સાણંદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીધામથી ગાંધીનગર સુધી ખેડૂત સંવેદના યાત્રાનું આયોજન કરાયું હતું. જે મંગળવારે અમદાવાદના સાણંદ પાસે આવેલા વિરોચનનગરના ખેતીયા નાગદેવતાના મદિર પાસે પોલીસે યાત્રાને રોકીને 78 જેટલા લોકોની અટકાયત કરી હતી. ગણતરીના કલાકોમાં મુક્ત કર્યા હતા. રેલીને પગલે સાણંદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીધામથી ગાંધીનગર સુધી ખેડૂત સંવેદના યાત્રાનું આયોજન કરાયું હતું. જે યાત્રામાં ગાંધીધામ થી ટ્રેકટર સાથે ખેડૂતો નીકળ્યા હતા અને સોમવારે સાંજે 6-30 કલાક આસપાસ સાણંદ તાલુકાના વિરોચનનગર ગામ પાસે આવેલા ખેતીયા નાગદેવતાના મંદિર પાસે રાત્રિ રોકાણ કરી અને મંગળવારે સવારે 8 વાગ્યા આસપાસ ખેડૂત સંવેદના યાત્રા પોતાના સાણંદ રૂટ ઉપર નીકળવાની તૈયારી કરી હતી. ત્યારે હાઇવે પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. યાત્રાને અટકાવાના પ્રયત્નો ચાલુ કર્યા હતા.
ત્યારે સવારે 9.55 વાગ્યા આસપાસ સાણંદ જીઆઇડીસી પોલીસે ખેડૂત સંવેદના યાત્રાને અટકાવીને 78 જેટલા લોકોની અટકાયત કરીને સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. ત્યારબાદ ગણતરીના કલાકમાં સવારે 11.15 વાગ્યાના સુમારે તમામ લોકોને મુક્ત કર્યા હતા. અત્રે નોંધનીય છે કે ગત વર્ષ 2016માં સાણંદના ઉપરદળ ગામેથી ગાંધીનગર જવા ખેડૂતોએ રેલી નીકળી હતી અને વિછીયા ગામ પહેલા રેલીમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું. જેના પગલે સાણંદમાંથી પસાર થનારી ખેડૂત સંવેદના યાત્રાને લઈને યાત્રના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો