સુરત : ગુજરાત હાઈકોર્ટના સ્કૂલ ફી માફીના પરિપત્રને રદ્દ કરતાં ચુકાદાને સ્વનિર્ભર શાળાઓએ આવકાર્યો

0
3

સુરત. આજે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે.આ ચુકાદાને વધાવતાં સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડો.દિપક રાજ્યગુરૂએ કહ્યું કે, આ ન્યાય બધાના હિતમાં થયો છે. અમે આ ચુકાદાને સ્વિકારીએ છીએ.

કોઈ ઉન્માદમાં આવવાની જરૂર નહીં
ડો. દિપક રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, ગુજરાતની લગભગ 16 હજાર જેટલી સ્વનિર્ભર શાળાઓ, તેની સાથે જોડાયેલા લાખો કર્મચારીઓ અને તેમાં ભણતા લાખો વિદ્યાર્થીઓ અને વાલી પરિવારો માટે ખૂબ આનંદના સમાચાર છે. સરકારે જે ઠરાવ જે આદેશ કર્યો હતો તેને સંપૂર્ણ પણે હાઈકોર્ટે ફી મુદ્દાની જે વાત હતી. પોઈન્ટ નંબર 4માં તેને રદ કરવાનો હુકમ કર્યો છે તે આપણા માટે ન્યાયિક છે. આમા કોઈની જીત અને હારનો સવાલ નથી. માત્ર શિક્ષણ, શિક્ષક અને સંચાલક તરફી જે તરફે ન્યાય થયો છે તેનો આવકાર કરીએ છીએ.આગામી સમયમાં પણ સૌ સાથે હળીમળીને કામ કરીશું.

વાલીઓની રજૂઆતને જોવામાં આવશે
રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, હજુ પણ કોઈ વાલીને તકલીફ હોય તો રૂબરૂ આવીને મળી શકે છે. ફી ઘટાડા અથવા ફી માફી સુધીના અમે નિર્ણય પણ લઈશું. પરંતુ જે વાલીઓ સક્ષમ છે તે વાલીઓ ફી ભરવા આગળ આવે. જેથી શિક્ષકો અને સ્કૂલમાં રહેલા બિન શૈક્ષણિક સ્ટાફનો પગાર પણ થાય. એ લોકોને પણ આજીવિકા મળે. હજુ વધુ હાઈકોર્ટના નિયમો આવશે તે બાદ આગળ વધારે કહી શકીશું.