રાજકોટ : અમરેલીમાં એક સાથે 10 કેસ પોઝિટિવ, એકનું મોત, ભાવનગરમાં 3 કેસ પોઝિટિવ નોંધાયા

0
6

અમરેલીમાં આજે એક સાથે 10 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. ભાવનગરમાં આજે 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ રાજકોટ જિલ્લામાં કુલ કેસ 262 થયા છે. જેમાંથી 98 દર્દીઓ સારવાર હેઠળ છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોનાં મોત નિપજ્યાં છે. એક તરફ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોને કારણે જે લોકો ક્યાંય ગયા નથી તેમને ચેપ લાગી રહ્યા છે. તેથી દરેકમાં ટ્રાવેલ હિસ્ટ્રી લેવા કરતા કોન્ટેક્ટ ટ્રેસિંગ પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે.

અમરેલીમાં એક સાથે 10 કેસ પોઝિટિવ નોંધાયા
આજે અમરેલીમાં એક સાથે 10 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 1 મહિલા અને 9 પુરૂષનો સમાવેશ થાય છે. જ્યારે સાવરકુંડલાના ગોરડકાના 40 વર્ષીય પુરૂષનું કોરોનાથી મોત નિપજ્યું છે. આમ અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં  80 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 6 લોકોના મોત, 33 ડિસ્ચાર્જ અને 41 કેસ એક્ટિવ છે. મહત્વનું છે કે ગઈકાલે પણ એક સાથે 10 કેસ પોઝિટિવ નોંધાયા હતા.

ભાવનગરમાં 3 કેસ પોઝિટિવ નોંધાયા 
ભાવનગરમાં આજે વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. કાળીયાબીડ પટેલ પાર્ક પ્લોટ નં.4690માં રહેતા જીવરાજભાઇ કાનજીભાઇ ઇટાલીયા (ઉં.વ.64), કૃષ્ણનગર અખાડા પાસે રહેતા અને ડી.એસ.પી ઓફીસ પાસે દુકાન ધરાવતા અમિતસિંહ પ્રતાપસિંહ વેગડ (ઉં.વ.42) અને સુરતમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ચૌહાણ (ઉં.વ.39)નો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જેથી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

હાલ 98 દર્દીઓ સારવાર હેઠળ 
રવિવારે રાજકોટ જિલ્લાના 5, શહેરના 3 અને મોરબીના 1 સહિત 9 દર્દીઓ કોરોનામુક્ત થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. હજુ પણ 98 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ખાનગી હોસ્પિટલમાં 29 અને રાજકોટની સિવિલમાં 69 દર્દીઓ દાખલ છે. આ પૈકી રાજકોટ શહેરના 36 અને જિલ્લાના 31 સહિત 68 દર્દીઓ સારવાર હેઠળ છે.આ સાથે જ રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત પોઝિટિવ આવેલા દર્દીના પરિવારજનોને ક્વોરન્ટાઈન પણ કરાયા છે.

દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.