શિવસેના-એનસીપી અને કોંગ્રેસની આજે બેઠક: સાંજે સરકાર રચવાનો દાવો રજૂ કરે તેવી શક્યતા

0
9

મહારાષ્ટ્રમાં આખરે આજે સરકાર બનાવવાની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક મુખ્યપ્રધાન અને બે નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યુલા પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે એટલે કે પૂરાં પાંચ વર્ષના કાર્યકાળ માટે મુખ્યપ્રધાન શિવસેનાના જ રહેશે, તેમાં કોઈ રોટેશન નહીં હોય. આ સિવાય એનસીપી અને કોંગ્રેસના બે ડેપ્યુટી સીએમ હશે. ત્રણેય પક્ષના નેતાઓ આજે બપોરે મળવાના છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ગઠબંધન આજે સાંજે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કરી શકે છે.

  • મહારાષ્ટ્રના રાજકારણ માટે આજે મહત્વનો દિવસ
  • સરકારની રચનાને લઇ થઇ શકે મોટો નિર્ણય
  • એક મુખ્યમંત્રીઅને બે નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યુલા

શિવસેના અને એનસીપીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પાંચ વર્ષ માટે મુખ્યપ્રધાન બનશે. એનસીપીના અજિત પવાર ગૃહપ્રધાન બનશે. કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ મહેસૂલ પ્રધાન બને તેવી સંભાવના છે. એનસીપીના જયંત પાટીલને નાણાં મંત્રાલય મળશે.

આદિત્ય ઠાકરે શિક્ષણ પ્રધાન બને તેવી શક્યતા

પીડબ્લ્યુડી પણ એનસીપી પાસે જ રહેશે અને છગન ભુજબળ તેના પ્રધાન બનશે. બીજી તરફ આદિત્ય ઠાકરે તેમના પિતાની સરકારમાં શિક્ષણ પ્રધાન બની શકે છે. કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર નાયબ મુખ્યપ્રધાનપદ માટે અશોક ચવ્હાણ કોંગ્રેસની પહેલી પસંદ છે.

સંજય રાઉત

એક શક્યતા એવી પણ છે કે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યપ્રધાન ન પણ બને. આવા સંજોગોમાં વરિષ્ઠ નેતા એકનાથ શિંદેને શિવસેના તરફથી મુખ્યપ્રધાન બનાવી શકાય છે. એકનાથ શિંદે શિવસેના વિધાનસભા પક્ષના નેતા તરીકે પણ ચૂંટાયા હતા.

મહારાષ્ટ્રમાં સરકારની રચના અંતિમ ફોર્મ્યુલા તૈયાર

શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ત્રણેય પક્ષો વચ્ચે મહારાષ્ટ્રમાં સરકારની રચના માટેની અંતિમ ફોર્મ્યુલા સર્વસંમતિથી તૈયાર થઈ ગઈ છે, જેમાં મુખ્યપ્રધાન ઉપરાંત કયા પક્ષના કેટલા પ્રધાન હશે અને કોને કયો વિભાગ મળશે તે પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. આ માટે ૪-૧ની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે એટલે કે ચાર ધારાસભ્ય પર એક પ્રધાનપદ મળશે.

અમિત શાહ

મંત્રી મંડળની કેવી રીતે થશે વહેંચણી

આ ફોર્મ્યુલા અનુસાર જોઈએ તો શિવસેના પાસે પ૬ ધારાસભ્ય છે તો તેના પક્ષના ૧૪ પ્રધાન બનશે. એનસીપીના પ૪ ધારાસભ્ય હોવાથી તેના પણ ૧૪ પ્રધાન રહેશે. કોંગ્રેસના ૪૪ ધારાસભ્ય છે એટલે તેના ૧૧ ધારાસભ્ય પ્રધાન બની શકે છે. આ રીતે ગઠબંધન સરકારમાં ત્રણ પક્ષના કુલ ૩૯ પ્રધાન હશે, પરંતુ મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાનને બાદ કરતાં કુલ ૪ર પ્રધાન બની શકે છે. આવી સ્થિતિમાં બાકીના ૩ પ્રધાનપદને ત્રણેય પક્ષોમાં સમાનરૂપે વહેંચવામાં આવશે.

મહારાષ્ટ્રના રાજકારણનો આજે મહત્વનો દિવસ

આજનો દિવસ મહારાષ્ટ્રના રાજકારણ માટે ખૂબ મહત્ત્વનો હોઈ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી આજે મુંબઈમાં જ રહેશે અને તેઓ આજે દિલ્હી નહીં જાય. દરમિયાન એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે ‌ટ્વિટ કર્યું છે કે છેવટે ભારતીય રાજનીતિના કહેવાતા ‘ચાણક્ય’ (અમિત શાહ)ને શરદ પવારસાહેબે હરાવી જ દીધા. મહારાષ્ટ્રને દિલ્હીનો તખ્ત ઝુકાવી ન શક્યો. જય મહારાષ્ટ્ર.

આ ઉપરાંત ફાઈનલ ‌મિટિંગ પહેલાં આજે સવારે શિવસેનાના નેતા સંજય રાઉતે ‌િટ્વટ કર્યું હતું કે ક્યારેક ક્યારેક કેટલાક સંબંધોમાંથી બહાર આવી જવું જ સારું હોય છે. અહંકાર માટે નહીં, પરંતુ સ્વાભિમાન માટે.