અમદાવાદ : સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવતા મીઠાખળીની SBI બેંકની બ્રાન્ચ સીલ, દિલ્હી દરવાજાનું કાપડ બજાર પણ બંધ કરાવ્યું

0
16

અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં નજીવો ઘટાડો થયો છે. તે ઉપરાંત અનલૉક દરમિયાન શહેરમાં લોકો વધુ બેદરકાર થઈ રહ્યાં હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે નવરંગપુરાના મીઠાખળીમાં કોરોના વાયરસના જાહેરનામાનો ભંગ કરવા બદલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચને સીલ કરી દીધી છે. તે ઉપરાંત એટીએમ રૂમને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. બેંકમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા હોવાથી સોલિડ વેસ્ટ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાં કોરોના વાયરસની મહામારીમાં સાવચેતી રાખવાની જગ્યાએ લોકો વધુ બેખૌફ બન્યાં છે. ત્યારે તંત્ર દ્વારા કડક પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. શહેરમાં દિલ્લી દરવાજા પાસેના કાપડ માર્કેટમાં સરેઆમ કોવિડ-19ની ગાઈડલાઈનનો ભંગ થતાં તંત્ર દ્વારા દંડનિય કાર્યવાહી હાથ ધરતાં સમગ્ર કાપડ માર્કેટને બંધ કરાવ્યું હતું. તે ઉપરાંત કાપડ બજારમાં પાથરણાં વાળાઓને પણ તંત્રએ બજારમાંથી ઉઠાડી મુક્યાં હતાં.

અગાઉ ભીડ વધતાં મૂર્તિમંત માર્કેટ પણ બંધ કરાવ્યું હતું

હાલ રાજ્યમાં વકરી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ બેહદ જરૂરી છે. જેનો કડક અમલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે. AMC દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારી દુકાનો અને મોલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન અગાઉ રિલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્સને બંધ કરવામાં આવ્યું હતું. આ માર્કેટમાં ભીડ થઈ રહી હોવાથી અને કોઈ માસ્ક ન પહેરતા હોવાને કારણે 120 દુકાનો સીલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here