સેવાભાવી સંસ્થાઓ કહે છે, ‘પરિવારજનો સુદ્ધાં આવવાનું ટાળે એવા કેસમાં ય અમે અંતિમક્રિયા કરી છે’

0
9

કોરોના મહામારી ગુજરાતમાં પ્રવેશી તેને એક વર્ષ વીત્યું છતાં સાધારણ ઉતાર-ચડાવ પછી હજુ પણ મહામારીનું ઘાતક સ્વરૂપ ઘટ્યું નથી. ગત માર્ચમાં તો કોરોના કે તેની સારવાર તેમજ આવશ્યક સાવધાની વિશે પણ ખાસ માહિતી ન હોવાથી કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કારનું કામ સૌથી વધુ પડકારજનક બન્યું હતું. જોકે પોતાને ચેપ લાગવાની પરવા કર્યા વગર સેવાસંસ્થાઓ અને સ્મશાન, કબ્રસ્તાનના કર્મચારીઓએ પોતાની ફરજ નીભાવી હતી. આજે એક વર્ષ પછી એ અનુભવો વહેંચતી વખતે પણ તેમની લાગણી છલકાઈ આવે છે.

પ્રથમ કોરોના મૃતકની અંતિમવિધિ સુરતમાં થઈ

કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયાનો રાજ્યનો પહેલો કેસ સુરતનો હતો, સુરતના નાનપરા વિસ્તારની મહાવીર હોસ્પિટલમાં 76 વર્ષિય વૃદ્ધનુ મૃત્યુ થયું ત્યારે તેમની અંતિમવિધિ કેવી રીતે કરવી, ચેપ ન લાગે એ માટે શું સાવચેતી રાખવી વ. બાબતો બહુ મુંઝવણભરી હતી. એ વખતે સુરતના એકતા ટ્રસ્ટે એ પડકારજનક કામ કર્યું હતું. છેલ્લાં 30 વર્ષથી લાવારિસ લાશોના અંતિમ સંસ્કારના સેવાકાર્ય સાથે સંકળાયેલ એકતા ટ્ર્સ્ટે કોરોના મૃતકોની અંતિમવિધિની જવાબદારી પણ સ્વેચ્છાએ સ્વીકારી અને ઉમરા વિસ્તારના રામનાથ ઘેલા સ્મશાનમાં અંતિમવિધિ કરી. જ્યારે અમદાવાદમાં પ્રથમ દફનવિધિ દાણીલીમડાના કબ્રસ્તાનમાં થઈ હતી.

સુરતના સ્મશાન ગૃહમાં સી.એન.જી ભઠ્ઠીમાં ડેડબોડી મુકી રહેલા એકતા ટ્રસ્ટના સભ્યો

સુરતના સ્મશાન ગૃહમાં સી.એન.જી ભઠ્ઠીમાં ડેડબોડી મુકી રહેલા એકતા ટ્રસ્ટના સભ્યો

સંક્રમીત થયા, સાજા થઇ કામે પરત પણ ફર્યા

કોરોના સંક્રમણના કારણે સરકારી ચોપડે ભલે 4 હજાર 473 મોત નોંધાયા હોય પરંતુ વાસ્તવિકતા અલગ જ છે, કેમ કે અગાઉ પણ સરકારી ચોપડે નોંધાયેલ મોત અને રાજ્યના અલગ અલગ સ્મશાન ગૃહમાં કોવિડ ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવેલ અંતિમવિધીમાં ઘણો તફાવત જોવા મળે છે. એકતા ટ્રસ્ટના ઉપપ્રમુખ યુસુફ બારડનું કહેવુ છે, કે કોરોના કાળ, એટલે કે માર્ચથી લઇ અત્યાર સુધી એકતા ટ્રસ્ટના સ્વયંસેવકોએ 3000 જેટલાં મૃતકોની અંતિમવિધી કરી છે. એ દરમિયાન 15 જેટલાં સ્વયંસેવકો સંક્રમિત પણ થયા અને સાજા થયા પછી ફરી કામ પર લાગી ગયા હતા. અમદાવાદમાં મુખ્યત્વે ચામુંડા સ્મશાન ગૃહ અને એલિસબ્રિજ સ્મશાન ગૃહમાં કોવિડ ગાઇડ લાઇન અનુસાર સી.એન.જી ભઠ્ઠીમાં અગ્નિદાહ આપવામાં આવતો. સુરતમાં મુખ્યત્વે જહાંગીપુરાના કુરેક્ષેત્ર, અશ્વિનીકુમાર નારાયણ ટ્રસ્ટમાં કોવિડના દર્દીની અંતિમ વિઘી કરાવમાં આવતી, બાદમાં જે-તે હોસ્પિટલ નજીકના સ્મશાન ગૃહમાં અંતિમ વિધી કરવામાં આવતી

