ગુજરાતના ધારાસભ્યો-મંત્રીઓનાં પગાર-ભથ્થાં દોઢ કલાકમાં વધ્યા હતા, 72 કલાકથી હડતાળ પર ઈન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ વધારો નહીં પણ ચીમકી મળી

0
13

એપ્રિલ મહિનાથી કોવિડ સેન્ટરમાં ફરજ બજાવી રહેલા રાજ્યના સરકારી ઈન્ટર્ન ડૉક્ટરો સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની માગ સાથે સોમવારથી અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા આઠ મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા કોરોના વોરિયર એવા ઈન્ટર્ન ડૉક્ટર્સની માંગ છે કે હાલમાં તેમને રૂ. 12,800 સ્ટાઈપેન્ડ મળે છે,જે વધારી રૂ.20 હજાર કરવું જોઈએ. બુધવારે આ હડતાલનો ત્રીજો દિવસ થયો હોવા છતાં સરકાર સ્ટાઈપેન્ડ મામલે નમતું જોખવા તૈયાર નથી. માત્ર એટલું જ નહીં, આરોગ્ય મંત્રી નીતિન પટેલે સ્ટાઈપેન્ડનો મામલો ઉકેલવાને બદલે ઈન્ટર્ન્સની આ હડતાળ જ ગેરકાયદેસર હોવાનું રોકડું પરખાવી કહ્યું હતું કે, તેઓ હડતાળ પાછી નહીં ખેંચે તો તેમની ગેરહાજરી પૂરાશે અને ગેરહાજર રહેશે તેને PGમાં એડમિશન નહીં મળે.

જો કે 8-8 મહિનાથી કોરોના વોર્ડમાં ફરજ બજાવી રહેલા ઈન્ટર્ન ડોક્ટરોનું સ્ટાઈપેન્ડ વધારી શકાતું નથી. પરંતુ ધારાસભ્યો અને મંત્રીઓના પગાર-ભથ્થામાં દોઢ કલાકમાં વધારો થઈ જાય છે. ધારાસભ્યો અને મંત્રીઓના પગાર વધ્યાના બે દિવસમાં જ રાજ્યની 8 મહાનગરપાલિકાઓના કોર્પોરેટરોમાં પણ પગાર-ભથ્થામાં વધારો કરી લીધો હતો.

ધારાસભ્યો-મંત્રીઓના પગારમાં સુધારો કરતું વિધેયક દોઢ કલાકમાં જ સર્વસંમતિથી પસાર કરાયું હતું
વર્ષ 2018ની 19 સપ્ટેમ્બરે ગુજરાત સરકારે મુખ્યમંત્રી, મંત્રીઓ, તમામ ધારાસભ્યોના પગારમાં 65 ટકાનો તગડો વધારો કર્યો હતો. ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોના પગારમાં સુધારો કરતું વિધેયક દોઢ કલાકમાં જ સર્વસંમતિથી પસાર કરાયું હતું. રાજ્યના ધારાસભ્યોના પગાર-ભથ્થા 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓના પગાર-ભથ્થામાં 45 હજારનો વધારો કરી 87 હજારમાંથી 1 લાખ 32 હજાર કરવામાં આવ્યો હતો.

આમ પગારમાં 65 ટકાનો વધારો કરી પ્રજા પર વધુ એક બોજ ઝીંકવામાં આવ્યો હતો. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ હતી કે, પગાર વધારા મામલે કોંગ્રેસ અને બીજેપી સાથે રહ્યા હતા. આ વિધેયક સામે કોંગ્રેસે હરફ ઉચ્ચાર્યા વિના જ ટેકો આપી દીધો હતો. આ વધારાનો અમલ 22 ડિસેમ્બર 2017થી કરવામાં આવ્યો હતો.

વિધાનસભા ગૃહના એજન્ડામાં ધારાસભ્યોના પગાર વધારાની દરખાસ્ત જ નહોતી
ગુજરાત વિધાનસભા ગૃહના એજન્ડામાં ધારાસભ્યોના પગાર વધારાની દરખાસ્ત જ નહોતી. ખુદ ધારાસભ્યો પણ આ બિલથી વાકેફ નહોતા. સિનિયર મંત્રીઓએ પણ આ મુદ્દે કોઈની સાથે ચર્ચા કરી નહોતી, છેલ્લી ઘડીએ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે ચર્ચા કરી વિધેયક ગૃહમાં રજૂ કરાયું હતું. પગારવધારા મુદ્દે કોંગ્રેસે કુલડીમાં ગોળ ભાંગી ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા.

MLA-મંત્રીઓના પગાર-ભથ્થા વધ્યાના બે દિવસમાં કોર્પોરેટરોનો પગાર-ભથ્થામાં વધારો કર્યો
19 સપ્ટેમ્બર 2018ના રોજ ધારાસભ્યો-મંત્રીઓના પગાર-ભથ્થામાં વધારો થયા બાદ 21 સપ્ટેમ્બરે 8 મહાનગરપાલિકાઓના કોર્પોરેટરોના પગાર-ભથ્થા વધારવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2018માં મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની 8 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરના કોર્પોરેટરના પગાર વધારો આપવાનો નિર્ણય કર્યો હતો.

ત્યાર બાદ 21 સપ્ટેમ્બરથી આ નિર્ણય અંતર્ગત 1 એપ્રિલ 2018ની અસરથી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કોર્પોરેટરને માસિક 12000 માનદ વેતન, મીટિંગ ભથ્થું મહિને 500, ટેલિફોન એલાઉન્સ મહિને 1000 અને સ્ટેશનરી એલાઉન્સ 1500 કર્યા હતા. આમ પગાર ભથ્થાં પેટે મહિને 15000 મળે છે. જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરના કોર્પોરેટરોને માસિક 7000 માનદ વેતન, 500 મિટીંગ ભથ્થુ, 1000 ટેલિફોન બિલના અને 1500 સ્ટેશનરી એલાઉન્સ આપવાનો નિર્ણય કર્યો હતો. આમ, મહિને પગાર-ભથ્થાં પેટે 10,000 મળે છે.

ઈન્ટર્ન ડોક્ટર્સને અન્ય રાજ્યોમાં કેટલું સ્ટાઈપેન્ડ મળે છે?
રાજ્યમાં આંદોલન કરી રહેલા ઈન્ટર્ન ડૉક્ટરો સરકાર સામે સ્ટાઈપેન્ડ વધારા માટે આંદોલન કરી રહ્યાં છે. આ ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ પ્રમાણે ગુજરાતમાં ઓછું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. તેમની જે માંગ છે તેમાં પણ દેશના બીજા રાજ્યો કરતાં 50થી60 ટકા જેટલું ઓછું સ્ટાઈપેન્ડ છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં 28 હજા 500, મહારાષ્ટ્રમાં 39 હજાર જ્યારે દિલ્હીમાં મેડિકલ,ડેન્ટલ પાસ અને ઈન્ટર્ન ડૉકટર્સને 8 કલાકના 1000 અને 12 કલાકના 2000 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે. જ્ચારે ગુજરાતમાં માત્ર 12 હજાર 800 રૂપિયા અપાય છે. જેમાં AMC સ્ટાઇપેન્ડ ઉપરાંત માનદ વેતન તરીકે રૂ. 500 આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here