પહેલી વખત 44 પુલોનું એક સાથે ઉદઘાટન : રાજનાથે કહ્યું-પાકિસ્તાન બાદ ચીન પણ મિશન અંતર્ગત સીમા વિવાદ સર્જી રહ્યું છે.

0
0

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સોમવારે 7 રાજ્યના સીમાડાના વિસ્તારોમાં બનેલા 44 પુલનું વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા ઉદઘાટન કર્યું હતું. દેશમાં આ પ્રથમ વખતની ઘટના છે કે જ્યારે એક સાથે દેશમાં આટલી મોટી સંખ્યામાં બ્રિજના નામ આપવામાં આવ્યા છે. આ પ્રસંગે રાજનાથે કહ્યું કે પાકિસ્તાન બાદ હવે ચીન પણ સરહદ વિવાદ સર્જી રહ્યું છે. બન્ને દેશ એક મિશન અંતર્ગત આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે.રાજનાથે અરુણાચલ પ્રદેશમાં એક સુરંગનો શિલાન્યાસ પણ કર્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)એ કહ્યું હતું કે આ પુલોની વ્યૂહાત્મક અગત્યતા જ નથી, પરંતુ એ સુદૂર વિસ્તારો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં પણ મદદરૂપ થશે.

સંરક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું કે સૌ જાણે છે કે અમારી ઉત્તર અને પૂર્વી સરહદો પર શુ થઈ રહ્યું છે. 7 હજાર કિલો મીટર લાંબી સરહદ પર પાકિસ્તાન તથા ચીન સતત તણાવની સ્થિતિ જાળવી રાખી છે. ચીન-પાક તરફથી તણાવ વચ્ચે ભારત તમામ ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન લાવ્યું છે. વર્ષ 2008-16 વચ્ચે BROનું બજેટ 3300 કરોડથી 4600 કરોડ વચ્ચે રહ્યું હતું. વર્ષ 2020-21માં તે વધીને 11 હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે.

આ પુલ લદાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં બનાવાયા છે. એની મદદથી સેનાની સશસ્ત્ર ટુકડીઓ ઝડપથી સરહદે ફોરવર્ડ લોકેશન સુધી પહોંચી શકે છે. ચીનની સાથેના વિવાદને જોઈને ભારત સરહદી વિસ્તારોમાં અનેક અન્ય મહત્ત્વના પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યું છે.

ક્યાં-કેટલા પુલ

 

આ તમામ પુલોને સેનાના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને તૈયાર કર્યા છે. 7 પુલ લદાખમાં તૈયાર કરાયા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં 10, હિમાચલમાં 2, ઉત્તરાખંડમાં અને અરુણાચલમાં 8-8 અને સિક્કિમ તથા પંજાબમાં 4-4 પુલ બનાવાયા છે.

આવી હશે અરુણાચલની સુરંગ

અરુણાચલ પ્રદેશના નેચિફુમાં નિર્માણ પામનારી સુરંગ તવાંગના એક મુખ્ય માર્ગ પર બનાવવામાં આવશે. હિમાચલના દારચાને લદાખથી જોડવા માટે પણ સડક બનાવાઈ રહી છે. આ સડક અનેક ઊંચા બર્ફીલા પહાડોમાંથી પસાર થશે. એ લગભગ 290 કિમી લાંબી હશે. આ તૈયાર થવાથી કારગિલ સુધી સેનાની પહોંચ સરળ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here