સૌરાષ્ટ્ર એલર્ટ : વાવાઝોડું 18 મેએ પોરબંદર અને નલિયા વચ્ચેના દરિયા કાંઠે ટકરાશે

0
9

ચક્રવાતી વાવાઝોડા તાઉ-તેની ગતિ વધ્યા પછી તે રાજ્યના દીવ દમણ અને દાદરા નગર હવેલી તરફ વળી ગયું છે. હવામાન વિભાગે શનિવારે આ માહિતી આપતા કહ્યું કે, આ વાવાઝોડું 18 મેએ પોરબંદર અને નલિયા વચ્ચેના દરિયા કાંઠે ટકરાશે. ગુજરાત સરકારે વાવાઝોડું તબાહી ના મચાવે એ માટે તમામ તૈયારી કરી લીધી છે. હવામાન વિભાના મતે, ટૌકતે વાવાઝોડના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. જોકે, આ વાવાઝોડું મુંબઈને પ્રભાવિત નહીં કરે, પરંતુ આ પશ્ચિમ મહારાષ્ટ્રમાં તેજ પવન ફૂંકાશે. આ તોફાન તેજ થઈને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે.

કેરળમાં બેના મોત થયા
તાઉ-તે ગુજરાત તરફ આવે ત્યારે કાંઠા વિસ્તારો અને કોંકણમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે પ્રતિ કલાક 175 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ આશંકા છે. આ વાવાઝોડાને પગલે કેરળમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થયા છે. બીજી તરફ, એનડીઆરએફએ પશ્ચિમ ભારતના તમામ રાજ્યોમાં રાહત અને બચાવકાર્ય માટે ટીમનો સંખ્યા 53થી વધારીને 100 કરી દીધી છે, જેમાં કુલ 4700 જવાન સામેલ છે. એનડીઆરએફના ડિરેક્ટર જનરલ એસ.એન. પ્રધાને કહ્યું કે, વાવાઝોડાના પગલે અમે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં પણ ટીમો તહેનાત કરી છે.

વાવાઝોડાથી રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ થશે?

  • 17 મે- પોરબંદર, દ્વારકા, અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, વલસાડ, નવસારી, સુરત, દમણમાં ભારે વરસાદ.
  • 18 મે- પોરબંદર, દ્વારકા, જામનગર, કચ્છમાં અતિ ભારે વરસાદ, જ્યારે કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, દીવ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ.
  • 19 મે- ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે.

હાલ વાવાઝોડું ગુજરાતના વેરાવળ સોમનાથથી 990 કિ.મી. દૂર અરબીી સમુદ્રમાં
પ્રશ્નઃ હાલ વાવાઝોડું ક્યાં છે?
જવાબઃ IMDના મતે, શનિવારે સાંજ 8:30 સુધી ગુજરાતના વેરાવળ સોમનાથથી 990 કિ.મી. દૂર દક્ષિણ-પૂર્વમાં, અરબી સમુદ્રમાં લક્ષદ્વીપના આમિનીદીવીથી 190 કિ.મી. ઉત્તર-પશ્ચિમે અને ગોવાના પણજીથી 330 કિ.મી.દૂર દક્ષિણ-પશ્ચિમે છે.

પ્રશ્નઃ ગુજરાત તરફ કેટલી ઝડપથી આવી રહ્યું છે?
જવાબઃ છેલ્લા છ કલાકથી ટૌકતે પ્રતિ કલાક 11 કિ.મી.ની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. હવે આગામી છ કલાકમાં તે ‘સિવિયર સાઇક્લોન’ બની જશે. ત્યાર પછીના 12 કલાકમાં તે ‘વેરી સિવિયર’ કેટેગરીનું સાઇક્લોન બની જશે.

પ્રશ્નઃ વાવાઝોડું ગુજરાત કિનારે ક્યારે ટકરાશે?
જવાબઃ આઈએમડી, ગ્લોબલ એસેમ્બલ ફોરકાસ્ટિંગ સિસ્ટમ મોડલ અને યુરોપિયન મોડલ પ્રમાણે, ટૌકતેના લેન્ડ ફૉલ્સ અને દિશા અંગે હજુ પણ મતમતાંતર છે. તે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા નજીકથી પસાર થવાની શક્યતા છે, પરંતુ આગામી 24 કલાકમાં વધુ સ્પષ્ટતા થશે. આઈએમડીના મતે, ટૌકતે ઉત્તર-પશ્ચિમમાં આગળ વધીને ઉત્તર-પૂર્વમાં વળશે અને 18 મે પછી વાવાઝોડું પોરબંદર અને નલિયા વચ્ચે લેન્ડ ફૉલ થશે. જ્યારે ગ્લોબલ એસેમ્બલ ફોરકાસ્ટિંગ સિસ્ટમ મોડલ કહે છે કે, આ વાવાઝોડું ગુજરાતને મિસ કરીને કચ્છ-પાકિસ્તાના સિંધ પ્રદેશની સરહદે ટકરાશે. જોકે, યુરોપિયન મોડલ મુજબ, તે દીવ નજીક ટકરાશે.

