વડોદરા : બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : સોના-ચાંદીના દાગીના ચોરીને ફરાર : વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ.

0
0

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલી ખારી તલાવડી પાસે રહેતો પરિવાર લગ્ન પ્રસંગમાં ઉત્તરપ્રદેશ ગયો હતો, ત્યારે તેમના બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કરો 52 હજાર ઉપરાંતની કિંમત ધરાવતા સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર થઇ ગયા હતા. આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

ભત્રીજાને ચોરી થયાની ખબર પડતા થતાં પરિવારને જાણ કરી

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલી ખારી તલાવડી પાસે રહેતા સુનિલભાઇ ઉપાધ્યાય નજીકમાં આવેલ વીમા દવાખાનાની બાજુમાં નાસ્તાની લારી ચલાવી વેપાર કરે છે. 19 નવેમ્બરના રોજ તેઓ પરિવાર સાથે ઉત્તરપ્રદેશ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. 28 નવેમ્બરના રોજ પાડોશમાં રહેતા તેમના ભત્રીજાને જાણ થઈ હતી કે, કાકા સુનિલભાઇના ઘરમાં ચોરી થઈ છે, જેથી તેમણે લગ્નમાં ગયેલા પરિવારને ચોરી અંગે જાણ કરી હતી.

પોલીસે ગુનો નોંધીને તસ્કરોની શોધખોળ હાથ ધરી

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મકાનના લાકડાના મુખ્ય દરવાજાને ફ્રેમ સાથે તોડી ઘરમાં પ્રવેશેલો અજાણ્યો તસ્કરો ઘરનો સામાન વેરવિખેર કરીને લોખંડની પેટીનું તાળું તોડીને સોનાની ચેન, કાનના ઝુમ્મર, ચાંદીની ઝાંઝરી, કંદોરો, છોકરાના હાથના કડા, વીંટી અને મણકાવાળી કંઠી સહિત 52,500ની મત્તા ચોરી કરીને રફુચક્કર થઇ ગયો હતો. આ બનાવ સંદર્ભે વારસિયા પોલીસે અજાણ્યા તસ્કરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

પાણીગેટ વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરો પૈકી એકને સ્થાનિકોએ રંગેહાથ ઝડપી પાડ્યો

બીજી તરફ વડોદરા શહેરના બાવચવાડમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરોને પડકાર ફેંકી સ્થાનિક રહીશોએ ત્રણ પૈકી એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે શખ્સો બાઇક સ્થળ પર છોડીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ચોરી કરતા રંગેહાથે ઝડપાયેલા શખ્સને સ્થાનિકોએ મેથીપાક ચખાડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અન્ય બે શખ્સો બાઈક સ્થળ પર મૂકી દાગીના લઈ ફરાર

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ બાવચવાડમાં રહેતો લાલાકહાર મચ્છીનો વેપાર કરે છે. આજે ગુરૂવારે વહેલી સવારે તેના ઘરે ત્રાટકેલા તસ્કરો ચોરી કરી રહ્યા હતા. તે દરમિયાન સ્થાનિક રહીશોને જાણ થઇ જતા શોર મચાવીને તસ્કરોને પડકાર ફેંક્યો હતો. આ દરમિયાન 3 તસ્કરો પૈકી એકને સ્થાનિક રહીશોએ ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય તસ્કરો પોતાનું ટુ-વ્હિલર વાહન સ્થળ પર છોડીને સોના-ચાંદીના દાગીના લઇ નાસી છૂટ્યા હતા. ચોરી કરતા રંગેહાથ ઝડપાયેલા તસ્કરને સ્થાનિક રહીશોએ મેથીપાક ચખાડતા ઘવાયેલા તસ્કરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા તસ્કરએ પોતાનું નામ ઈબ્રાહીમ ઉર્ફે એટીએમ તાહીરવાલા (રહે, કિશનનગર, ડભોઇ રોડ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચોરી કરતાં રંગેહાથ ઝડપાયેલા તસ્કરે ચોરીની ઘટનાને અંજામ આપવા માટે સ્થાનિક બુટલેગરે ટિપ્સ આપી હોવાનું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here