બેદરકારી : સિદ્ધપુરમાં 24 કરોડમાં બનેલી આયુર્વેદિક હોસ્પિટલ 5 વર્ષમાં જ ખંડેર

0
42

સિદ્ધપુર: સિદ્ધપુરના દેથલી રોડ પર રાજ્ય સરકાર દ્વારા 24 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 20 પથારીની સુવિધાવાળી આયુર્વેદિક હોસ્પિટલ બન્યાના 5 વર્ષથી કાર્યરત નહીં થતાં ખંડેર હાલતમાં ફેરવાઇ ગઇ છે. આ હોસ્પિટલનું બાંધકામ ખેત તલાવડીમાં કરી દેવાયાની અને ગ્રાઉન્ડ ફલોર તો જમીન લેવલથી 10 ફૂટ નીચે બાંધવામાં આવ્યો છે. જેના કારણે ચોમાસામાં વરસાદી પાણી હોસ્પિટલમાં ઉત્તર દિશામાં એકઠું થાય છે. આ બિલ્ડિંગનું બાંધકામ 5 વર્ષ પહેલાં પૂર્ણ થયું છે, પરંતુ હજુ સુધી બિલ્ડીંગ સુધી દર્દી ,ડૉક્ટર કે જનતાને પહોંચવા માટે રસ્તો જ બન્યો નથી. માત્ર 20 પથારી મંજૂર થઇ હોવા છતાં 100 પથારીનું બિલ્ડીંગ ઊભું કરી દેવાયું છે. તેનાથી 20 કિમી દૂર પાટણ ખાતે 50 પથારીની હોસ્પિટલ છે.

હોસ્પિટલ ખેત તલાવડીમાં તાણી બાંધી: હોસ્પિટલનું આ મકાનનું બાંધકામ ખેત તલાવડીમાં કરાયું છે. એમાંય ગ્રાઉન્ડ ફલોર જમીન લેવલથી 10 ફૂટ નીચે હોઇ ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જાય છે.

દરવાજાનાં ઠેકાણાં નથી: દેથલી રોડ પર આવેલી આ હોસ્પિટલનું ભવ્ય મકાન તો બનાવી દીધું, પણ તેના બારી કે બારણાંનાં કોઇ જ ઠેકાણાં નથી. પરિણામે અંદર પશુઓ ઘૂસીને ગંદકી કરી હોય તેમ જણાય છે.

બોરની ઓરડી જમીનમાં ઉતરી: પાણીના બોર માટે પામી ઓરડી તો બનાવી છે,પણ તેનો ઉપયોગ થાય તે પહેલાં તેનો કેટલોક ભાગ જમીનમાં ધસી ગયો છે.

બારી બારણાંની ગ્રીલ કાટ ખાય છે: હોસ્પિટલની બિલ્ડીંગમાં બારીઓની ફ્રેમ કે બારણાંની બારસાખમાં લોખંડની ગ્રીલ લગાવાઇ નથી. જે બહાર કાટ ખાય છે.

લાઇટ ફિટીંગમાં બલ્બ ગાયબ: ટ્યુબ લાઈટો, બલ્બ, પંખા, એસી, સ્વીચ બોર્ડ વગેરે લગાવ્યાં હતાં કે કેમ તે શંકા ઉપજાવે છે. તસવીરો : રશ્મિન દવે

શૌચાલય ભંગારમાં: શૌચાલયની હાલત પણ અન્ય વિભાગો જેવી જ છે, મરઘાં સહિતનો સામાન વેરવિખેર પડ્યો છે.

ગાંધીનગરની તપાસમાં આ ક્ષતિ જણાઇ, પણ કાર્યવાહી શૂન્ય
* મુખ્ય પ્રવેશદ્વાર નથી. {કમ્પાઉન્ડ વોલ નથી.
* પ્રવેશનો માર્ગ ન હોવાથી હોમિયોપેથિક કોલેજનો ઉપયોગ કરવો પડે છે.
* બિલ્ડીંગ ખેત તલાવડીમાં હોઈ ચોમાસા દરમિયાન પાણી ભરાય છે.
* પાણી ભરાવાથી બેઝમેન્ટની દીવાલો ક્ષતિગ્રસ્ત થઈ ગઇ છે.
* બિલ્ડીંગમાં બારીઓની ફ્રેમ બારણાંની બારસાખમાં કોઈ બારી બારણાં ગ્રીલ કશુંય રહ્યું નથી.
* પ્લમ્બિંગ તથા સેનેટરી સાધનો ગાયબ છે.
* બોરવેલનું પાકું બાંધકામ જમીનમાં ધસી ગયું છે.
* ટ્યુબલાઈટો, બલ્બ, પંખા, એસી, સ્વીચ બોર્ડ જેવું કશું જ રહ્યું જ નથી.
* લિફ્ટના 2 બ્લોક છતાંય ફાયર સિસ્ટમ ગાયબ છે.

બિલ્ડીંગ પઝેશન આપ્યું પરંતુ ત્યાં કાર્યરત થવાય તેવી સ્થિતિ નથી
અમોને ગાંધીનગર નિયામક દ્વારા સપ્ટેમ્બર 2018માં બિલ્ડીંગનું પઝેશન અપાયું અને ત્યાર બાદ આ ટીમ સાથે અમે સ્થળ સ્થિતિ તપાસ કરતાં મોટી ક્ષતિઓ જણાઇ આવતાં અમો અહીં હોસ્પિટલ કાર્યરત ન કરી શકીએ તેમ ગાંધીનગર નિયામકને લેખિત રજૂઆત કરેલી છે. > મનહરભાઈ પટેલ, પંચકર્મ ચિકિત્સક અને જિલ્લા આયુર્વેદિક અધિકારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here