97 વર્ષીય દિલીપ કુમારનાં પત્ની સાયરા બાનોએ કહ્યું, ‘સાહેબની તબિયત ઠીક નથી, તેમના માટે પ્રાર્થના કરો’

0
7

વરિષ્ઠ એક્ટ્રેસ સાયરા બાનોએ કહ્યું હતું કે તેમના પતિ ટ્રેજેડી કિંગ દિલીપ કુમારની તબિયત સારી નથી. અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, ‘તેમને ઠીક નથી. ઘણી જ નબળાઈ આવી ગઈ છે. ક્યારેક ક્યારેક ચાલીને હૉલમાં જાય છે અને પછી રૂમમાં પાછા આવી જાય છે. તેમની ઈમ્યુનિટી ઓછી થઈ ગઈ છે. તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. અમે રોજ નવા દિવસ માટે ભગવાનના આભારી છીએ.’

‘પ્રેમથી સાહેબની દેખરેખ રાખું છું’

વાતચીતમાં સાયરાએ કહ્યું હતું ‘હું દિલીપ સાહેબની દેખરેખ પ્રેમથી કરું છું. એવું નથી કે હું કોઈ દબાણમાં આવીને આ બધું કરું છું. કોઈ મારાં વખાણ કરે અથવા મને સમર્પિત પત્ની કહે એટલા હું તેમની કાળજી કરતી હું તેમની કાળજી એટલા માટે નથી કરતી. મારી સાથે થઈ રહેલી દુનિયાની સૌથી સારી વાત એ છે કે તેમનો સ્પર્શ કરવો. હું તેમને પ્રેમ કરું છું અને તેઓ મારું જીવન છે.’

દિલીપ કુમાર કોરોના અંગે સતર્ક છે

આ વર્ષે માર્ચમાં દિલીપ કુમારે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે તેઓ પૂરી રીતે આઈસોલેશન તથા ક્વૉરન્ટીનમાં છે. 11 ડિસેમ્બરના રોજ દિલીપ કુમાર 98 વર્ષના થશે. દિલીપ કુમારે માર્ચ મહિનામાં કહ્યું હતું, ‘કોરોના વાઈરસને કારણે હું પૂરી રીતે આઈસોલેશન તથા સેલ્ફ ક્વૉરન્ટીનમાં છું. મને કોઈપણ જાતનું ઈન્ફેક્શન ના થાય એની તકેદારી સાયરા રાખે છે. આ સાથે જ હું મારા ચાહકોને ઘરમાં રહેવાની અપીલ કરું છું.’

બે ભાઈઓનું કોરોનાને કારણે અવસાન

કોરોનાને કારણે દિલીપ કુમારના બે નાના ભાઈઓનું અવસાન થયું હતું. 21 ઓગસ્ટના રોજ 88 વર્ષીય અસલમનું અને 2 સપ્ટેમ્બરના રોજ 90 વર્ષીય અહસાનનું અવસાન થયું હતું. પરિવારમાં બેનાં મોત થતાં સાયરા-દિલીપે 11 ઓક્ટોબરના રોજ પોતાની 54મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી નહોતી.

સાયરાએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું, ’11 ઓક્ટોબર અમારા જીવનની સૌથી ખાસ ક્ષણ છે. દિલીપ સાહેબે આ દિવસે મારી સાથે લગ્ન કર્યાં હતાં અને મારા સપનાને સાકાર કર્યાં હતાં. આ વર્ષે અમે ઉજવણી કરીશું નહીં. તમને ખ્યાલ છે કે અમારા બે ભાઈઓ અહેસાનભાઈ તથા અસલમભાઈ અમારી વચ્ચે નથી.’

પદ્મભૂષણ, દાદા સાહેબ અવોર્ડથી સન્માનિત

દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે ‘જ્વારા ભાટા’, ‘અંદાજ’, ‘આન’, ‘દેવદાસ’, ‘આઝાદ’, ‘મુઘલ-એ-આઝમ’, ‘ગંગા જમુના’, ‘ક્રાંતિ’, ‘કર્મા’, ‘સૌદાગર’ સહિત 50થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે.

દિલીપ કુમારને આઠવાર બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2015માં તેમને પદ્મભૂષણ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here