સૌરાષ્ટ્રમાં માવઠું : ધોરાજી પંથકમાં ગાજવીજ અને કરા સાથે 1થી 3 ઇંચ સુધી વરસાદ, કચ્છના ખાવડામાં બે ઈંચ

0
20

ધોરાજી/જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઇકાલે સૌરાષ્ટ્રમાં 1થી 4 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ત્યારે ધોરાજીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં કલાણા ગામમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. ધોરાજી પંથકમાં મગફળી અને કપાસના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. તેમજ જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઝાપટુ વરસ્યું હતું. ધોરાજીના છત્રાસા ગામે કરા સાથે વરસાદ વરસ્યો હતો.

 

જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું

આજે જૂનાગઢમાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ભર બપોરે આકાશમાં કાળાડિબાંગ વાદળો થતા અંધારપટ્ટ છવાય જતા વાહનચાલકોને લાઇટ કરવાની ફરજ પડી હતી. ગોંડલમાં ઝરમર વરસાદ પડ્યો હતો. જામનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

પડધરીમાં પણ કમોસમી વરસાદ

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
પવન સાથે વરસાદ પડતાં ખેતરમાં રહેલા કપાસના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
અગાઉ 15 દિવસ પૂર્વે આ જ ગામમાં ભારે વરસાદથી ખેડૂતોના મગફળીના પાકને થયું હતું.

કચ્છમાં પણ બે ઈંચ સુધી વરસાદ

કચ્છમાં બુધવારે મોડી રાત્રે ખડીર પંથકમાં શરૂ થયો હતો. જ્યારે આજે ગુરુવારે વિવિધ વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. લખપતના દયાપર અને માતાના મઢ ખાતે ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા હતા. જ્યારે ખાવડા અને આસપાસના વિસ્તારોમાં કરા સાથે 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે લખપત તાલુકાના કોટડામઢ ગામ પાસે ખેતરમાં કામ કરતા યુવક પર વીજળી પડતા તેનું મોત નીજપ્યું હતું.

સવારે ખાવડા,પૈયા,અબડાસાના ડુમરા સહિતના વિસ્તારોમાં કરા પડ્યા હતા. આ વરસાદ ખેડૂતો માટે મુસીબત ઊભી કરી છે.જો કે રાત્રે રાપર અને ગાગોદર સાથે ખડીરમાં પણ વરસાદ પડ્યો હતો. ખાવડામાં વરસાદ બાદ ગ્રામીણ હાથમાં કરાને એકઠા કરતા જોવા મળ્યા હતા. જ્યારે ખાવડા વિસ્તારમાં બરફના થર જામ્યા હોવાની તસવીર પણ વાઈરલ થઈ છે.