અમદાવાદ : આવતીકાલથી ફરી શરૂ થશે સી-પ્લેન સેવા : દરરોજ બે ફ્લાઇટ ઉડાન ભરશે.

0
15

મોટી મોટી જાહેરાતો બાદ અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી 1 નવેમ્બરથી શરૂ કરાયેલી સી-પ્લેનની સેવા એક જ મહિનામાં મેન્ટેનન્સના નામે અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાઇ હતી. જે આવતી કાલથી ફરી શરૂ થવા જઈ રહી છે. સી-પ્લેનની સેવા કાલથી અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા સુધી શરૂ થશે, જેમાં દરરોજ બે ફ્લાઇટ ઉડાન ભરશે, આ માટે 20 ડિસેમ્બરથી ઓનલાઈન બુકિંગ સેવા શરૂ થઇ હતી.

દર સપ્તાહે મેઇન્ટેનન્સ જરૂરીઃ અધિકારી

લોકો માટે 1 નવેમ્બરથી સી પ્લેનનું સત્તાવાર સંચાલન શરૂ કરાયું હતું. જો કે સંચાલન શરૂ થયા બાદ પ્રથમ સપ્તાહમાં જ મેન્ટેનન્સ માટે બે દિવસ માટે ફ્લાઈટ ગ્રાઉન્ડેડ કરી દેવાઇ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ સી-પ્લેન પાણીમાં સતત ઉડાન ભરતું હોવાથી દર સપ્તાહે તેનું પ્રાથમિક મેન્ટેનન્સ જરૂરી છે. જ્યારે મહિનામાં એકવાર સંપૂર્ણ એરક્રાફ્ટનું મેન્ટેનન્સ કરવાનું હોય છે. જેના માટે શનિવારે આ એરક્રાફ્ટ માલદીવ મોકલાયું છે.

નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પહેલીવાર 2017માં અમદાવાદથી ધરોઈ સુધી સી-પ્લેનનો ઉપયોગ કરાયો હતો
નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પહેલીવાર 2017માં અમદાવાદથી ધરોઈ સુધી સી-પ્લેનનો ઉપયોગ કરાયો હતો

 

વડાપ્રધાને 31મી ઓક્ટોબરે ઉદ્ઘાટન કર્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પહેલીવાર 2017માં અમદાવાદથી ધરોઈ સુધી સી-પ્લેનનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ દેશમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ઉડાન યોજના હેઠળ ગુજરાતમાં ત્રણ રૂટ સહિત દેશમાં 16 રૂટ પર સી-પ્લેનનું સંચાલન શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી. જાહેરાતના લગભગ દોઢથી બે વર્ષ બાદ દેશમાં પહેલીવાર અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેનનું સંચાલન 31 ઓક્ટોબરથી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે સી-પ્લેનનું સત્તાવાર શુભારંભ કરાવી પ્રથમ પ્રવાસી તરીકે કેવડિયાથી અમદાવાદ સુધી મુસાફરી કરી આવ્યા હતા.

અમદાવાદમાં મેન્ટેનન્સની સુવિધા શરૂ કરવામાં આવશે

સી-પ્લેનનું સંચાલન કરતી એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું કે, હાલમાં એરક્રાફ્ટના મેન્ટેન્સની સુવિધા અમદાવાદમાં નથી. અમદાવાદમાં સી-પ્લેનના મેન્ટેનન્સ માટેની સુવિધા શરૂ કરવા જરૂરી માળખું તૈયાર કરાઇ રહ્યું છે. એકવાર મેન્ટેનન્સ વર્કશોપ શરૂ કરાયા બાદ સી-પ્લેનનું મેન્ટેનન્સ અહીં જ કરાશે. વધુમાં એરક્રાફ્ટનું મેન્ટેનન્સ દર મહિને કરવું અનિવાર્ય છે, આ મેન્ટેનન્સ અગાઉથી નક્કી હોવાથી 27 નવેમ્બર બાદ સી-પ્લેનનું બુકિંગ કરવામાં આવ્યું નથી. હવે પરત ફર્યા બાદ તેનું બુકિંગ શરૂ કરાશે.

મેઈન્ટેનન્સ માટે સી-પ્લેન માલદીવ્સ લઈ જવામાં આવ્યાં હતા
મેઈન્ટેનન્સ માટે સી-પ્લેન માલદીવ્સ લઈ જવામાં આવ્યાં હતા

 

ઉદઘાટન બાદ એક જ મહિનામાં જ સર્વિસ બંધ કરાઈ હતી

31 ઓક્ટોબરે આ સર્વિસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને માત્ર એક જ મહિનાના સમયગાળામાં આ સર્વિસ બંધ કરવામાં આવી હતી, જેનું કારણ એવું આપવામાં આવે છે કે, મેઈન્ટેનન્સ માટે સી-પ્લેન માલદીવ્સ લઈ જવામાં આવ્યાં હતા.. આ સી-પ્લેનમાં 31 ઓક્ટોબરે ઉદઘાટન સમયે વડાપ્રધાન મોદી અને 24 નવેમ્બરે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા એમ બે જ આગેવાનોએ આ પ્લેનની સફર કરી હતી. ત્યાર બાદ છેલ્લા એક મહિનાથી સામાન્ય જનતા માટે સી-પ્લેન શરૂ કરવાને બદલે અલગ અલગ બહાનાં હેઠળ સેવા બંધ રાખવામાં આવી હતી.

ફ્લાઈટને સરેરાશ 70થી 80 ટકા પેસેન્જર મળે છે

1 નવેમ્બરે સી-પ્લેનની સેવા શરૂ થઈ ત્યારે શરૂઆતમાં તેને ખૂબ જ ઓછા એટલે કે 6થી 8 પેસેન્જરો જ મળતા હતા. જો કે એક સપ્તાહ બાદ રેગ્યુલર સંચાલન શરૂ થતા ફ્લાઈટને 10થી 12 પેસેન્જરો મળતા હતા. ત્યારબાદ દિવાળી દરમિયાન ફ્લાઈટ ફુલ રહ્યા બાદ હવે ફરીથી પેસેન્જરોની સંખ્યા ઘટી ગઈ છે. જો કે મળતી માહિતી મુજબ ફ્લાઈટને હાલ સરેરાશ 70થી 80 ટકા જેટલા પેસેન્જરો મળે છે. વધુમાં એરલાઈન્સ દ્વારા વધુ એક એરક્રાફ્ટ મગાવવાની પ્રક્રિયા પણ શરૂ કરાઇ છે. જેથી એક એરક્રાફ્ટ મેન્ટેનન્સમાં જાય તો બીજા એરક્રાફ્ટની સેવા ચાલુ રહી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here