પ્રશ્નઃ કેટલું ખતરનાક હશે આ વાવાઝોડું?
જવાબઃ હાલ વાવાઝોડામાં હવાની ગતિ પ્રતિ કલાક 65 કિ.મીની છે, પરંતુ 16 મેની સવાર સુધી વધીને 145 કિ.મી.ની થશે. 17-18 મેએ ટૌકતે પ્રતિ કલાક 175 કિ.મી.ની ઝડપે ફૂંકાશે અને તે સિવિયર સાઇક્લોનમાં પરિવર્તિત થવાનું અનુમાન છે. વાવાઝોડું 18 મેએ સૌરાષ્ટ્રના કિનારે પહોંચશે ત્યારે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 120-150 કિ.મી.ની ગતિએ તેમજ કચ્છ, જૂનાગઢ, જામનગરમાં 165 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અરબી સમુદ્રમાં છ કલાકમાં તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે.

પ્રશ્નઃ રાજ્ય સરકારની શું તૈયારી છે?
જવાબઃ રાજ્યના કાંઠા વિસ્તારોમાં એનડીઆરએફ-એસડીઆરએફની અનુક્રમે 24 અને છ ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ છે. રાજ્યના 16 મંત્રીને રવિવાર બપોર સુધી સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં પહોંચી જવાનો પણ આદેશ કરાયો છે. બીએસએફ, ફાયર અને પોલીસ ટીમો પણ ખડેપગે છે. તમામ હોસ્પિટલોને ડી.જી. સેટની વ્યવસ્થા કરીને કોવિડ સહિતની હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તેવી તાકીદ કરાઈ છે. એડવાન્સ લાઇફ સપોર્ટ સિસ્ટમ સાથે એમ્બ્યુલન્સ અને આઈસીયુ એમ્બ્યુલન્સ પણ રાજ્યના વિવિધ શહેરોમાંથી શિફ્ટ કરીને જામનગર, જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં સ્ટેન્ડ બાય રખાઈ છે. દરિયાકાંઠાના જિલ્લાઓની કોવિડ હોસ્પિટલમાં ઓકિસજન સપોર્ટ અને આઈસીયુના દર્દીઓ સુરક્ષિત રહે, તે માટે નજીકની હોસ્પિટલમાં શિફ્ટિંગની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત રસ્તા, ભયજનક ઈમારતો માટે પણ તકેદારી​​​​​​​ રાખવાની સૂચના આપીને ક્વિક રિસ્પોન્સ ટીમ સજ્જ કરવાનો આદેશ કરાયો છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને આ તૈયારીની સમીક્ષા પણ કરી હતી.

પ્રશ્નઃ સ્થાનિક સ્તરે શું તૈયારી છે?
જવાબઃ માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે. હેલિકોપ્ટરની મદદથી સાયરન વગાડીને લોકોને એલર્ટ કરાયા છે, લોકોને ઘરમાં રહેવાની સલાહ અપાઈ છે. કાંઠા વિસ્તારના હોર્ડિંગ અને બોર્ડ પણ હટાવાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર જતી ટ્રેનો અટકાવી દેવાઈ છે, જ્યારે કેટલીક ટ્રેનના રૂટ અમદાવાદ સુધી કરી દેવાયા છે. પૂરની સ્થિતિ કાબુમાં રાખવા પણ તૈયારી કરાઈ છે.

પ્રશ્નઃ કેન્દ્ર સરકારની શું તૈયારી છે?
જવાબઃ વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં વાવાઝોડાની તૈયારીની સમીક્ષા બેઠક કરી. તેમણે અધિકારીઓને ઈમર્જન્સીની સ્થિતિમાં વીજળી, ટેલિકોમ, આરોગ્ય અને પીવાના પાણીની સુવિધાનું યોગ્ય સંચાલન કરવાનો નિર્દેશ આપ્યો. બીજી તરફ, કેન્દ્રના નિર્દેશ પછી એનડીઆરએફની 24 ટીમ ગુજરાત પહોંચી. મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક અને તમિલનાડુની સરકારોએ જિલ્લા કલેક્ટરોને સંપૂર્ણ સતર્કતા રાખવાના આદેશ આપ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here