કોડીનારમાં અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીના પુત્રએ રિવોલ્વરમાંથી ગોળી મારી જિંદગી ટૂંકાવી

0
26

જુનાગઢના RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીના પુત્ર મીત સોલંકી (ઉં.વ.22)એ આજે પોતાના ઘરે જ આર્મીમેન મિત્રની રિવોલ્વરમાંથી ગોળી મારી જિંદગી ટૂંકાવી લીધી હતી. આ અંગેની જાણ થતા જ કોડીનાર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મીતના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.

અડવી ગામમાં રહેતા આર્મીમેનની રિવોલ્વર હતી

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે કોડીનારના અડવી ગામમાં રહેતા આર્મીમેન વિશાલ મિતનો મિત્ર છે. વિશાલની રિવોલ્વર મિત પાસે જ હતી. આથી વિશાલની રિવોલ્વરમાંથી જ મિતે ફાયરિંગ કરી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

આપઘાત પાછળનું કારણ અકબંધ

પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મિત પાસેથી કોઈ પણ પ્રકારના લખાણવાળી સ્યુસાઈડ નોટ મળી આવી નથી. મિતે આજે સોમવારે બપોરે 1.30થી 2 વાગ્યાના સમયગાળામાં પોતાના ઘરે જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. મિતે ક્યાં કારણોસર આપઘાત કરી લીધો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

2010 હાઈકોર્ટ સામે જાહેરમાં અમિત જેઠવાની હત્યા થઈ હતી

જૂનાગઢના RTI એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. CBIએ આ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ કેસમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, અમિત જેઠવાએ તે જ દિવસે હાઇકોર્ટમાં જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે PIL કરી હતી.

આ કેસમાં તત્કાલિન સાંસદ દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકીની ધરપકડ થઈ હતી

અમિત જેઠવાની હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઇએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલીન સાસંદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી દેતા આ તપાસ સુરેન્દ્રનગરના એસપી રાઘવેન્દ્ર વત્સને સોંપાઇ હતી. રાઘવેન્દ્ર વત્સે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપતા 2012માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ સીબીઆઇને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. 2013માં સીબીઆઇએ તપાસ કરી દિનુ સોલંકીની ધરપકડ કરી હતી. હાલ શિવા સોલંકી અમદાવાદની સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.