30 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા : 5 શુભયોગમાં આ પર્વ ઊજવાશે; 7 વર્ષ પછી શુક્રવાર અને શરદ પૂર્ણિમાનો યોગ બન્યો, હવે 2033માં આ સંયોગ બનશે

0
8

30 ઓક્ટોબરે શરદ ઋતુમાં આવતી આસો મહિનાની પૂર્ણિમા છે, એટલે આ દિવસે શરદ પૂર્ણિમાનો પર્વ ઊજવવામાં આવે છે. માન્યતા છે કે સમુદ્ર મંથન દરમિયાન શરદ પૂર્ણિમાએ દેવી લક્ષ્મી પ્રકટ થયાં હતાં, એટલે એને લક્ષ્મીજીના પ્રાકટ્ય દિવસ સ્વરૂપે પણ ઊજવવામાં આવે છે અને આ દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે.

આ વર્ષે શુક્રવારે શરદ પૂર્ણિમાનો યોગ બની રહ્યો છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, 7 વર્ષ પછી આવો સંયોગ બની રહ્યો છે. આ પહેલાં 18 ઓક્ટોબર 2013ના રોજ શુક્રવારે આ પર્વ ઊજવવામાં આવ્યું હતું. હવે 13 વર્ષ એટલે 7 ઓક્ટોબર 2033ના રોજ આ સંયોગ બનશે. શુક્રવારે પૂર્ણિમા હોવાથી એનું શુભ ફળ વધી જશે, સાથે જ આ વખતે શરદ પૂર્ણિમાનો ચંદ્રોદય સર્વાર્થસિદ્ધિ અને લક્ષ્મીયોગમાં થઇ રહ્યો છે, જેનાથી આ દિવસે લક્ષ્મીપૂજાનું વિશેષ મહત્ત્વ રહેશે.

30 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા, 31મીએ વ્રત અને સ્નાન-દાન.

જ્યોતિષાચાર્ય પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે, દેશભરનાં મહત્ત્વપૂર્ણ પંચાંગો પ્રમાણે, આસો મહિનાની પૂર્ણિમા તિથિ 30 ઓક્ટોબરે સાંજે લગભગ પોણા 6 વાગ્યાથી શરૂ થઇ જશે અને આખી રાત પૂર્ણિમા તિથિ રહેશે, એટલે શુક્રવારે રાતે શરદ પૂર્ણિમા પર્વ ઊજવવામાં આવશે. પૂર્ણિમા તિથિ બીજા દિવસ એટલે 31 ઓક્ટોબરે આખો દિવસ રહેશે અને રાતે લગભગ 8 વાગ્યે પૂર્ણ થઇ જશે, એટલે શનિવારે પૂર્ણિમા વ્રત, પૂજા, તીર્થ સ્નાન અને દાન કરવું જોઇએ.

5 શુભયોગમાં ચંદ્ર ઉદય થશે.

આ વર્ષે શરદ પૂર્ણિમાના ચંદ્રનો ઉદય 5 શુભયોગમાં થશે, જેના પ્રભાવથી સારું સ્વાસ્થ્ય અને ધનલાભ થશે. પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે, પૂર્ણિમાએ તિથિ, વાર અને નક્ષત્રથી મળીને સર્વાર્થસિદ્ધિયોગ બની રહ્યો છે. આ યોગમાં કરેલાં બધાં કામ સિદ્ધ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે, સાથે જ લક્ષ્મી, શંખ, મહાભાગ્ય અને શશ નામના 4 રાજયોગ બનવાથી આ દિવસ વધારે ખાસ રહેશે. આ પર્વ પર બૃહસ્પતિ અને શનિ પોત-પોતાની રાશિમાં રહેશે, જે શુભ સંયોગ છે.

ખરીદારીનું શુભ મુહૂર્ત.

30 ઓક્ટોબર, શુક્રવારે પ્રોપર્ટી ખરીદવા માટે વિશેષ શુભ મુહૂર્ત બની રહ્યું છે. શરદ પૂર્ણિમાએ સર્વાર્થસિદ્ધિયોગ હોવાથી ઇલેક્ટ્રોનિક્સ સામાન, ઘરેણાં, ફર્નિચર, વાહન અને સુખ-સુવિધા આપતી અન્ય સામાનની ખરીદારી કરી શકાય છે. આ દિવસે રવિયોગ અને અમૃતસિદ્ધિયોગ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. આ પહેલાં ખરીદારી કરવું વધારે શુભ છે. જોકે સર્વાર્થસિદ્ધિયોગ આખો દિવસ અને રાત સુધી રહેશે.

શરદ પૂર્ણિમાઃ શ્રીકૃષ્ણનો મહારાસ અને લક્ષ્મીજીનું પ્રાકટ્ય.

1. મહારાસઃ આ દિવસે શ્રીકૃષ્ણ મહારાસ કરે છે. આ એક યૌગિક ક્રિયા છે. તેમાં ભગવાન કૃષ્ણની જ શક્તિના અંશ ગોપિકાઓનું સ્વરૂપ લઇને એક જગ્યાએ ભેગા થાય છે. ચંદ્રના પ્રકાશ દ્વારા પ્રકૃતિમાં ઊર્જા ફેલાવવા માટે આ ક્રિયા થાય છે. દેવી ભાગવતમાં મહારાસ અંગે જણાવવામાં આવ્યું છે.

2. લક્ષ્મી પ્રાકટ્ય દિવસઃ કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થઇ રહ્યું હતું ત્યારે આસો મહિનાની પૂનમે મંથન દ્વારા મહાલક્ષ્મી પ્રકટ થયાં. દેવી લક્ષ્મીના પ્રકટ થવાથી આ દિવસને પર્વ કહેવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કૌમુદ્રી વ્રત રાખવામાં આવે છે.

3. ઔષધીય મહત્ત્વઃ શરદ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની 16 કળાઓથી અમૃતની વર્ષા કરે છે. આ રાતે ઔષધીઓ ચંદ્રના પ્રકાશ દ્વારા ઝડપથી પોતાનામાં અમૃત ગ્રહણ કરવા લાગે છે, એટલે આ દિવસે ચંદ્રનો પ્રભાવ ધરાવતી વસ્તુઓ એટલે દૂધથી બનેલી ખીર બનાવવામાં આવે છે અને ચાંદીના વાસણમાં ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે. આવું કરવાથી તેમાં ઔષધીય ગુણ આવી જાય છે. માન્યતા છે કે એ ખીરને ખાવાથી રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે, જેનાથી અનેક પ્રકારની બીમારીઓથી રાહત મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here