ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને ભેજાબાજે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા રૃપિયા કાર્ડ ધારકને પરત નહીં આપી ૨.૯૦ લાખની છેતરપિંડી કરી હતી. જે અંગે સિટિ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
માંડવી ઉત્તમચંદ ઝવેરીની પોળમાં રહેતા સોએબ સિદ્દીકભાઇ મેમણ કપડાનો ધંધો કરે છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી અને મારી પત્ની પાસે ચાર ક્રેડિટ કાર્ડ છે. હું ચાર વર્ષથી યાકુતપુરા મદાર મહોલ્લામાં રહેતા આસિફશા નજુશા દિવાનને ઓળખું છું. અમારે વેપાર માટે પૈસાની જરૃર પડે ત્યારે આસિફશા દિવાન અમારા ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી મારા એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરી આપતા હતા. તે મારા પાસે ચાર્જ પેટે બે ટકા લેતો હતો. અમારી વચ્ચે સારા સંબંધ હોઇ મેં મારા ક્રેડિટ કાર્ડ તેને આપ્યા હતા. માર્ચ – ૨૦૨૫ માં આસિફશા દિવાને મારા ક્રેડિટ કાર્ડના ઓ.ટી.પી. મારી પાસેથી મેળવી લઇ કુલ ૩.૩૯ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. જે પૈકી તેણે મારા એકાઉન્ટમાં માત્ર ૪૯ હજાર ટ્રાન્સફર કર્યા હતા. બાકીના રૃપિયા ૨.૯૦ લાખ હજી મને પરત આપ્યા નથી.