રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છબરડા રોકવામાં નાપાસ, ત્રણ માસમાં લંપટ ગાઈડ્સ, માસ કોપી કેસ, બાંધકામ કૌભાંડમાં નંબર-1

0
43

રાજકોટ : ‘એ’ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છબરડા કરવામાં ટોપ પર છે. છેલ્લા 3 માહિનામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી અનેક ઘટનાઓ સામે આવી છે. સતત વિવાદ અને કૌંભાંડ રોકવામાં યુનિવર્સિટી નાપાસ થઈ રહી છે અને શિક્ષણ જગતનું માથું શરમથી ઝૂકી જાય તેવા બનાવો સામે આવી રહ્યા છે. મુખ્યત્વે પીએચ.ડી. માટે લંપટ ગાઈડોની વિદ્યાર્થિનીઓ પાસે બીભત્સ માંગણીઓ, માસ કોપી કેસ અને બાંધકામ કૌભાંડ સહિતના કિસ્સાઓ નંબર-1 પર હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.

ભાજપ અગ્રણી અલ્પેશ ઢોલરીયાનો ડમી વિદ્યાર્થી કેસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષામાં ચોરી કરતાં છાત્રોને સજા માટે મળેલી બેઠકમાં અલ્પેશ ઢોલરીયા પરીક્ષા દરમિયાન ઉતરવાહી મૂકી ભાગી ગયાનું ફલિત કરી 1+8 એટલે કે ચાર વર્ષ સુધી એક પણ પરીક્ષા નહીં આપી શકે તેવી સજા સંભળાવવામાં આવી હતી અને આ રીતે ગોંડલમાં ભાજપ અગ્રણી અલ્પેશ ઢોલરીયાએ ડમી વિદ્યાર્થી ન્હોતો બેસાડ્યો પરંતુ અલ્પેશ પોતે જ પરીક્ષા દરમિયાન ઉતરવાહી મૂકી ભાગી ગયો હતો તેવું ફલિત કરી જૂઠ્ઠું સત્ય સાબિત થયું હતું. એડમિશન અને પરીક્ષા ફોર્મમાં અલ્પેશ ઢોલરીયાની અને પરીક્ષા દરમ્યાન હાજર-ગેરહાજર રિપોર્ટ અને ઉતરવાહીમાં અન્ય કોઈ વિદ્યાર્થીની સહી હોવા છતાં અલ્પેશને ડમી કરાર ન બતાવી ભાજપ અગ્રણીના પ્રકરણને હળવાશથી દબાવી દેવાયું હતું.

માસ કોપીકેસ કરતાં છાત્રોને 1+4 પરીક્ષાની સજા થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોરબીની નવાસાદુલકા ગામની કોલેજમાં માસ કોપીકેસ કરતાં 24 જ્યારે ગોંડલની મહિલા કોલેજમાં 13 વિદ્યાર્થી ઝડપાયા હતા. યુનિવર્સિટીમાં 4 ફેબ્રુઆરીએ મળનારી EDACની બેઠકમાં માસ કોપીકેસ કરતાં વિદ્યાર્થીઓને 1+4 પરીક્ષાની સજા સંભળાવવામાં આવશે. એટલે કે આ છાત્રો આગામી બે વર્ષ માટે એક પણ પરીક્ષા ન આપી શકે તેવી સજા સંભળાવવામાં આવશે. અગાઉ ગોંડલની એમ.બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 35 વિદ્યાર્થીઓ માસ કોપીકેસ કરતાં ઝડપાઇ ગયા હતા.

