જાવેદ અખ્તરના જન્મદિવસ પર શબાના આઝમીએ સફળ લગ્નજીવનનું રહસ્ય ઉજાગર કર્યું

0
11

આજે એટલે કે 17 જાન્યુઆરીના રોજ ગીતકાર, કવિ તથા સ્ક્રિપ્ટ રાઈટર જાવેદ અખ્તરનો 76મો જન્મદિવસ છે. જાવેદના જન્મદિવસ પર તેમની પત્ની શબાનાએ તેમની સાથેના સંબંધો અંગે વાત કરી હતી. તેમણે વાતચીતમાં કહ્યું હતું, ‘જાવેદ ઘણીવાર કહે છે કે તે અને હું એટલા સારા મિત્રો છીએ કે લગ્ન પણ આ મિત્રતાનો અંત લાવી શકે તેમ નથી. હકીકતમાં આ લાઈન અમારા સંબંધોને દર્શાવે છે.

‘અમારો દૃષ્ટિકોણ સંબંધને મજબૂત બનાવે છે’

મને લાગે છે કે જે બાબત અમારા સંબંધને મજબૂત બનાવે છે, તે એ છે કે અનેક મતભેદો હોવા છતાંય અમારો દૃષ્ટિકોણ એક જ હોય છે. બીજું એ કે તે સાચા નારીવાદી છે. કંઈ જ કહ્યાં વગર પણ અમે એકબીજાને સારી રીતે સમજી શકીએ છીએ. અમે બંનેએ બહુ જ પહેલાં કરાર કર્યો હતો કે જે વાત કે વસ્તુથી સ્ટ્રેસ થશે તેને તે જ ઘડીએ છોડી દઈશું. હું બીજા કપલને એમ કહીશ કે ગુસ્સો આવે ત્યારે આ ઉપાય અજમાવો. આનાથી વાત આગળ વધશે નહીં. ગુસ્સો ક્ષણભરમાં ઓગળી જશે. સંબંધમાં કડવાશ આવશે નહીં.

‘જાવેદનો સ્વભાવ રોમેન્ટિક નથી’

મારી પાસે ઘણી યુવાન યુવતીઓ આવે છે અને કહે છે, ‘આવા રોમેન્ટિક ગીત લખનાર કવિ સાથે લગ્ન કરવા કેટલી મોટી વાત છે. જોકે, હું તેમ કહીને તેમના મનમાં રહેલી ગેરસમજણને દૂર કરી દઉં છું કે જાવેદ સ્વભાવે સહેજ પણ રોમેન્ટિક નથી. આ મુદ્દે જાવેદનો એવો તર્ક છે કે જો તમે સર્કસમાં કરતબ કરતા હો તો તમે ઘરે આવીને પણ આવું જ કરો?’

‘અમે ટિપિકલ પતિ-પત્ની નથી’

અમે ટિપિકલ પતિ-પત્ની નથી. અમે એકબીજાને બહુ બધી સ્પેસ આપીએ છીએ. એક સમય હતો જ્યારે અમે એટલા વ્યસ્ત રહેતા કે હું જ્યારે હું પૂછતી કે સાહેબ ક્યા છે તો જવાબ મળતો કે દિલ્હી ગયા છે. પછી તે પૂછતા કે શબાના ક્યા છે તો કહેવામાં આવતું કે હૈદરાબાદ છે. આ પરિસ્થિતિમાં તેમણે એક કવિતા પણ લખી હતી.

‘અમારી વચ્ચે પણ મીઠો ઝઘડો થાય છે’

અમારી વચ્ચે પણ મીઠો ઝઘડો થાય છે. તેઓ પોતાના હેન્ડસેટના એડિક્ટ છે. જોકે, તેને ક્યાં મૂકે છે તે તેમને યાદ રહેતું નથી. હું તેમને રોજ કહું છું કે જો તમારે હેન્ડસેટ વગર ના ચાલતું હોય તો કંઈક એવું કરો કે દર 30 મિનિટમાં તે ખોવાઈ ના જાય.

‘વિષય બદલું તો તરત જ બોલે’

તેમને મારી એક વાતની ઘણી જ ચીડ ચઢે છે. તેઓ કહે છે કે હું ક્યારેય એક જગ્યાએ શાંતિથી બેસી શકતી નથી. બીજી તે એક જગ્યાએ બેસી ગયા તો બસ બેસી જ ગયા. વાતચીતમાં જો હું વિષય બદલી નાખું તો તે અચૂકથી મને બોલે છે. તે કહેશે, ‘તમે મને એક સવાલ પૂછ્યો તો મેં એકદમ શાંતિથી સાંભળ્યો. હવે તેનો જવાબ આપવાનો પ્રયાસ કરું છું. તમે તો વચ્ચે જ અન્ય કોઈ ટોપિકની ચર્ચા ચાલુ કરી દીધી.’

‘એકબીજાના પૂરક છીએ’

હું તેમને ઘણો જ પ્રેમ કરું છું અને મને ગર્વ છે કે તે યોગ્ય તથા અયોગ્ય વચ્ચેનો ફરક સારી રીતે જાણે છે. મને તેમનાથી સારો સાથી કોઈ કાળે મળી શકે તેમ નહોતો. મારા મિત્રો કહે છે કે અમે એક સાથે આગળ આવ્યા છીએ અને અમે એકબીજાના પૂરક છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here