મહારાષ્ટ્રમાં અસલી શિવસેના નક્કી કરવાના મામલે સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકો અને શિંદે જૂથને રાહત આપતો ચુકાદો આપ્યો છે. પાર્ટીના ચૂંટણી નિશાન અને અસલી શિવસેના નક્કી કરવાની ચૂંટણી પંચની કાર્યવાહી પર સુપ્રીમે પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરી દીધો છે. ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચની આવી કાર્યવાહી અટકાવવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી. આજે આ અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આગળ વધવાની લીલીઝંડી આપી દીધી છે. સુપ્રીમની ખંડપીઠે એવું કહ્યું કે ચૂંટણી પંચ અસલી શિવસેના અને તેના ચૂંટણી નિશાન પર નિર્ણય લઈ શકે છે. સુપ્રીમના ચુકાદા બાદ હવે ચૂંટણી પંચે નક્કી કરવાનું છે કે અસલી શિવસેના ઉદ્ધવ જૂથની છે કે શિંદે જૂથની.
સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચમાં પાર્ટી પર વર્ચસ્વ, નામ અને પ્રતીકના અધિકારને લઈને ચાલી રહેલી પ્રક્રિયા પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટનો આ નિર્ણય ઉદ્ધવ જૂથ માટે આફત સમાન અને શિંદે જૂથ માટે રાહત સમાન છે. કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ પ્રતીક કેસની સુનાવણી માટે સ્વતંત્ર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે ચૂંટણી પંચની કાર્યવાહી પર કોઈ રોક નહીં લાગે. આ સાથે ઉદ્ધવ ઠાકરે ગ્રુપની અરજી ફગાવી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં શિવસેનાના બે ફાડિયા પડ્યાં બાદ એકનાથ શિંદે જૂથ અસલી શિવસેના અને પાર્ટીનું ચૂંટણી નિશાન એરોની માલિકીનો દાવો કરી રહ્યું છે. આ માટે શિંદે જૂથે ચૂંટણી પંચમાં અરજી કરી હતી પરંતુ ઉદ્ધવ જૂથને ચૂંટણી પંચની આ કાર્યવાહી મંજૂરી નહોતી અને તેથી તેણે સુપ્રીમમાં અરજી કરી હતી.