અંગ્રેજી ભવનમાં ડો.ડોડીયાએ પીએચ.ડી.માં બે છાત્રાને પાછલા બારણે પ્રવેશ આપ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના તત્કાલિન અધ્યક્ષ ડો.ડોડીયાએ ગત વર્ષે પીએચ.ડી.માં બે છાત્રાને પાછલા બારણે પ્રવેશ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થતાં કુલપતિએ રચેલી સત્ય શોધક કમિટીએ તપાસ રીપોર્ટ આપ્યો હતો. જેમાં ડો.ડોડીયા દોષિત ઠર્યા હતા અને હાલના અધ્યક્ષ ડો.સંજય મુખર્જીએ કોર્ષ વર્કમાં 6ને નાપાસ, સગર્ભાને ગેરહાજર અને નવા વર્ષે પીએચ.ડી.ના છાત્રોને પ્રવેશ ન આપતા તેમની સામે પણ કાર્યવાહી કરવા રીપોર્ટમાં લખાયું હતું. ત્યારબાદ કુલપતિએ હેડ ડો.મુખર્જી પાસેથી ચાર્જ લઈ હોમસાયન્સ ભવનના ડો. નીલાંબરી દવેને હેડશિપ સોંપાઈ હતી.

પ્રો. ઝાલા વિદ્યાર્થિની પાસે ‘શરીરસુખ’ની માંગણી કરતા સસ્પેન્ડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ હરેશ ઝાલા લંપટ પ્રોફેસર પાર્ટ-3 બન્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનની એમ.ફિલ.ની વિદ્યાર્થિનીને પીએચ.ડી.માં પ્રવેશ અપાવવા બદલ શરીર સુખ માણવાની બીભત્સ માંગણી કરતાં લંપટ પ્રોફેસર ઝાલાને સસ્પેન્ડ કરાયા હતા અને તેની ચેમ્બર પણ સીલ કરી દેવાઈ હતી. વિદ્યાર્થિની અને પ્રોફેસર ઝાલા વચ્ચેની ઓડિયો ક્લિપ વાઇરલ થયા બાદ યુનિવર્સિટીના કુલપતિ – ઉપકુલપતિએ હરેશ ઝાલાને સસ્પેન્ડ કરતાં સમાજશાસ્ત્ર ભવનની વિદ્યાર્થિનીઓ કુલપતિ પાસે ધસી ગઈ હતી અને લંપટ પ્રોફેસર ઝાલાને ફરી ફરજ પર લેવાની માંગણી કરતાં કુલપતિ પણ અચંબામાં મૂકાયા હતા. યુવતીએ પ્રોફેસર ઝાલા પાસે રૂ.22 લાખ માંગી બ્લેક મેઈલ કર્યાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. જોકે કુલપતિએ વિદ્યાર્થીઓની માંગણી નકારી લંપટનો સાથ ન દેવા સલાહ આપી હતી. અગાઉ પીએચ.ડી.ની વિદ્યાર્થિનીની જાતિય સતામણીના કેસમાં બાયોસાયન્સ ભવનના પ્રોફેસર નિલેષ પંચાલ ડિસમિસ થયા હતા અને અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર રાકેશ જોશી સસ્પેન્ડ થયા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ખાનગી લો કોલેજોનું માર્કનું લહાણીકાંડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખાનગી લો કોલેજોનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં અડધો ડઝનથી વધુ ખાનગી કોલેજના સત્તાધીશોએ પોતાની કોલેજનું પરિણામ સારું દેખાડવા માટે વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના 25 જેટલા પેપરોમાં ઇન્ટરનલ માર્કની લહાણી કરી ગોલ્ડ મેડલ અપાવ્યાની અને ટોપ ટેનમાં ચારથી પાંચ વિદ્યાર્થીઓને સ્થાન અપાવી કારસ્તાન આચર્યાની ઘટના બની છે. આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ તપાસના આદેશ આપ્યા છે. કુલપતિ ડો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, લો ફેકલ્ટીના સભ્યોએ મને રજૂઆત કરી છે, એક કોલેજમાં આ પ્રકારે ઇન્ટરનલ માર્ક વધુ મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તપાસમાં ગેરરીતિ સામે આવશે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 4 વર્ષમાં અંદાજે 150થી વધુ વિદ્યાર્થીઓને માર્કની લહાણી કરાયાની હકીકત પ્રકાશમાં આવી છે. આ બાબત ધ્યાનમાં આવતા ચોંકી ઉઠેલા ફેકલ્ટીના સભ્યોએ તાકીદની બેઠક બોલાવી કુલપતિ અને પરીક્ષા નિયામકને ફરિયાદ કરી છે.

