અમદાવાદ : સેટેલાઇટના વેપારીને હનીટ્રેપમાં ફસાવ્યો, નકલી પોલીસ ઝડપાયા બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યું,

0
0

હવે કોઈ એપ્લિકેશનથી જો તમે અજાણી યુવતી સાથે મિત્રતા કરો છો તો ચેતજો કારણ કે અમદાવાદના સેટેલાઇટના વેપારીએ પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ ટીન્ડર એપ્લિકેશન મારફતે જાનવી નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. યુવતી અને તેના સાથીઓએ ભેગા મળી હનીટ્રેપમાં ફસાવી દીધાં હતાં. 50 લાખ રૂપિયા માંગ્યા હતા અને 20 લાખમાં પતાવટ કરી હતી. વેપારીને હાઇપ્લોગ્લાસમિયા એટેક પણ આવ્યો હતો. જોકે આ કેસમાં સેટેલાઇટ પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. સમગ્ર બનાવ આનંદનગર પોલીસે નકલી પોલીસ પકડ્યા બાદ સેટેલાઇટ પોલીસે વેપારીને બોલાવી ફરિયાદ નોંધી છે.

વેપારી ટીન્ડર એપથી જાનવીના સંપર્કમાં આવ્યો

બોપલ આંબલી રોડ પર રહેતા 41 વર્ષીય વેપારી ફોરેક્સ ટ્રેડિંગનો ધંધો કરે છે. અગિયારેક વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. જોકે ચારેક વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. વેપારીએ તાજેતરમાં જ ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. બાદમાં તેઓને જાનવી નામની યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. મેસેજમાં વાતચીત થયા બાદ તેઓ થોડા દિવસ પહેલા એસજી હાઇવે પરના ખેતલા આપા ટી સ્ટોલ પર મળ્યા હતાં. બાદમાં બીજા દિવસે મળવાનો વાયદો પણ બંને વચ્ચે થયો હતો. બીજા દિવસે મળ્યા અને બાદમાં જાનવી નામની યુવતીએ એકાંત જગ્યા પર જવાનું કહી વૈષ્ણોવદેવી ખાતે આવેલા ફ્લેટમાં લઈ ગઈ હતી.

ફ્લેટમાં 3 લોકો ઘુસીને વેપારીને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી

વૈષ્ણોવદેવી ખાતેના ફ્લેટ પર પહોચી વાતો કર્યા બાદ જાનવીએ પોતાનું ટોપ ઉતાર્યુંને બાદમાં વેપારીને પણ કપડા કાઢવાનું કહ્યું હતું. ત્યારે ત્રણ લોકો ફ્લેટમાં ઘુસી આવ્યાને જાનવી તેમની બહેન થાય છે તેમ કહી વેપારીને માર માર્યો હતો. એક વ્યક્તિ જાનવીને લઈને નીકળી ગયો હતો. જ્યારે યુવરાજસિંહ નામનો વ્યક્તિ ગોતા પોલીસ સ્ટેશનમાં પોલીસ તરીકે નોકરી કરતો હોવાનું કહી રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો.

પ્રહલાદનગરમાં એક શખ્સ પકડાયો અને નકલી પોલીસ અને હનીટ્રેપનો ભાંડો ફૂટ્યો

યુવરાજસિંહ નામના વ્યક્તિએ 50 લાખની માંગણી કરી અંતે 20 લાખમાં ડીલ થઈ હતી. આંગડિયા પેઢી થકી રૂપિયા પણ આપી દીધા હતા. જોકે આ ઘટના બાદ વેપારી ઘરે ગયા અને ત્યાં તેમને હાઇપ્લોગ્લાસમિયા એટેક આવ્યો હતો. બે દિવસ પહેલા રાતે આનંદનગર પોલીસે એક સમીર ચારણીયા નામના વ્યક્તિને પોલીસમાં ડ્રેસ સાથે નકલી પોલીસ તરીકે પકડ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આ વેપારીને ફસાવ્યો હતો અને યુવરાજસિંહ બનેલો વ્યક્તિ જ સમીર હતો. જેથી વેપારીએ આ મામલે સેટેલાઈટમાં જાનવી, સમીર ચારણીયા અને આશિક દેસાઈ નામના લોકો સામે ખંડની, ધમકી આપી હોવાની, ગોંધી રાખવા જેવી અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here