બે મહિના સુધી ઘરે ગયા વગર અંતિમક્રિયાઓ કરી

અંતિમવિધિની સેવામાં સક્રિય રહેલાં સ્વયંસેવકોના કહેવા મુજબ, ગત મે-જૂનમાં કોરોના પિક પર હતો ત્યારે દિવસની 40 જેટલી ડેડબોડી અંતિમ વિધી માટે આવતી. એ બહુ જ મુશ્કેલ અને પડકારજનક સમય હતો. કાળઝાળ ગરમીમાં પીપીઇ કિટ પહેરીને પહેલીવાર અંતિમ વિધી કરી ત્યારે બહુ જ મુશ્કેલી સર્જાઈ હતી. બફારાના કારણે ચામડી પર ચાઠા પડી ગયા હતા. સુરતમાં સ્થિતિ એવી સર્જાઇ કે એકતા ટ્રસ્ટના 50 પૈકી 20 સ્વયંસેવકો 2 મહિના સુધી ટ્રસ્ટની ઓફસમાં જ રહ્યાં અને ઘરે ગયા વગર સેવાનું કામ કર્યું.

સામાન્ય રીતે ટ્રસ્ટમાં 10 લોકોથી કામ ચાલતુ પરંતુ કોરોના કાળમાં સેવાભાવી લોકો અંતિમવિધી માટે સેવા આપવા પણ સ્વેચ્છાએ આવ્યા. અમદાવાદમાં લઘુમતિ સમુદાયના મૃતકોની અંતિમવિધીની કામગીરી સાથે જોડાયેલ સુન્ની મુસ્લિમ વકફ બોર્ડના પ્રમુખનું કહેવુ છે કે સદનસીબે આ કામગીરીમાં જોડાયેલ લોકોમાં કોરોના સંક્રમિત થયા હોય તેવા કિસ્સા નહિવત છે. જોકે હવે કેસ ઘટ્યા, મૃત્યુ આંક પણ ઘટ્યો જેથી હાલ 10 લોકો અહિં સેવા આપી રહ્યાં છે.

મૃતકની અંતિમ વિધી કરતા PPE કિટમાં સજ્જ સ્વયં સેવકો

મૃતકની અંતિમ વિધી કરતા PPE કિટમાં સજ્જ સ્વયં સેવકો

કેટલાંક કેસમાં તો પરિવારજનો સુદ્ધાં અંતિમવિધિમાં હાજર ન રહ્યા

કોરોના કાળમાં અંતિમ વિધીની કામગીરીમાં જોડાયેલ લોકો અને સ્વયં સેવકોનું કહેવું છે કે અત્યાર સુધી તેમણે અનેક મૃતકોની અંતિમવિધી કરી, પરંતુ આ સમયમાં કેટલીવાર ભાવુક થઇ જતા અને આંખમાંથી આસુ સરી પડતા. કેમકે પરિવારજનો શરૂઆતના સમયમાં મૃકની નજીક ન આવી શકતા ત્યારે બહુ જ કરુણ દ્રશ્યો સર્જાતા હતા. કેટલાકના ફોન પણ આવતા કે અમે નહિ આવી શકીએ, તમે અંતિમ વિધી કરી દો. એવે વખતે પરિવારજનોની ગેરહાજરીમાં અમે અંતિમવિધિ કરી છે અને વીડિયો કોલથી તેમને અંતિમ દર્શન કરાવ્યા છે.

કોરોના મૃતક દર્દીને ગંગાજળ પિવડાવી અંતિમ વિધીની પ્રક્રિયા કરવામાં આવતી

કોરોના મૃતક દર્દીને ગંગાજળ પિવડાવી અંતિમ વિધીની પ્રક્રિયા કરવામાં આવતી

સુરતના એકતા ટ્રસ્ટે હિન્દુને ગંગાજળ અને મુસ્લિમ મૃતકો માટે નમાજ પાડી આપી અંતિમ વિદાય

એકતા ટ્રસ્ટે 3 હજાર પૈકી જે-તે ધર્મના રીતિરિવાજ અનુસાર મૃતકોની વિધી કરી છે. આવી કપરી સ્થિતીમાં પણ હિન્દુ મૃતકને ગંગાજળ અને મુસ્લિમ મૃતક હોય તો નમાજ પઢીને અંતિમ વિદાય આપી હતી. ટ્રસ્ટ મારફતે જ મૃતકોને ડેથ સર્ટી અને અસ્થિ પણ પહોંચાડવામાં આવતા. જોકે શરૂઆતના સમયમાં જે-તે અંતિમવિધીના સ્થળની આસપાસના લોકોનો વિરોધ પણ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here