વિદ્યાર્થી વિકાસ ફંડમાંથી વાઘા સિવડાવવાનો કુલપતિનો નિર્ણય વિવાદમાં આવ્યો હતો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં કુલપતિ, ઉપકુલપતિ, સિન્ડિકેટ સભ્યો, ફેકલ્ટી ડીન અને વહીવટી અધિકારીઓ માટે ઝભ્ભો, સુરવાલ અને કોટી સિવડાવવાનું નક્કી થયું હતું. રૂ. 2800ની એક જોડી તમામ સત્તાધીશો વિદ્યાર્થીઓના ખર્ચે સિવડાવવાના હતા. જોકે કુલપતિએ પોતાનો વ્યક્તિગત નિર્ણય એક જ દિવસમાં પરત લેવો પડ્યો હતો. ત્યાર સત્તાધીશોએ વિદ્યાર્થીઓને બદલે પોતાના ખર્ચે વાઘા સિવડાવવા માટેનો નિર્ણય કર્યો હતો. જોકે 57 ગોલ્ડ મેડાલિસ્ટને યુનિવર્સિટીના ખર્ચે ઝભ્ભો, સુરવાલ અને કોટી સિવડાવી દેવામા આવ્યા હતા જોકે વિરોધ થતા પોતાના ખર્ચે સિવડાવ્યા હતા.

સ્વિમિંગ પુલમાં 2 કરોડ રૂપિયા વધુ ફાળવાયાનો વિવાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડો.દવેના કાર્યકાળમાં સ્વિમિંગ પુલના કામમાં રૂ.2 કરોડ વધુ ફાળવાયાનો વિવાદ સામે આવતા કોંગ્રેસે વધારાનો ખર્ચ મંજૂર ન કરવા લડત ચલાવી હતી. જોકે ડો.દવેનો કાર્યકાળ પૂર્ણ થયો અને નવા કુલપતિ-ઉપકુલપતિએ ચાર્જ સંભાળ્યો હતો અને તુરંત જ સ્વિમિંગ પુલનો રૂ.9 કરોડનો ખર્ચ મંજૂર થઈ ગયો. અને ઉપકુલપતિએ કોંગ્રેસનાં જ સેનેટ સભ્યને સાથે રાખી સ્થળ મુલાકાત કરી હતી.

કોન્વોકેશન હોલના નિર્માણમાં ગેરરીતિનો વિવાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્વોકેશન હોલના કૌભાંડ મામલે રાજ્યની જાહેર હિસાબ સમિતિની સ્થળ મુલાકાત બાદની બેઠકમાં ખુલાસો થયો કે, કોન્વોકેશન હોલના બાંધકામમાં નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી હતી. વર્ષ 2008 માં રૂ.3.28 કરોડના ખર્ચે જે કોન્વોકેશન હોલ નિર્માણ પામવાનો હતો તેના માટે વધુ રૂ.6 કરોડ ખર્ચવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. સમિતિની બેઠકમાં તત્કાલિન કુલપતિ કમલેશ જોષીપુરા – કુલનાયક કલ્પક ત્રિવેદીના સમયમાં થયેલા કૌભાંડનો ઠપકો હાલના કુલપતિ નિતિન પેથાણી – કુલનાયક વિજય દેશાણીને મળ્યો હતો. જોકે જાહેર હિસાબ સમિતિની બેઠક બાદ પણ હજુ એ નક્કી નથી થયું કે કોન્વોકેશન હોલ બનશે કે, પછી ભૂતપૂર્વ કુલપતિઓની જેમ જ હાલના સત્તાધીશો ‘જૈસે થે’ ની મુદ્રામાં રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here