ભરૃચની સૌપ્રથમ ટીપી સ્કીમમાં સમાવેશ કરાયેલા તવરા ગામના લોકો પીવાના પાણીના કનેક્શન માટે વલખાં મારી રહ્યા છે. આશરે ૧૦ થી ૧૨ હજારની વસતી ધરાવતા ગામમાંથી જ પાણીની લાઇન પસાર થઇ રહી છે પરંતુ કનેક્શન નહી અપાતા ગ્રામજનોએ નર્મદા નદીમાંથી રોજ પાણી ભરીને લાવવુ પડે છે અથવા તો બોરનું ક્ષારવાળુ પાણી પીવુ પડે છે.
નર્મદા નદીના કાંઠે આવેલું હોવા છતાં પાણીના વલખાં, ગામના લોકોએ નદીમાંથી કેરબા ભરીને પાણી લાવવું પડે છે અથવા બોરનું પાણી પીવાનો વારોતવરા ગામ નર્મદા નદીના કાંઠે આવેલુ છે અને ભરૃચ શહેરની સરહદથી જોડાયેલુ છે. ૩ મહિના ગામનો ભરૃચની પ્રથમ ટીપીમાં સમાવેશ તો કરી દેવાયો પણ સુવિધા માટે તંત્ર દ્વારા વિચાર કરવામાં આવતો નથી. ગામના ૧૦ થી ૧૨ હજાર લોકોની મુખ્ય સમસ્યા પીવા માટેના પાણીની છે. તવરાની આસપાસ વિકસેલા ભરૃચના વિસ્તારમાં પાણીના કનેક્શનો આપી દેવામાં આવ્યા છે પરંતુ તવરા ગામને નથી અપાયા એટલે તવરાના ગ્રામજનોએ રોજ નર્મદા નદીમાંથી પાણી લાવીને તેને ઉકાળીને પીવુ પડે છે. જો આર્થિક સધ્ધર પરિવાર હોય તો ઘરમાં બોર કરીને આર.ઓ. ફિલ્ટર લગાવીને પીવાના પાણીનો ઉપયોગ કરે છે. ગરીબ પરિવારો ગામમાંથી પસાર થતી પીવાના પાણીની લાઇનમાં પ્રેશર પંપમાંથી લીકેજ થતા પાણીના કેરબા ભરીને ઘરે લાવે છે.
લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા અંગે ફરિયાદો થઇ રહી છે હજુ પણ હલ નથી થઇ. ગામમાંથી જ પીવાના પાણીની લાઇન પસાર થઇ રહી છે પણ તવરાને તેમાંથી પાણી આપવામાં આવતુ નથી. ગામની આસપાસની તમામ સોસાયટીઓમાં ઝનોરથી આવતી પીવાના પાણીની લાઇનમાંથી કનેક્શનો આપવામાં આવ્યા છે પરંતુ તવરાને જોડાણ નથી અપાયા એટલે ઘરના છોકરા ઘંટી ચાટે જેવી સ્થિતિ ઉભી થઇ છે. ગ્રામજનોએ પોતાના અધિકારો માટે આંદોલન કરવા પડયા છે ત્યારે સુવિધાઓ મળી છે અગાઉ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના ફોર ટ્રેક રોડ માટે પણ રસ્તા ઉપર ઉતરવુ પડયું હતું જે બાદ કામગીરી શરૃ કરાઇ હતી. હવે પીવાના પાણી માટે આંદોલન કરવુ પડશે તેવુ ગ્રામજનો કહી રહ્યા છે.
પાઇપ લાઇન ગેસનું ઉદ્દઘાટન તો કર્યુ પણ કનેક્શન ક્યારે આપશે તેનુ નક્કી નથી
તવરા ગામના બસ સ્ટોપ પાસે આજે ગેસ લાઈનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જો કે આ કાર્યક્રમમાં ગુજરાત ગેસના કોઈ પણ કર્મચારીની ઉપસ્થિતિ જોવા નહી મળતા આશ્ચર્ય સર્જાયા હતું.
ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી નવા ભરૃચનું નિર્માણ થઇ રહ્યું છે આ રોડ ઉપર મોટી મોટી ઇમારતો બની ગઇ છે જેમાં પાઇપ લાઇન ગેસના જોડાણો આપી દેવાયા છે પરંતુ આ ઇમરતોની બાજુમાં જ આવેલા તવરા ગામની સોસાયટીઓમાં ગેસ જોડાણો નહી આપતા લાંબા સમયથી ગ્રામજનો રજૂઆત કરી રહ્યા હતા. છતાં પણ તવરા ગામના ગ્રામજનોને ગેસ જોડાણ નહી મળતા ગ્રામજનોએ આંદોલનની ચીમકી આપી હતી જે બાદ હરકતમાં આવેલા તંત્રએ આજે ગેસ લાઇનનું ખાતમુહૂર્ત કરી નાખ્યું છે. જો કે ગ્રામજનોને હજુ પણ શંકા છે કે ખાતમુહૂર્ત તો થયુ પણ જોડાણો ક્યારે મળશે ?