સિધ્ધપુર : કાષ્ટ કળાના ઉત્તમ નમૂનાને તોડવા ધર્મગુરૂએ મનાઈ ફરમાવી, ઐતિહાસિક ધરોહરને તોડવાનું ચાલુ

0
41

સિધ્ધપુર: પહેલાના બનાસકાંઠા અને વિભાજન બાદ પાટણ જિલ્લામાં ભળેલું સિધ્ધપુર એક ઐતિહાસિક નગર છે. હાલ આ શહેરમાં કૂદકેને ભૂસકે વિકાસ કરી રહ્યો છે. વિકાસને પગલે અહીંની ઐતિહાસિક ઈમારતને નાશ થઈ રહ્યો છે. તેમાં પણ વોરા સમાજના કાષ્ટ કળાથી બનાવાયેલા સદી વટાવી ચૂકેલા મકાનોને તોડીને વેચવામાં આવી રહ્યા છે. વોરા સમાજના ધર્મગુરૂએ મકાનો તોડવા મનાઈ ફરમાવી હોવા છતાં સમાજના જ કેટલાક લોકો તેને અવગણીને કમાણી કરવા મકાનોને તોડી રહ્યા છે.
વેચાતી ઈમારતો
વોરા સમાજના ધર્મગુરૂએ ઈમારતોની હિફાજત કરવાની અને વારસાને સાચવવાની હાકલ કરી છે છતાં કેટલાક લોકો તેને ધોળીને પી ગયા છે. કાષ્ટ કળાના બેનમૂન નમૂનાને તોડીને નાંખીને કાટમાળમાં ફેરવીને તેનો વેપાર કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. રાજસ્થાનના વેપારીઓ સિધ્ધપુરના કાષ્ટ કળાના કાટમાળને 70 લાખ સુધીની રકમ ચૂકવીને ખરીદી લીધો છે. જેને જયપુર સહિતના શહેરોમાં લઈ જને કાષ્ટ કળાની બેનમૂન કૃતિઓ પર એલિવેશન બનાવીને તેને વિદેશમાં વેચીને રાજસ્થાની વેપારીઓ કરોડોની કમાણી કરી રહ્યા છે. એલિવેશન થયેલી વસ્તુઓ ચારેક કરોડમાં વેચાતી હોવાનું જાણવા મળે છે.
અમદાવાદની પોળોના બાંધકામોને સીલ કરાયા હતા
તાજેતરમાં જ અમદાવાદની ઐતિહાસિક પોળમાં નવા બાંધકામોને સીલ કરાયા હતા. મોટી કમાણી કરવાની લાલચે હેરિટેજ ઈમારતોને નુકસાન કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી હતી. ત્યારે સિધ્ધપુરમાં પણ ઐતિહાસિક ઈમારતોને તોડીને નવા બિલ્ડિંગ ઊભી કરવાની ચાલતી પ્રવૃતિ સામે તંત્ર પગલાં લેશે કે કેમ તે સવાલ છે.
ફિલ્મોમાં કંડારાયું અને પ્રવાસીઓએ વખાણ્યું
બોલિવુડના કિંગ ખાન શાહરૂખની રઈસ ફિલ્મમાં પણ કાષ્ટ કળાના નમૂના એવી વ્હોરવાડમાં ફિલ્મના ગીત કમરીયાનું શૂટિંગ થયેલું છે. આ ઉપરાંત બાહુબલી ફેઈમ રાજમૌલીની આવનાર ફિલ્મ ત્રિપલ આરનું શૂટિંગ અહીં થયું છે. આ સિવાય વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જાહેરાતનું શૂટિંગ પણ અહીં કરાયું હતું. અહીં મુલાકાતે આવતા વિદેશી સહેલાણીઓ કાષ્ટ કળામાં બનેલા મકાનોની તૂલના રોમ અને ઈટાલીના મકાનો સાથે કરે છે.
રોમન ઈટાલિક શૈલીની ઈમારતો
રોમન અને ઈટાલિક શૈલીના ઐતિહાસિક મકાનો 150 વર્ષ આસપાસના ગાળામાં સિધ્ધપુરમાં નિર્માણ પામ્યા હતા. તેને બનાવવા વિદેશથી વહાણોમાં સાગનું લાકડું લાવવામાં આવ્યું હતું. અને તેને તે સમયના 30 હજારના ખર્ચે બાંધવામાં આવ્યા હતા. અહીંના વાઘ શેઠનો બંગલો અને 360 બારીબારણાવાળી ઈમારત કાષ્ટ કળાનો ઉત્તમ નમૂનો મનાય છે. તે સમયે આવી ઈમારતો ખાસ પ્રકારના પથ્થરો અને લાકડાથી બંધાતી હતી. તેમજ તેના બારી અને બારણાઓ પર વિવિધ પ્રકારની કોતરણી કરાતી હતી. અત્યાર ગણ્યાગાંઠ્યા જ કાષ્ટ કળાના કારીગરો બચ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here