પાટડી : સુરેલ ગામમા સગીરાનો 19 વર્ષીય પ્રેમી સાથે ખેતરમાં ઝાડ પર ગળાફાંસો ખાઈ આપઘાત

0
8

પાટડી તાલુકાના સુરેલ ગામે 19 વર્ષીય ઠાકોર યુવાન અને 16 વર્ષીય સગીરાએ ગામની સીમમાં ઝાડ પર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પ્રેમી પંખીડાના મૃતદેહો ઝાડ પરથી ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવારજનો વિરોધમાં હોવાથી પગલું ભર્યું
બનાવની વિગતો એવી છેકે, પાટડીના સુરેલ ગામે રહેતી 16 વર્ષીય ઠાકોર સગીરા હેતલ રઘુભાઈ વડેચાને ગામના 19 વર્ષીય યુવક યોગેશ વદાભાઈ ઠાકોર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે બન્નેના પરિવારજનો તેમના પ્રેમના વિરોધમાં હતા અને હેતલની સગાઈ અન્યત્ર કરવાની તડામાર તૈયારી તેના માતા-પિતા કરી રહ્યાં હતા. દરમિયાન રવિવારે સવારે હેતલ પોતાના ઘરે મળી ન હોવાથી ગામમાં શોધખોળ હાથ ધરી હતી, જોકે તે ગામમાં નહીં મળતા તેના માતા-પિતા ઝિંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા જઇ રહ્યાં હતા. ત્યારે રસ્તામાં ખેતરના માલિકે હેતલની માતાને ફોન કરીને હકિકત જણાવી હતી.

લિમડાના ઝાડ ઉપર દુપટ્ટા વડે ગળાફાંસો ખાધો
હેતલ વડેચા અને યોગેશ ઠાકોરે સુરેલ ગામના અરજણભાઈ સોલંકીના ખેતરમાં લિમડાના ઝાડ ઉપર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હેતલ અને યોગેશના મૃતદેહો ઝાડ પર લટકતી હાલતમાં મળ્યાની જાણ પોલીસને કરવામાં આવતા ઝીંઝુવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બન્નેના મૃતદેહોને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મૃતક સગીરાની માતા જયાબેન વડેચાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.