આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ S-400 Triumph તરીકે ઓળખાય છે. 1990ના દાયકાથી રશિયા આ ડિફેન્સ સિસ્ટમ શ્રેણી પર કામ કરી રહ્યું હતું અને હાલની શ્રેણી S-300નું સુધારેલું વર્ઝન છે.
 • સરફેસ ટૂ એર મિસાઈલ સિસ્ટમમાં રશિયાની S-400ને અમેરિકાની THAAD સિસ્ટમ સાથે સીધી હરિફાઈ છે. બંને દેશો પોતપોતાની સિસ્ટમને ચડિયાતી ગણાવે છે. જોકે ‘The Economist’ના વર્ષ 2017માં થયેલ સર્વે મુજબ S-400ને સૌથી વધુ મારકણા શસ્ત્રનો દરજ્જો મળ્યો હતો.
 • આ સિસ્ટમમાં અલગ અલગ પદ્ધતિથી કામ કરતી 30થી વધુ રડાર સિસ્ટમ છે, જે 400 કિલોમીટરની આકાશી ત્રિજ્યાના વિસ્તારમાં 30 કિલોમીટરની ઊંચાઈ પર ઊડતાં શત્રુવિમાનને જાતે જ ઓળખી શકે છે અને સેલ્ફ કમાન્ડથી તેના પર મિસાઈલનો ચોટડુક પ્રહાર પણ કરી શકે છે.
 • તેની સૌથી મોટી વિશેષતા એ છે કે, સિસ્ટમ જાતે જ તેના કમ્પ્યૂટરમાં ફીડ થયેલા ડેટાના આધારે એરક્રાફ્ટ, બેલાસ્ટિક મિસાઈલ, ક્રુઝ મિસાઈલ કે માનવરહિત વિમાનને ઓળખી શકે છે, એટલું જ નહિ, એક સાથે 100 ટાર્ગેટ પર એટેક કરી શકે છે.
 • અમેરિકાના F-35 હાલ સૌથી કાબેલ યુદ્ધવિમાન મનાય છે. આ સિસ્ટમ એક જ સમયે F-35 પ્રકારના કુલ 6 સુપર ફાઈટર જેટ સાથે હવાઈ યુદ્ધ ખેલવા સક્ષમ છે.

ભારતને આ સિસ્ટમની જરૂર કેમ પડી?

