કાશ્મીર મુદ્દે ભારત-પાક વચ્ચે ગંભીર સંઘર્ષ, વિવાદના નિરાકરણ માટે બધું કરી છૂટીશઃ ટ્રમ્પ

0
7

વોશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન ગંભીર રીતે આમને સામને છે. વ્હાઇટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદના ઉકેલ માટે કંઇપણ કરશે. કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટ્યા બાદ આ છઠ્ઠીવાર છે જ્યારે ટ્રમ્પે મધ્યસ્થતાની રજૂઆત કરી છે. આ પહેલા સોમાવરે ઇમરાન સાથે મુલાકાત દરમિયાન પણ તેમણે પોતાને સારા મધ્યસ્થી ગણાવતા કહ્યું હતું કે ભારત-પાક ઇચ્છે તો તે મદદ કરવા તૈયાર છે.

ટ્રમ્પે જણાવ્યું , ‘ મારી ભારત અને પાકિસ્તાન બન્ને સાથે કાશ્મીર મુદ્દે વાત થઇ. વિવાદના ઉકેલ માટે મે તેમને મધ્યસ્થતાની રજૂઆત કરી છે. મે કહ્યું કે હું કાશ્મીર મુદ્દે ઉકેલ લાવવા કંઇપણ કરીશ , કારણ કે બન્ને પાડોશી દેશો ગંભીરપણે આમને-સામને છે. આશા છેકે આ સ્થિતિમાં ઝડપથી સુધારો આવશે. ‘

અમેરિકન રાષ્ટ્રપતિ સતત કાશ્મીર મુદ્દે નિવેદન બદલતા રહે છે. સોમવારે ઇમરાન સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન બન્ને સહમત હશે તો કાશ્મીર અંગે મધ્યસ્થતા કરશે. જોકે , બીજા દિવસે વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે વિશ્વાસ દર્શાવ્યો હતો કે મોદી અને ઇમારન આ મામલે ઉકેલ લાવી શકે છે. ટ્રમ્પે મોદી-ઇમરાનને મુલાકાતની અપીલ કરતા કહ્યું હતું કે જો બન્ને એકબીજાને જાણશે તો સારા પરિણામ આવશે.

ભારત તરફથી પહેલા પણ અનેકવાર ટ્રમ્પની મધ્યસ્થતાની રજૂઆતને નકારવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ જી- 7 સમિટમાં ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષના હસ્તક્ષેપ બિનજરૂરી ગણાવ્યું હતું. મોદીએ ટ્રમ્પની સામે કહ્યું હતું કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો છે અને અમે વિશ્વના કોઇપણ દેશને આ અંગે કષ્ટ આપવા માગતા નથી. આ અંગે ટ્રમ્પે કહ્યું હતું કે તેમને વિશ્વાસ છેકે કાશ્મીરમાં સ્થિતિ ભારતના નિયંત્રણમાં છે.

વડાપ્રધાન ઈમરાન ખાનના અમેરિકાના પ્રવાસ દરમિયાન ટ્રમ્પે 22 જુલાઈએ મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. તેમણે આ જ પ્રસ્તાવ 2 ઓગસ્ટ , 23 ઓગસ્ટ અને 10 સપ્ટેમ્બરે રિપિટ કર્યો હતો. ઈમરાનના અમેરિકાના પ્રવાસ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે મોદી બે સપ્તાહ પહેલા તેમની સાથે હતા અને તેમણે કાશ્મીર મામલામાં મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. જોકે ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને ટ્રમ્પના દાવાને ખોટો ઠેરવ્યો હતો. ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આવી કોઈ વાત થઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here