છાણી ટીપી-૧૩ વિસ્તારની કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા વડોદરા ફાયર બ્રિગેડની બે ટીમો કામે લાગી હતી.પરંતુ ત્રણ કલાક પછી પણ તેનો પત્તો લાગ્યો નહતો.
બનાવની પ્રાથમિક વિગતો મુજબ, નવાયાર્ડ વિસ્તારમાં રહેતા ત્રણ મિત્રો છાણી ટીપી-૧૩ ખાતેની કેનાલ તરફ બપોરે ગયા હતા.આ વખતે કોઇ કારણસર એક યુવકનો પગ લપસતાં કેનાલમાં તણાયો હતો.
આ યુવકને બચાવવા માટે બીજો યુવક પણ પડયો હતો.કોઇકે દોરડું નાંખતા એક યુવક બચી ગયો હતો.જ્યારે,સરફરાજ નામના યુવકનો પત્તો લાગ્યો નહતો.
બનાવને પગલે ફતેગંજ પોલીસ અને ફાયર બ્રિગેડ દોડી આવ્યા હતા.ડૂબેલા યુવકના પરિવારજનોએ રૃદન કરી રહ્યા હતા.સ્થાનિક આગેવાનોએ એનડીઆરએફની મદદ મળે તેવી માંગણી કરી હતી.
આ જગ્યાએ અનેક લોકો ડૂબ્યા છે છતાં ફેન્સિંગ કે વોલ કેમ બનાવતા નથી
છાણી ટીપી-૧૩ કેનાલમાં આજે બપોરે ત્રણ મિત્રોમાંથી એક મિત્ર ડૂબી ગયો હોવાનો અને બીજાનો બચાવ થયો હોવાનો બનાવ બનતાં લોકોના ટોળાં ઉમટયા હતા.આ વખતે રહીશોએ કહ્યું હતું કે,આ જગ્યાએ ડૂબી જવાના અનેક બનાવો બન્યા છે.તંત્ર સમક્ષ અહીં ફેન્સિંગ કે વોલ બનાવવા માટે વારંવાર માંગણી કરવામાં આવી છે.પરંતુ કોઇ સાંભળવા તૈયાર નથી.જો રજૂઆત ધ્યાને લઇ પગલાં લીધા હોત તો આજે આ બનાવ બન્યો ના હોત.