સુરત : વેસુ વિસ્તારમાં સફલ સ્કવેર કોમ્પલેક્ષની લિફ્ટમાં 6 લોકો ફસાયા,

0
70

સુરતઃ સુરત વેસુના સફલ સ્કવેર કોમ્પલેક્ષની લિફ્ટ ખોટકાતા એક બિલ્ડરનો આખો પરિવાર ફસાઇ ગયો હતો. શનિવારની રાત્રે બનેલી ઘટના બાદ પરિવારની ચિચયાળી સાંભળી દોડી આવેલા લોકોએ લગભગ 45 મિનિટની મહેનત બાદ પરિવારના 6 સભ્યોને અડધી લિફ્ટમાંથી રેસ્કયૂ કરીને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ બાદ દોડી આવેલા ફાયરના અધિકારીઓએ તપાસ કરતા લિફ્ટ ખામીગ્રસ્ત હોવાનું બહાર આવ્યું હતું. બિલ્ડર પરિવાર સફલ સ્કવેર કોમ્પલેક્ષની એક રેસ્ટોરન્ટમાં રાત્રી ભોજન કરી લિફ્ટમાં નીચે ઉતરતા ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ વચ્ચે ફસાઈ ગયો હતો.

સાહસિક યુવાનોએ અડધી લિફ્ટ ખોલીને પરિવારને બચાવ્યો

બિલ્ડર સુજીત સિંગે જણાવ્યું હતું કે, આવી ઘટના પહેલી વાર બની હતી. જેમાં પરિવારના તમામ સભ્યો એક જ લિફ્ટમાં હોય અને લિફ્ટ અધવચ્ચે બંધ પડી ગઈ હોય. લગભગ 45 મિનિટ સુધી તમામ સભ્યો બહાર નીકળવાનો પ્રયત્ન કરતા રહ્યા હતા અને ગભરાયા બાદ બુમાબુમ કરી દેતા સિક્યુરિટી ગાર્ડ્સ દોડી આવ્યા હતા. જોકે અનેક પ્રયાસ બાદ પણ લિફ્ટ ચાલુ ન થતા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ કેટલાક સાહસિક યુવાનોએ તાત્કાલિક એક નિર્ણય કરી લિફ્ટને અડધી જ ખોલી કાઢી આખા પરિવારને એક પછી એક રેસ્કયૂ કરીને બહાર કાઢ્યા હતા. જેમાં વૃદ્ધ માતા લઇને 19 વર્ષની દીકરી પણ હતી.

લિફ્ટ ક્ષતિગ્રસ્ત હોવાનું બહાર આવ્યું

ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, અમને કોલ લગભગ રાત્રીના 10:12 મિનિટે મળ્યો હતો. કેટલાક લોકો લિફ્ટમાં ફસાયા હોવાની જાણ બાદ અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં આખા પરિવારને લોકોએ બહાર કાઢી લીધા હતા. લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ વચ્ચે ખોટકાઈ ગઇ હતી. જેને લઈ લોકોએ રેસ્કયૂ કરવા પડ્યા હતા. તપાસ કરતા લિફ્ટ ક્ષતિગ્રસ્ત હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇને મેનેજમેન્ટ કરનાર સોસાયટીને તાત્કાલિક જાણ કરીને લિફ્ટ રિપેર થયા બાદ જ વપરાશમાં લેવા સૂચન કરાયું હતું.

લિફ્ટમાં ફસાયેલો પરિવાર પર્વ ગામનો છે

લિફ્ટમાં રાજદેવી તાલુકાદાસ સિંગ(63), હેમા અજિત સિંગ(35), પ્રતિમા લક્ષમણ સિંગ (35), પાયલ અમિત સિંગ (22), નીતુ પુષ્પરાજ સિંગ (28), કમલ મુન્ના સિંગ(19) ફસાયા હતા. તેઓ પર્વત ગામ, સુરતના રહેવાસી છે.

સવારે જ લિફ્ટ રિપેર કરવામાં આવી હતી

સ્કવેર કોમ્પલેક્ષ સિક્યુરિટી ગાર્ડ વિનોદકુમારે જણાવ્યું હતું કે, લિફ્ટમા નાના બાળકો પણ ફસાયા હતા. લિફ્ટ ઓવર લોડ થઈ જવાથી પણ ખોટકાઈ જતી હોય છે. ત્રણેય લિફ્ટ સવારે જ રીપેર થઈ હતી. બટન અને ઝટકા આપતી હોવાની ફરિયાદને લઈ લિફ્ટ રીપેર માટે જાણ કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here