આગાહી : અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને લઇને પોરબંદર, ભાવનગર, મોરબી અને જાફરાબાદમાં 1 નંબરનું સિગ્નલ લગાવાયું,

0
2

રાજકોટ. ગુજરાત પર હાલ વાવાઝોડાનું સંકટ સર્જાયું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રામાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને પોરબંદર, ભાવનગર, મોરબી અને જાફરાબાદમાં 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે 31 મે સુધી હળવા વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આગામી 4 અને 5 જૂનના રોજ દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે. આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે.

પોરબંદર દરિયામાં કરંટ, 1 નંબરનું સિગ્નલ

હાલ પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. આ અસરને જોતા પોરબંદર દરિયામાં બંદરે એક નંબરનું સિગ્નલ લગાડાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપી છે.

ભાવનગર દરિયામાં 1 નંબરનું સિગ્નલ લગાવાયું

ભાવનગરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ છે, ત્યારે દરિયામાં કરંટ જોવા મળતાં ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ અલંગ પોર્ટ ઓફિસર અરવિંદ મિશ્રાએ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.

જાફરાબાદ બંદર પર સાવચેતીનાં ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવાયું

અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને જાફરાબાદ બંદર પર સાવચેતીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે જાફરાબાદ બંદર પર મોટાભાગની બોટો પરત આવી ગઈ છે અને માછીમારોને પણ માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.

મોરબીના નવલખી બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું

વાવાઝોડાના સંકટને લઈને મોરબીના નવલખી બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here