મુળી તાલુકાના કુંતલપુરમાંથી એલસીબી પોલીસે જુગાર રમતા ૭ શખ્સોને રોકડ સહિતના રૂ.૨.૩૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સ હાજર મળી આવ્યા નહતા. પોલીસે રોકડ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
મુળીના કુંતલપુર રામપરા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા મુકેશભાઈ નરશીભાઈ સંતોકી, અશોકભાઈ ઓધવજીભાઈ સંતોકી, જતીનભાઈ દલીચંદભાઈ પટેલ (તમામ રહે.કુંતલપુર), જીગ્નેશભાઈ હિરાભાઈ જાદવ (રહે.નારીચાણા), મુકેશભાઈ વેલજીભાઈ મોટકા, હરદેવભાઈ બાલાભાઈ ઈંદરીયા (બંને રહે.મોટા અંકેવાળીયા, તા.ધ્રાંગધ્રા) અને બળદેવભાઈ વીરજીભાઈ થરેશા (રહે.રાયગઢ તા.ધ્રાંગધ્રા)ને રોકડ રૂા.૧,૦૩,૦૦૦, સાત મોબાઈલ (કિં. રૂા.૩૧,૦૦૦), ૫ બાઈક (કિં.રૂા.૧ લાખ) મળી કુલ રૂા.૨,૩૪,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમ્યાન હિતેશભાઈ પારધી (રહે.જશાપર તા.ધ્રાંગધ્રા) અને સંજયભાઈ ભરતભાઈ (રહે.રામપરા તા.ધ્રાંગધ્રા) હાજર મળી આવ્યા નહોતા. પોલીસે તમામ વિરૂધ્ધ મુળી પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.