દિવસની ઊંચી સપાટીથી સેન્સેક્સ ૯૩૯; નિફ્ટી ૪૬૬ પૉઇન્ટ ઘટીને બંધ

0
0

ભારતમાં બે નવી વ્યક્તિઓનો કોરોના વાઇરસ પૉઝિટિવ આવતાં શૅરબજારમાં છેલ્લા એક કલાકમાં ભારે વેચવાલી જોવા મળી હતી. એશિયાઈ અને યુરોપિયન બજારની તેજીથી વિપરીત ભારતીય બજારમાં વેચવાલી નીકળી હતી. સેન્સેક્સ એની દિવસની ૭૮૬ પૉઇન્ટની ઊંચાઈએથી ૧૨૯૮ પૉઇન્ટ નીચે ગબડી ગયો હતો, નિફ્ટી પણ એની ઊંચાઈથી ૩૯૭ પૉઇન્ટ ઘટી ગયો હતો. નીચા મથાળે શૅરમાં ખરીદી નીકળી હતી ત્યાં જ વાઇરસના નવા દરદીઓ ભારતમાં જોવા મળતાં એમાં ઘટાડો આવ્યો હતો અને સતત સાતમા દિવસે પણ બજાર ઘટીને બંધ આવ્યું હતું.

શુક્રવાર સુધીમાં ઘટી રહેલા બજારમાં રોકાણકારોની સંપત્તિમાં ૧૧,૬૩,૭૦૯ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું હતું. સોમવારે બજારમાં નવી ખરીદી જોવા મળી રહી હતી. આ સાત સત્રમાં નિફ્ટી ૮.૧૯ ટકા ઘટી ગયો છે અને આજના ધોવાણ સહિત રોકાણકારોએ ૧૨.૬૯ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ બજારમાં ખોઈ છે. શુક્રવારે ૧૭૫૪ કરોડ બાદ આજે વધુ એક વખત વિદેશી સંસ્થાઓએ ૧૩૫૪ કરોડ રૂપિયાના શૅરબજારમાં વેચ્યા હતા.

દિવસના અંતે સેન્સેક્સ ૧૫૩ પૉઇન્ટ ઘટી ૩૮,૧૪૪ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટી પણ દિવસની ઊંચાઈથી ૩૯૭ પૉઇન્ટ ઘટ્યો હતો અને સત્રના અંતે ૬૯ પૉઇન્ટ ઘટીને ૧૧,૧૩૨ની સપાટીએ બંધ આવ્યો હતો. આજે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના શૅર પાંચ ટકા ઘટ્યા હતા. આ ઉપરાંત રિલાયન્સ, ઍક્સિસ બૅન્ક અને બજાજ ફાઇનૅન્સ ઘટ્યા હતા, જયારે એચસીએલ ટેક અને ઇન્ફોસિસ અને આઇસીઆઇસીઆઇ બૅન્કે બજારને ટેકો આપ્યો હતો.

બીએસઈ પર ૪૦ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૩૪૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૨૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૯૦માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૦.૭૭ ટકા અને મિડકૅપ ઇન્ડેક્સ ૦.૬૫ ટકા ઘટ્યા હતા. સોમવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧,૦૬,૧૪૭ કરોડ રૂપિયા ઘટી ૧૪૫.૮૦ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

વાયદાબજારની હલચલ
વૈશ્વિક બજારોના સહારે અને ૬ દિવસની સતત વેચવાલી બાદ નીચા મથાળે ખરીદી નીકળી હતી. માર્ચ સિરીઝના સ્ટૉક ફ્યુચર્સમાં આજે ૪૫ જેટલી ચીજોમાં નવી ખરીદી જોવા મળી હતી, જેમાં શૅરના ભાવ વધ્યા હતા અને ઓપન ઇન્ટરેસ્ટ પણ વધ્યું હતું. જોકે સામે નવા શૉર્ટ્સ પણ વધ્યા હતા. લગભગ ૮૭ જેટલી ચીજોમાં નવા શૉર્ટ્સ જોવા મળ્યા હતા, જેમાં નવા શૉર્ટ્સ થયા હતા એટલે કે ભાવ ઘટશે એવી આશાએ ફ્યુચર્સમાં વેચવાલી હતી એમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ, નિફ્ટી બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્ર બૅન્ક, તાતા મોટર્સ, તાતા સ્ટીલ, લાર્સન ઍન્ડ ટૂબ્રો, આઇટીસી જેવી ચીજોનો સમાવેશ છે.

વાઇરસની અસરથી કેટલાક શૅરોમાં કડાકો
ભારતમાં અગાઉ પણ વાઇરસના ત્રણ કેસ નોંધાયા હતા, જેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. નવા બે કેસ મળતાં ભારતમાં પણ ટ્રાવેલ અને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ આવી શકે છે અથવા તો લોકો પોતે સ્વૈચ્છિક રીતે બહાર નીકળવાનું બંધ કરશે એવી દહેશતે કેટલીક ખાસ કંપનીઓના શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો. મલ્ટિપ્લેક્સ ચલાવતી પીવીઆરના શૅર ૯.૨૯ ટકા ઘટી ૧૭૩૫.૧૦ અને આઇનોક્સ લીઝરના શૅર ૧૨.૪૪ ટકા ઘટી ૩૭૫.૯૫ રૂપિયા બંધ આવ્યા હતા. રેસ્ટોરાં ચલાવતી જ્યુબિલન્ટ ફૂડસ (ડોમિનોઝ પીત્ઝા) ૫.૨૪ ટકા ઘટી ૧૬૬૪.૯૫ અને સ્પેશ્યલિટી રેસ્ટોરાં (મેઇન લૅન્ડ ચાઇના)ના શૅર ૩.૪૬ ટકા ઘટીને બંધ આવ્યા હતા. પ્રવાસીઓને સેવા આપતી આઇઆરસીટીસીના શૅર ૧.૮૦ ટકા ઘટી ૧૭૧૩.૨૦ રૂપિયા બંધ આવ્યા હતા તો વિમાની સેવાઓ ચલાવતી ઇન્ટરગ્લોબના શૅર ૪.૭૬ ટકા ઘટી ૧૨૩૮.૮૦ અને સ્પાઇસ જેટ ૮.૮૮ ટકા ઘટી ૭૫.૯૦ રૂપિયા બંધ આવ્યા હતા.

