7 લોકોની હત્યા કરનારી શબનમ : જેલમાં પોતાના અંતિમ દિવસો ગણી રહેલી શબનમ પાસે કયા વિકલ્પ બચ્યા?

0
9

પ્રેમી સાથે મળીને પોતાના પરિવારના જ 7 લોકોની હત્યા કરનારી શબનમે રાજ્યપાલ આનંદીબેન પટેલને દયા અરજી મોકલી છે. શબનમને કદાચ આ વખતે પોતાને માફી મળી જાય તેવી આશા છે. શબનમે અગાઉ સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી જેને ફગાવી દેવામાં આવી હતી. જો કે, આ જઘન્ય હત્યાકાંડના દોષિત શબનમ અને સલીમ પાસે હજુ પણ કેટલાક વિકલ્પ ઉપલબ્ધ છે.

અમરોહાની જિલ્લા કોર્ટે આ કેસમાં 2010ના વર્ષમાં બંનેને ફાંસીની સજા સંભળાવી હતી. ત્યાર બાદ હાઈકોર્ટે પણ ફાંસીની સજા આપી હતી. 2015માં જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, તો ત્યાં પણ લોઅર કોર્ટના નિર્ણયને બરકરાર રાખવામાં આવેલો. 11 ઓગષ્ટ, 2016ના રોજ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ પણ શબનમની દયા અરજીને ઠુકરાવી દીધી હતી.

રાજ્યપાલના માધ્યમથી રાષ્ટ્રપતિને અરજી

2019માં સુપ્રીમ કોર્ટમાં શબનમની ફાંસીની પુનર્વિચાર અરજી બરતરફ થઈ હતી. હાલ શબનમ રામપુર જેલમાં બંધ છે અને પોતાની ફાંસીની સજાની રાહ જોઈ રહી છે. શબનમે રાજ્યપાલના માધ્યમથી રાષ્ટ્રપતિને પોતાની અરજી મોકલી છે અને તેના દીકરાએ પોતાની માતા માટે રાષ્ટ્રપતિ સમક્ષ ગુહાર લગાવી છે. શબનમનો દીકરો સગીર છે અને માતાને મળવા જેલમાં જતો હોય છે.

રાજ્યપાલને અરજી મોકલવાનો વિકલ્પ

સુપ્રીમ કોર્ટમાંથી ફાંસીની સજા મળ્યા બાદ કોઈ પણ શખ્સ, વિદેશી નાગરિક ગુનેગાર માટે રાષ્ટ્રપતિના કાર્યાલય કે ગૃહ મંત્રાલયને દયા અરજી મોકલી શકે છે. તે સિવાય સંબંધિત રાજ્યના રાજ્યપાલને પણ દયા અરજી મોકલી શકાય છે. રાજ્યપાલ પોતાના પાસે આવતી દયા અરજીઓને ગૃહ મંત્રાલય મોકલી દે છે.

ફાંસી પામનારી આઝાદ ભારતની પહેલી મહિલા

આ બંને અપીલો બાદ શબનમને હાલ કદાચ રાષ્ટ્રપતિ પાસેથી તેને રાહત મળી જાય તેવી આશા છે. જો રિવ્યુ પિટિશનમાં રાષ્ટ્રપતિ નિર્ણય બરકરાર રાખે તો શબનમ ફાંસીની સજા મેળવનારી આઝાદ ભારતની પહેલી મહિલા બનશે. આ તરફ શબનમની ફાંસી માટે મથુરાની મહિલા જેલમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાના સમાચાર છે પરંતુ જેલ પ્રશાસને હાલ પોતાના પાસે આવી કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું છે.

જેલમાં ચુપ રહેવા લાગી શબનમ

કોઈ પણ સમયે શબનમનું ડેથ વોરંટ જાહેર થઈ શકે છે અને તેને કોઈ પણ સમયે ફાંસી પર લટકાવવામાં આવી શકે છે. રામપુર જેલ સુપરિન્ટેન્ડેટના કહેવા પ્રમાણે શબનમને કોઈ પણ સમયે મોતનું ફરમાન આવી શકે છે તેવો આભાસ થઈ ગયો છે. આજકાલ તે જેલમાં ગુમસુમ રહેવા લાગી છે અને કોઈ સાથે વધુ વાત નથી કરતી. અગાઉ તે જેલની મહિલાઓને સિલાઈકામ શીખવતી હતી અને તેમના બાળકોને ભણાવતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here