ટેલિવિઝન ડેસ્ક: ‘સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન’ના અપકમિંગ શો ‘ઈશારોં ઈશારોં મેં’માં મૂક-બધિર છોકરાની લવ સ્ટોરી દેખાડવામાં આવશે. પહેલા શૂટ માટે કલાકારો અને ક્રૂએ સીનને વધુ રિયલિસ્ટિક બનાવવા માટે જૂની દિલ્હીમાં શૂટ કર્યું. શૂટિંગ દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તાર દિલ્હી-06માં થયું હતું. જૂની દિલ્હીને નાની અને સાંકળી ગલીઓ સાથે સૌથી વ્યસ્ત વિસ્તાર માનવામાં આવે છે. ‘ઈશારોં ઇશારોં મેં’ સિરિયલ 15 જુલાઈથી શરૂ થઇ રહી છે.
લોકોએ નકલી ચોરને અસલી ચોર સમજી લીધો
એક સીનમાં મુદિત એટલે કે યોગીના પિતા કિરણ કરમરકર ઉર્ફે પ્રકાશ શ્રીવાસ્તવ જૂની દિલ્હીની વ્યસ્ત ગલીઓમાં યોગી પાછળ જઈ રહ્યા હતા. જ્યારે યોગી તેના કેરેક્ટરમાં હતો અને ઝડપથી સાઇકલ ચલાવી રહ્યો હતો અને તેના ઓન સ્ક્રીન પિતા તેનો પીછો કરી રહ્યા હતા ત્યારે તેને ઊભો રહેવા માટે કહી રહ્યા હતા. આ જોઈને ભીડને લાગ્યું કે તેઓ ખરેખર એક ચોરનો પીછો કરી રહ્યા છે અને તેને પકડવાની કોશિશ કરી રહ્યા છે.
શૂટિંગ રોકવું પડ્યું
પ્રકાશની મદદ કરવાના પ્રયત્નમાં ભીડમાં સામેલ અમુક લોકો ચોરને પકડવામાં તેમની મદદ કરવા માટે તેમની સાથે ભાગવા લાગ્યા. જ્યારે ભીડ યોગીની પાસે પહોંચી ત્યારે અંતે યોગીએ અટકવું પડ્યું અને તે સીન ફેલ ગયો. તેઓ શૂટિંગમાં પણ ઘૂસી ગયા. ત્યારબાદ ટીમે લોકોને જણાવ્યું કે, આ ખાલી તેમના અપકમિંગ શોના એક સીનનું શૂટિંગ હતું.
લીડ એક્ટરે કહ્યું, અલગ અનુભવ હતો
દિલ્હીમાં શૂટિંગના અનુભવ વિશે વાત કરતાં યોગીએ જણાવ્યું કે, ‘હું દિલ્હીમાં 16 વર્ષ રહ્યો છું અને આ શહેરમાં મારું દિલ છે. દિલ્હીમાં શૂટિંગ કરવું એ એક અદભુત અનુભવ હતો. દિલ્હી 06 દિલ્હીનો સૌથી વ્યસ્ત વિસ્તાર છે અને જ્યારે અમે એક સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે કિરણ સર જે મારા પિતાના રોલમાં છે તે મારો પીછો કરી રહ્યા હતા અને ભીડના લોકોએ અજાણતા જ આ વાતને ગંભીરતાથી લઇ લીધી. ભીડના લોકો પણ કિરણ સરની મદદ કરવા માટે તેમની સાથે દોડવા લાગ્યા અને મને જ્યારે તે લોકોએ પકડી લીધો ત્યારે મને લાગ્યું કે તે લોકો ઘણા સિરિયસ હતા. તેઓ લગભગ મારા પર હુમલો કરવાના જ હતા પરંતુ મારા નસીબ સારા હતા કે પ્રોડક્શન ટીમ તરત મને બચાવવા આવી ગઈ અને તેમને લોકોને સમજાવ્યું કે અમે શૂટિંગ કરી રહ્યા છીએ. આ બીક લાગે એવું હતું પણ આ એક અદભુત અનુભવ હતો.’