છેલ્લા બે મહિનામાં હૈમ રેડિયોના સંચાલકોએ દક્ષિણ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર બાંગ્લા, ઉર્દૂ અને અરબીમાં શંકાસ્પદ સિગ્નલની માહિતી મેળવી છે. જેને પગલે આ વિસ્તારોમાં કટ્ટરવાદીઓ સક્રિય થયા હોવાની શંકા વ્યક્ત કરાઇ રહી છે. આ માહિતી બાંગ્લાદેશમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને હિંસાની ઘટનાઓ વચ્ચે સામે આવી રહી છે.
સૌથી પહેલા ગયા વર્ષે ડિસેમ્બર મહિનાના અંતે આ સિગ્નલ પકડાયા હતા, જેમાં બેંગાલી, અરેબિક અને ઉર્દુ કોડમાં વાતચીત સામે આવી હતી. આ સિગ્નલ બંગાળના ઉત્તર ૨૪ પરગનાસના બસીરહટ અને બોંગાવ તેમજ દક્ષિણમાં સુંદરબન વિસ્તારમાં પકડાયા હતા. આ ટ્રાન્સમિશનની જાણકારી મળતા જ સ્થાનિક ઓપરેટરોએ માહિતી અને પ્રસારણ મંત્રાલયને તેની જાણ કરીને સાવચેત કરવામાં આવી હતી. સાથે જ કોલકાતામાં ઇન્ટરનેશનલ મોનિટરિંગ સ્ટેશન (રેડિયો)ને આ અંગે તમામ વિગતો સોંપવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ રેડિયો ક્લબના સેક્રેટરી અંબરિશ નાગ બિસ્વાસે પીટીઆઇ સાથે વાતચીતમાં આ માહિતી આપી હતી, તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં જે પ્રકારની ભાષાશૈલીનો ઉપયોગ કરાય છે તે આ સિગ્નલમાં સામે આવી હતી, જ્યારે કેટલાક સિગ્નલ અન્ય ભાષામાં પણ હતા, જ્યારે પણ અમે આ લોકોને પોતાની ઓળખ પૂછી ત્યારે તેઓએ કોઇ જ જવાબ નહોતો આપ્યો. તેઓની ભાષા અને વાતચીતની પેટર્ન સામાન્ય નહોતી, હૈમ રેડિયો યુઝર્સ માટે આંતરરાષ્ટ્રીય નિયમો છે જે મુજબ જ્યારે પણ થર્ડ પાર્ટી ચાલુ વાતચીતમાં બોલે ત્યારે તેમણે રેડિયોની ઓળખ માટેના કોડ અથવા રેડિયો કોલ સાઇન આપવી પડે છે. પરંતુ જે સિગ્નલ અમને મળ્યા તેમાં અમે વારંવાર પોતાની ઓળખ બતાવવા વિનંતી કરી પરંતુ તેઓએ કોઇ જ માહિતી ના આપી. જ્યારે બીએસએફએ કહ્યું હતું કે અમને આ સિગ્નલની વધુ માહિતી મળે તો અમે તેની તપાસ કરીને ટ્રેક કરીશું.