કોરોના વાઇરસ : સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમનો દાવો- 2024 પહેલાં બધાને વેક્સિન નહીં મળી શકે

0
5

ચાલુ વર્ષના અંતે કોવિડ-19 વેક્સિન બધા માટે ઉપલબ્ધ થવાની આશા પર પાણી ફેરવી નાખતાં દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપનીના પ્રમુખે કહ્યું હતું કે 2024ના અંતના પહેલાં બધાને આપવા માટે કોરોના વાઈરસ વેક્સિનનું નિર્માણ નહીં થઈ શકે.

એક ઈન્ટરવ્યુમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે દવા કંપનીઓએ ઉત્પાદનમાં ઝડપથી વધારો નથી કર્યો, જેને લીધે દુનિયાની સંપૂર્ણ વસતિને ઓછા સમયમાં વેક્સિન લગાવવી મુશ્કેલ થશે. પૂનાવાલાએ વધુમાં કહ્યું હતું કે વિશ્વમાં બધાને વેક્સિન મળતાં ચારથી પાંચ વર્ષનો સમય લાગી જશે. અદાર પૂનાવાલાએ અગાઉ કહ્યું હતું કે જો કોરોના વેક્સિનના દરેક વ્યક્તિને બે ડોઝ આપવામાં આવે, જેમ કે ઓરી કે રોટા વાઈરસના મામલે થાય છે તો દુનિયાને 15 અબજ ડોઝની જરૂર પડશે.

પૂનાવાલાની ટિપ્પણીએ અનેક રાજનેતાઓના દાવા સામે શંકા વધારી

વેક્સિન નિર્માણ અને વિતરણ અંગે પૂનાવાલાની ટિપ્પણી મહત્ત્વપૂર્ણ છે. તેમનાં નિવેદનોએ અનેક રાજકીય નેતાઓ દ્વારા કરાતા દાવા સામે શંકા વધારી દીધી છે, જેમણે આગામી મહિના સુધી વેક્સિન લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન એક ચિંતા એ પણ હતી કે યુરોપ અને અમેરિકા તરફથી પહેલાં અપાઈ ચૂકેલા મોટા ઓર્ડરના પરિણામસ્વરૂપે વિકાસશીલ દેશોને વેક્સિન મળવાની યાદીમાં નીચલા ક્રમે રખાશે.