હિંમતનગરઃ ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના અન્ન ત્રિવેણી યોજના અંતર્ગત બે વર્ષ પહેલા ફાળવાઇ ચુકેલ અનાજનો જથ્થો આજદિન સુધી લાભાર્થી બાળાઓ સુધી પહોંચ્યો નથી. સરકારી ગોડાઉન અને કોન્ટ્રાક્ટર દ્વારા પ્રમાણપત્ર પણ આપી દેવાયા છે. સંભવિત કૌભાંડ ત્યારે બહાર આવ્યુ જ્યારે ખેડબ્રહ્મા મામલતદારે 2017-18 અને વર્ષ2018-19 ના પ્રથમના બીજા સત્રના જથ્થો કેમ પૂરો પાડવામાં આવ્યો નથી તેની સ્પષ્ટતા ગોડાઉન મેનેજર પાસે માંગી.
આદિજાતિ બાળાઓ માટેની અન્ન ત્રિવેણી યોજનામાં 70 ટકા હાજરી ધરાવતી બાળાઓના વાલીઓને બાળાદીઠ 10 કિ.ગ્રા. ઘઉ, 10 કિ.ગ્રા. ચોખા અને 10 કિ.ગ્રા.મકાઇ વિના મૂલ્યે આપવામાં આવે છે અને તેની પાછળ રાજ્ય સરકાર દ્વારા માતબર ખર્ચ થઇ રહ્યો છે. પરંતુ ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં બે વર્ષથી ફાળવણી કરાયેલ અનાજ આદિજાતિ બાળાઓના ઘર સુધી પહોંચ્યુ નથી. બીજી બાજુ અનાજનો જથ્થો ફાળવણી થયાનો અને કોન્ટ્રાક્ટ દ્વારા માલસામાન પહોંચાડી દેવાયાનુ સર્ટીફીકેટ પણ આપી દેવાય છે.
ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાની 94 સ્કૂલ પૈકી માત્ર 18 સ્કૂલમાં જ અનાજની ફાળવણી કરાઇ છે. બૂમ ઉભી થયા બાદ ખેડબ્રહ્મા મામલતદારે ગોડાઉન મેનેજર અને કોન્ટ્રાક્ટરને નોટીસ આપી ખૂલાસો પૂછતા આખુયે કૌભાંડ બહાર આવવાના ભણકારા સંભળાઇ રહ્યા છે.
અગાઉની વિગત મને ખબર નથી
ગોડાઉન મેનેજર દેવસીભાઇ રબારીએ જણાવ્યુ કે મને ત્રણ મહિના થયા છે 2016-17 નું વિતરણ પુરુ થયુ છે અને 2017-18 નું વિતરણ શરુ કરાયુ છે. અગાઉ ની વિગત મને ખબર નથી.
2017-18માં આટલો જથ્થો ફાળવાયો
2017-18 ના પ્રથમ સત્ર માટે ખેડબ્રહ્મા તાલુકામાં 90670 કિ.ગ્રા. ઘઉ, 90670 કિ.ગ્રા. ચોખા અને 90670 કિ.ગ્રા. મકાઇ તથા પોશીના તાલુકામાં 1,19,200 કિ.ગ્રા. ઘઉ, 1,19,200 કિ.ગ્રા.ચોખા અને 1,19,200 કિ.ગ્રા.મકાઇની ફાળવણી કરવામાં આવી હતી. તેવી જ રીતે આટલા જ જથ્થાની બીજા સત્ર માટે ફાળવણી કરાઇ હતી. પરંતુ એક પણ લાભાર્થી આદિજાતિ કન્યાના પરિવારને વિના મૂલ્યે અનાજનો એક પણ દાણો મળ્યો નથી.