બૅન્કોમાં ફરી ઘટાડો
નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ આજે એક તબક્કે ૬૪૪ પૉઇન્ટ પર હતો, પણ પછી આવેલી વેચવાલીમાં સેન્સેક્સ અને અન્ય મોટી બૅન્કોના શૅર ઘટી જતાં એ ૨૩૮ પૉઇન્ટ ઘટીને બંધ આવ્યો હતો. નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ આજે ૪.૫૨ ટકા ઘટીને બંધ આવ્યો હતો અને છેલ્લા ચાર સ્તરમાં એમાં ૧૧.૯૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બૅન્કિંગ શૅરોમાં બૅન્ક ઑફ બરોડા ૬.૯૯ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૫.૨૨ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૫.૧ ટકા, કૅનેરા બૅન્ક ૪.૧૩ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૨.૧૨ ટકા, યુનિયન બૅન્ક ૧.૭૫ ટકા અને બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૫૭ ટકા ઘટીને બંધ આવ્યા હતા. ખાનગી બૅન્કોમાં યસ બૅન્ક ૬.૬૫ ટકા, ફેડરલ બૅન્ક ૩.૨૬ ટકા, આરબીએલ બૅન્ક ૨.૮૭ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૬૩, ઍક્સિસ બૅન્ક ૧.૪૮ અને કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૨૬ ટકા ઘટીને બંધ આવ્યા હતા.

ગ્રેફાઇટ ઇન્ડિયાના શૅર ૬ દિવસના ઘટાડા પછી વધ્યા
ઇલેક્ટ્રોડ પર યુરોપિયન યુનિયનમાં ઍન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાગી રહી છે. યુનિયને એના પર પુનઃ વિચાર કરવાની જાહેરાત કરતાં સતત ૬ દિવસથી ઘટી રહેલા ગ્રેફાઇટ ઇન્ડિયાના શૅર આજે એક તબક્કે ૧૨ ટકા વધી ગયા હતા. જોકે દિવસના અંત તરફ અન્ય શૅરોમાં આવેલી વેચવાલી બાદ એમાં પણ ઉછાળે વેચવાલી આવી હતી અને શૅર સત્રના અંતે ૨.૨૦ ટકા વધી ૨૨૮.૧૦ રૂપિયા બંધ આવ્યા હતા. અન્ય ઉત્પાદક એચઈજીના શૅર પણ ૧૦.૧ ટકા વધી ૯૬૪.૭૦ થઈ સત્રના અંતે ૩.૪૯ ટકા વધીને ૯૦૬.૫૫ રૂપિયા બંધ આવ્યા હતા.

તાતા પાવરના શૅર ૧૩ વર્ષની નીચી સપાટીએ
સોમવારે મોટા ભાગનો સમય શૅરબજારમાં ભારે તેજી હોવા છતાં તાતા પાવરના શૅર આજે ૧૩ વર્ષની સૌથી નીચી સપાટી ૪૩.૩૦ રૂપિયા પર પહોંચ્યા હતા. કંપનીના મુન્દ્રા પાવર પ્લાન્ટની વીજળીના ભાવ વધારવા વિશે જો ગુજરાત સહિત અન્ય ચાર રાજ્યો માનશે નહીં તો કંપનીએ આ ચાર રાજ્યોને વીજળીપુરવઠો બંધ કરવાની ધમકી આપી છે. આ ધમકીના કારણે છેલ્લા એક સપ્તાહમાં શૅરના ભાવ ૧૩ ટકા જેટલા વધી ગયા છે. સત્રના અંતે શૅરનો ભાવ ૬.૪૩ ટકા ઘટી ૪૩.૬૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો.

અન્ય શૅરોમાં વધ-ઘટ
ફેબ્રુઆરીમાં વાહનોનું વેચાણ ૧.૧ ટકા ઘટ્યું હોવાથી દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીના શૅર ૦.૩૫ ટકા વધ્યા હતા. મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રએ ફેબ્રુઆરીમાં વેચાણ ૪૨ ટકા ઘટ્યું હોવાની જાહેરાત કરી હતી એટલે શૅર ૦.૫૦ ટકા વધી ૪૫૮.૭૦ રૂપિયા બંધ આવ્યા હતા. વેચાણ ૩૨.૪ ટકા ઘટ્યું હોવાથી તાતા મોટર્સના શૅર ૨.૯૫ ટકા ઘટ્યા હતા. બજાજ ઑટોના શૅર ફેબ્રુઆરીમાં મોટરસાઇકલના વેચાણ ૧૦ ટકા ઘટી જતાં ૩.૨૧ ટકા ઘટ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here