શ્વેતા તિવારીના બીજા પતિના ગંભીર આક્ષેપો, ‘દીકરાને મળવા નથી દેતી, નોકરો જેવો વ્યવહાર કરે છે’

0
3

મુંબઈ. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી તથા તેના પતિ અભિનવ કોહલી વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. અભિનવ કોહલીએ હવે શ્વેતા પર પોતાના દીકરા રેયાંશને મળવા ના દેવાનો આક્ષેપ કર્યો છે. શ્વેતાએ ગયા વર્ષે ઓગસ્ટમાં અભિનવ પર ડોમેસ્ટિક વાયોલન્સના આક્ષેપ મૂક્યાં હતાં અને બંને ત્યારથી અલગ રહે છે.

અભિનવે શ્વેતા પર આક્ષેપો મૂક્યા

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં અભિનવે કહ્યું હતું, ‘હું હવે આ અંગે જાહેરમાં બોલી રહ્યો છું, કારણ કે મને લાગી રહ્યું છે કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી લઈને મે, 2020 સુધી શ્વેતા મારા સંપર્કમાં હતી. મેં તેની તથા બાળકોની જવાબદારી ઉઠાવી હતી. કારમાં પેટ્રોલ ભરવાથી લઈને, રેયાંશ માટે કંઈ ખરીદી કરવાની હોય તે તમામ કામો મેં કર્યાં છે. તેને જ્યારે પણ કંઈ જોઈતું હોય પછી ભલે ને રાતના ચાર વાગ્યા હોય કે બે, હું હંમેશાં મદદ માટે આગળ આવ્યો છું. હું મારા બાળકો સાથે રહેવા માગું છું. જોકે, હવે તે મને બાળકોને મળવા દેતી નથી. તે મારી સાથે નોકરો જેવો વ્યવહાર કરે છે.’

રેયાંશને મળવા ના દીધો

અભિનવે આગળ કહ્યું હતું, ‘14 મેના રોજ રેયાંશ બહુ જ રડતો હતો અને તેને મારી સાથે વાત કરવી હતી અને તેથી શ્વેતાએ મને વીડિયો કોલ કર્યો હતો. અચાનક જ શ્વેતા રૂમની બહાર જતી રહી અને તેણે દરવાજો બંધ કરી દીધો. બાળક જોર જોરથી બૂમો પાડવા લાગ્યું હતું અને તેણે આઈપેડ ફેંકી દીધું. હું દીકરાને લઈ ઘણો જ ડરી ગયો હતો અને તેને મળવા માટે દોડી આવ્યો હતો. જોકે, શ્વેતાએ પોલીસને બોલાવી લીધી અને મને ઘરની બહાર કાઢી મૂક્યો. આમાં મારી ભૂલ શું હતી? હું તો દીકરા માટે ચિંતિંત હતો. હું પોલીસ સ્ટેશન ત્રણ કલાક સુધી રડતો રહ્યો પરંતુ કોઈએ મારી વાત ના સાંભળી.’ ઉલ્લેખનીય છે કે 2013માં અભિનવ સાથે શ્વેતાએ બીજા લગ્ન કર્યાં હતાં.

પહેલાં લગ્ન તૂટી ગયા હતાં

શ્વેતાએ 19 વર્ષની ઉંમરમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર તથા ફિલ્મ પ્રોડ્યૂસર રાજા ચૌધરી સાથે 1999માં લવ મેરેજ કર્યાં હતાં. બંને વર્ષ 2000માં દીકરી પલકના પેરેન્ટ્સ બન્યા હતાં. નવ વર્ષ બાદ એટલે કે વર્ષ 2007માં શ્વેતાએ ડિવોર્સ કેસ ફાઈલ કર્યો હતો અને અલગ રહેવા લાગી હતી. જોકે, આ ડિવોર્સ પ્રોસેસ લાંબી ચાલી હતી. સાડા પાંચ વર્ષ બાદ વર્ષ 2012માં બંનેના ડિવોર્સ થયા હતાં. શ્વેતાએ ‘કસૌટી જિંદગી કી’, ‘સજન રે જૂઠ મત બોલો’, ‘બાલવીર’, ‘પરવરિશ’, ‘બેગૂસરાય’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. શ્વેતા ‘બિગ બોસ 4’ની વિનર પણ રહી ચૂકી હતી.