સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે 18 રને હાર્યું હતું. 240 રનનો પીછો કરતા ભારતની ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતની રનચેઝ દરમિયાન શરૂઆત નિરાશાજનક રહી હતી. ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલ, તેમજ વિરાટ કોહલીએ 1-1 રન કર્યો હતો. ત્યારબાદ મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક (6 રન), હાર્દિક પંડ્યા (32 રન) અને ઋષભ પંત (32) સસ્તામાં આઉટ થતાં ભારતે 92 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. લોવર ઓર્ડરે મેચમાં ભારતની વાપસી કરાવી હતી. પરંતુ નિર્ણાયક ઘડીએ જાડેજા અને ધોની આઉટ થતાં કિવિઝે બાજી મારી હતી.
જાડેજાએ 5 વર્ષ પછી ફિફટી ફટકારી
જાડેજાએ 5 વર્ષ પછી વનડેમાં ફિફટી ફટકારી હતી. તેણે 59 બોલમાં 4 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 77 રન કર્યા હતા. જાડેજાએ આ પહેલાં 2014માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ લીડ્સ ખાતે ફિફટી મારી હતી.તે પછી એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ સાતમી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. જયારે ધોનીએ 72 બોલમાં 50 રન કર્યા હતા. માર્ટિન ગુપ્ટિલે સીધો થ્રો મારીને ધોનીને રનઆઉટ કર્યો તે સાથે ભારતની મેચ જીતવાની તમામ આશા સમાપ્ત થઇ ગઈ હતી. કિવિઝ માટે મેટ હેનરીએ 3 વિકેટ લીધી હતી. મિચેલ સેન્ટનર અને ટ્રેન્ટ બોલ્ટે 2-2 વિકેટ લીધી હતી. તે સિવાય જેમ્સ નીશમ અને લોકી ફર્ગ્યુસને 1-1 વિકેટ લીધી હતી.
માન્ચેસ્ટર ખાતેની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન:
વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 1979: 9 રને હાર્યું
વિરુદ્ધ પાકિસ્તાન, 1999: 9 વિકેટે હાર્યું
વિરુદ્ધ ભારત, 2019: 18 રને જીત્યું
વર્લ્ડ કપ 2019માં પાવરપ્લે 1માં સૌથી ઓછો સ્કોર:
- 24/4 ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, માન્ચેસ્ટર
- 27/1 કિવિઝ વિરુદ્ધ ભારત, માન્ચેસ્ટર
- 28/1 ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, બર્મિંઘમ
- 29/2 વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ભારત, માન્ચેસ્ટર
- 30/2 કિવિઝ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, માન્ચેસ્ટર
- 31/1 કિવિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ
કોહલીએ રિવ્યુ લીધો છતાં પેવેલિયન ભેગો થયો: અમ્પાયરે આઉટ આપ્યા પછી કોહલીએ રિવ્યુ લીધો હતો. બોલ સ્ટમ્પને 5% કરતાં પણ ઓછો અડતો હોવા છતાં પણ અમ્પાયર્સ કોલ હોવાથી તેને પાછું જવું પડ્યું હતું.