અમદાવાદ : સેટેલાઈટમાં ઓડી કારમાં શાકભાજી લેવા નીકળેલું દંપતી નાકાબંધી તોડીને ભાગ્યું, પોલીસે એમના બંગલા સુધી પીછો કરી ઝડપી લીધા

0
17

અમદાવાદ : બોપલ-આંબલી રોડ પરથી ઈસ્કોન ચાર રસ્તા સુધી આવેલી ઓડી ગાડીને પોલીસે રોકવા ઈશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર રોકી ન હતી અને પોલીસની નાકાબંધી તોડીને ભાગ્યા હતા. જો કે પોલીસે આશાવરી ટાવર પાસેના આમ્ર શગુન બંગ્લોઝ સુધી કારનો પીછો કરી ઝડપી લઇ કારમાં સવાર દંપતીને ઝડપી લીધા હતા.

સેટેલાઈટ પોલીસ સ્ટેશના પીએસઆઈ એમ.એસ.મહેશ્વરી સ્ટાફના માણસો સાથે ઈસ્કોન ચાર રસ્તા ઉપર નાકાબંધી ગોઠવીને બેઠા હતા. ત્યારે સાંજે 5.30 વાગ્યે બોપલ – આંબલી રોડ પરથી એક સફેદ રંગની ઓડી કાર ઈસ્કોન ચાર રસ્તા આવી હતી. પોલીસે કારને રોકવા માટે ચાલકને ઈશારો કર્યો હતો. પરંતુ કારચાલકે કાર રોકી ન હતી અને સરખેજ બાજુ કાર હંકારી મૂકી હતી.

જો કે નાકાબંધી પોઈન્ટ ઉપર હાજર પોલીસ કર્મચારીઓએ કારનો પીછો કરતા કાર ઈસ્કોન બ્રિજ સુધી ગઇ હતી અને ત્યાંથી આશાવરી ટાવર વાળી ગલીમાં ઘૂસી ગઇ હતી. જેથી પોલીસ ગાડીનો પીછો કરીને આમ્ર શગુન બંગ્લોઝ સુધી પહોંચી હતી. જેવી કાર બંગલા પાસે પહોંચીને ઊભી રહી પોલીસ પણ ગાડી પાસે પહોંચી ગઇ હતી. પોલીસે તપાસ કરતા ગાડીમાંથી એક દંપતી બહાર આવ્યું હતું.

તેમની પૂછપરછ કરતા કારચાલક શૈનલ સંજયભાઇ સુતરિયા(28) અને તેમના પત્ની સિમોના(25)(બંને રહે. આમ્ર શગુન બંગ્લોઝ, આશાવરી ટાવરની બાજુમાં, સેટેલાઈટ) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સેટેલાઈટ પીઆઈ પી.ડી.દરજી એ જણાવ્યું હતું કે આ દંપતી વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાર કબજે કરવામાં આવી હતી. આ દંપતી શાકભાજી લેવા ઘરની બહાર નીકળ્યા હતા.

જો કે પોલીસે તેમને રોકવા ઈશારો કરતા તેઓ ઊભા રહ્યા ન હતા. તેમજ હાલમાં 2 માણસને એક સાથે ઘરની બહાર પણ નીકળવા ઉપર પ્રતિબંધ હોવાથી આ દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.

ભાગનાર દંપતીની ધરપકડ કરાઈ છે

સેટેલાઈટના પીઆઈ પી.ડી.દરજીએ જણાવ્યું હતું કે, પોલીસે શૈનલ અને સિમોનાની તેમના બંગલા સુધી પીછો કરીને પકડી લીધા હતા. આ પહેલા પોલીસે તેમને ઈસ્કોન ચાર રસ્તા રોકવા ઈશારો કર્યો હતો. તેમ છતાં તેઓ નહીં રોકાતા પોલીસે પીછો કરીને ઈસ્કોન બ્રિજના છેડે પણ ગાડી રોકવા ઈશારો કર્યો હતો. તેમ છતાં કારચાલકે ગાડી રોકી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here