સચિન પાયલોટની નારાજગી દૂર કરાશે : અશોક ગેહલોટ

0
4

જયપુર,તા.11
રાજસ્થાનમાં કોંગ્રેસની ગેહલોટ સરકાર સામેની કટોકટીનો અંત આવતા હવે ફરી એકવખત સચિન પાયલોટના મંત્રીમંડળમાં સ્થાન મળે છે કે કેમ તેના પર સૌની નજર છે. હાલ દિલ્હી રહેલા સચિન પાઈલોટ અને તેના સાથી ધારાસભ્યો સાંજે જયપુર પહોંચી ગયા છે અને બીજી તરફ જેસલમેરમાં રખાયેલા કોંગ્રેસના ધારાસભ્યોને પણ જયપુર પહોંચી જવા માટે પરત લવાશે તેના સંકેત છે .

તા. 14ના રોજ વિધાનસભામાં બળાબળના પારખા સમયે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સરકારને ટેકો આપી દેશે તેવી શક્યતા છે. જો કે ગેહલોટ હજુ પણ સાવધાનીપૂર્વક વર્તી રહ્યા છે અને સંભવત: તેમના ધારાસભ્યોને તા. 14 સુધી જેસલમેરના રિસોર્ટમાં જ રાખે તેવા સંકેત છે. આજે જેસલમેર પહોંચેલા મુખ્યમંત્રી ગેહલોટે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે પક્ષમાં જે કોઇ નારાજ હોય તેમની સાથે વાત કરીને તેમની નારાજગી દૂર કરવાની જવાબદારી મારી છે.

સચિન પાયલોટની નારાજગી પણ હું દૂર કરીશ. આમ તેઓએ હાલ તો પાયલોટ સામેના તમામ શસ્ત્રો મ્યાન કરી દીધા છે. પરંતુ માનવામાં આવે છે કે આગામી દિવસોમાં બંનેના સંબંધો તંગ જ રહેશે.