સેન્સેક્સ ૩૪૭.૪૨ પોઇન્ટ ઊછળીને ૪૫,૪૨૬.૯૭ ની સર્વોચ્ચ સપાટી ઉપર બંધ રહ્યો

0
17

ફાઇનાન્શિયલ અને એફએમસીજી કાઉન્ટરોની આગેવાની હેઠળ વિદેશી સંસ્થાકીય રોકાણકારો(FII) ની અને સ્થાનિક રોકાણકારોની ચાલુ રહેલી ભારે લેવાલીના કારણે મુંબઇ શેરબજાર (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)  બન્નેમાં આજે સપ્તાહના પ્રથમ સેશનમાં જ શેરોના ભાવોમાં આગઝરતી તેજી ચાલુ રહી હતી અને બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી ઇન્ડેક્સ ૦.૭ ટકાથી વધુના ઉછાળા સાથે નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચીને બંધ રહ્યા હતા.

બીએસઇ સેન્સેક્સ આજે સવારે મજબૂત ટોને ૪૫,૦૯૯.૯૨ પોઇન્ટે ઊંચે ખૂલ્યો હતો. દિવસ દરમિયાન ભારે લેવાલીના કારણે વધીને ૪૫,૪૫૮.૯૨ પોઇન્ટની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બાદમાં રોકાણકારો દ્વારા નફો બુક કરવાના કારણે ઘટીને ૪૫,૦૨૪.૪૭ પોઇન્ટની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જો કે દિવસના અંતે ફરીથી વધીને ૪૫,૪૨૬.૯૭ પોઇન્ટની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો આમ આગલા બંધ ૪૫,૦૭૯.૫૫ પોઇન્ટની સામે આજે વધુ ૩૪૭.૪૨ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. એ જ પ્રમાણે એનએસઇ નિફ્ટી ઇન્ડેક્સ પણ આગલા બંધ ૧૩,૨૫૮.૫૫ પોઇન્ટની સામે આજે વધુ ૯૭.૨૦ પોઇન્ટની ઉછાળા સાથે દિવસના અંતે ૧૩,૩૫૫.૭૫ પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી ઇન્ડેક્સે ઇન્ટ્રા-ડેમાં ૧૩,૩૬૬.૬૫ પોઇન્ટની નવી ઊંચી સપાટી બનાવી હતી. બીએસઇમાં આજે સેન્સેક્સની સ્ક્રિપોમાં સૌથી વધુ વધનારા શેરોમાં ખાસ કરીને એચયુએલ ૩ ટકા, ભારતી એરટેલ ૩ ટકા, એચડીએફસી ૨.૫૪ ટકા અને આઇટીસી ૨.૫ ટકા જેટલા ઊછળીને બંધ થયા હતા. કન્ઝયૂમર ડયૂરેબલ અને રિયલ્ટી સિવાયના બાકીના બધા જ ઇન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા હતા.

બીએસઇ  સ્મોલ-કેપ ઇન્ડેક્સ ૧.૩ ટકા વધીને ૧૭,૫૪૨.૬૬ પોઇન્ટે અને મિડ-કેપ ઇન્ડેક્સ ૦.૯૫ ટકા વધીને ૧૭,૫૫૪ પોઇન્ટે બંધ રહ્યા હતા. એનએસઇમાં આજે સેક્ટરલ ઇન્ડેક્સ પ્રમાણે નિફ્ટી રિયલ્ટી સિવાય બાકીના બધા જ ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ બે ટકા કરતાં વધુ ઊછળી ૧,૭૩૪ના મથાળે બંધ રહ્યો હતો. બીએસઇમાં આજે ખાસ કરીને બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, ઓટો, મેટલ, આઇટી અને એફએમસીજી શેરોમાં રોકાણકારોની ભારે લેવાલી નીકળી હતી. ઉપરાંત યુપીએલ, અદાણી પોર્ટ્સ, એચયુએલ, ભારતી એરટેલ,ઓએનસીજી અને આઇટીસી વગેરે શેરો ૨.૮૦ ટકાથી ૪.૫૬ ટકા સુધી ઉછળીને બંધ થયા હતા. જ્યારે એસબીઆઇ લાઇફ, નેસ્લે ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ અને બજાજ ફાઇનાન્સ વગેરે શેરો ૧.૦૯ ટકાથી ૧.૫૧ ટકા સુધી ઘટીને બંધ રહ્યા હતા.

B ગ્રૂપની ૧૨૭ કંપનીઓને ઊપલી સર્કિટ લાગી

શેરબજારની માર્કેટ કેપ રૂ.૧.૬૮ લાખ કરોડના વધારા સાથે રૂ.૧૮૧.૧૬ લાખ કરોડની સપાટીએ પહોંચી હતી. સેન્સેક્સની ૩૦ માંથી ૧૯ કંપનીઓના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે બાકીની ૧૧ સ્ક્રિપોના ભાવો સાધારણ ઘટીને બંધ થયા હતા. બીએસઇમાં આજે છ ગ્રૂપની ૬ કંપનીઓને ઊપલી સર્કિટ લાગી હતી, જ્યારે B ગ્રૂપની ૧૨૭ કંપનીઓને ઊપલી સર્કિટ લાગી હતી. બીએસઇના ડેરિવેટિવ્ઝ સેગ્મેન્ટમાં આજે કુલ રૂ.૩,૨૯,૫૯૮.૯૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. બીએસઇમાં આજે કુલ ૩,૧૬૭ કંપનીઓમાં કામકાજ જોવા મળ્યા હતા. જેમાં રોકાણકારોની ભારે લેવાલીએ ૨,૦૩૫ કંપનીઓના ભાવો ઊછળ્યા હતા અને વેચવાલીના કારણે ૯૩૭ સ્ક્રિપોના ભાવોમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે ૧૯૫ સ્ક્રિપોના ભાવો વિના વધઘટે ટકેલા રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here