 • ભારતીય સૈન્ય હાલ આકાશ અને બરાક-8 નામની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે. આ ઉપરાંત ભારત હાલમાં સ્વદેશી બનાવટની મલ્ટિલેયર બેલાસ્ટિક ડિફેન્સ સિસ્ટમ વિકસાવવા પ્રયત્નશીલ છે અને એ પ્રોજેક્ટ આખરી તબક્કામાં છે. પરંતુ આ પ્રોજેક્ટની મર્યાદા એ છે કે તે માત્ર 100 કિમીની રેન્જમાં જ કાર્યક્ષમ છે અને ફક્ત બેલાસ્ટિક મિસાઈલ્સ માટે છે. જો ભારત પર ક્રુઝ મિસાઈલથી હુમલો થાય તો આ સિસ્ટમ રક્ષણ આપવામાં નિષ્ફળ રહે છે.
 • તેની સામે S-400 વૈશ્વિક સ્તરે નીવડી ચૂકેલી સિસ્ટમ છે. સિરિયાના મોરચે રશિયાએ તેનો સંહારક ઉપયોગ કરીને ક્ષમતા સાબિત કરી દીધી છે. હાલ ચીન ઉપરાંત તુર્કીએ પણ આ ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે અને હવે સાઉદી અરેબિયાએ પણ ડીલ ફાઈનલ કરી છે.
 • સૌથી મહત્વની વાત એ છે કે, રશિયાએ વર્ષ 2014માં જ ભારતને આ સિસ્ટમની ઓફર કરી હતી. પરંતુ ત્યારે ભારતને તેની કિંમત બહુ મોંઘી લાગી હતી. એ પછી તરત રશિયાએ ચીનને આ સિસ્ટમ વેચી હતી. ભારત સાથે કાયમી સરહદી વિવાદ ધરાવતું ચીન જો આ સિસ્ટમથી સજ્જ હોય તો ભારત માટે જોખમ વધી જાય. આથી ચીનના મારણ તરીકે ભારતને પણ S-400ના કુલ 5 યુનિટ 500 કરોડ ડોલરની કિંમતે વસાવવાની ફરજ પડી છે.
 • ભારતને સરહદની બંને બાજુ ચીન અને પાકિસ્તાનનો ભય છે. હાલમાં ગલવાન અથડામણ વખતે પણ ચીનના ઈશારે પાકિસ્તાને પણ કાશ્મીર સરહદે સક્રિયતા વધારી દીધી હતી. S-400 એવું મારકણું, માતબર અને ચોક્સાઈભર્યું શસ્ત્ર છે જે બંને મોરચે એકસાથે લડવા સક્ષમ છે.
 • ઉદાહરણ તરીકે, બિકાનેર કે જેસલમેર અથવા પઠાણકોટ એરબેઝ પર S-400 તહેનાત કરી હોય તો એ પોતાના કમ્પ્યૂટરમાં ફિડ કરેલ ડેટાના આધારે પાકિસ્તાનની દિશાએથી નીકળેલા યુદ્ધવિમાન કે મિસાઈલ્સને ઓળખી શકશે, એ વિમાન ભારતની સરહદમાં પ્રવેશે પછી 400 કિમી દૂરથી જ તેના પર પ્રહાર કરી શકશે.
 • આવી સિસ્ટમ રાજસ્થાન સરહદે તહેનાત કરાયેલી હોય તો કાશ્મીરથી કચ્છ સુધીની સરહદનું સંરક્ષણ આબાદ રીતે થઈ શકે છે. એ જ રીતે, લેહ-લદ્દાખ સરહદ અને પૂર્વોત્તર ભારતની ચીન સાથેની સરહદ પર પણ S-400નું બખ્તરિયુ સંરક્ષણ મળી શકે છે.
 • 2 સિસ્ટમ પાકિસ્તાન સરહદે અને 3 સિસ્ટમ ચીન સરહદે એવી ગણતરી સાથે જ ભારતે કુલ 5 સિસ્ટમની ડિલ કરી છે.

તો પછી S-400નો વિરોધ કેમ?

રશિયન બનાવટની આ સિસ્ટમ માટે ભારતે ડીલ કરી ત્યારે જ ભાજપના દિગ્ગજ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ તેનો વિરોધ કર્યો હતો. સ્વામીના વિરોધમાં બે મુદ્દા મહત્વના હતા, જે એમણે ગત 12 જૂને કરેલ ટ્વિટમાં પણ વ્યક્ત કર્યા હતા.

એ મુજબ, સ્વામીના દાવા પ્રમાણે S-400ની રડાર સિસ્ટમમાં વપરાયેલ તમામ ઈલેક્ટ્રોનિક સેન્સર ચીની બનાવટના છે. મિસાઈલની નેવિગેશન કન્ટ્રોલ સિસ્ટમ પણ ચીને બનાવેલી છે. એ સંજોગોમાં ચીન રિમોટ ઓપરેશન્સથી ભારતના S-400ને પ્રભાવિત કરી શકે છે. આ ઉપરાંત રશિયા તેના સંરક્ષણ વેપારમાં ચીનનું ભાગીદાર જ છે. એટલે એકતરફ આત્મનિર્ભર બનવાની ખ્વાહિશ અને ચીની સામાનના બહિષ્કારની હવા વચ્ચે સરકાર આડકતરી રીતે ચીનને જ ફાયદો કરાવી રહી છે. સ્વામી ઉપરાંત કેટલાંક સુરક્ષા વિશેષજ્ઞોએ પણ S-400ની કન્ટ્રોલ સિસ્ટમમાં ચીનની જાણકારીના ભયસ્થાન સામે આંગળી ચિંધેલી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments