રોબોટથી સામાનની ડિલિવરી કરનારી પહેલી ઈ-કોમર્સ કંપની બનશે સ્નેપડિલ, દિલ્હીમાં સફળતાપૂર્વક ટ્રાયલ કર્યું

0
2

ઈ-કોમર્સ પ્લેયર્સ માટે કોરોનાના સમયમાં કોન્ટેક્ટલેસ ડિલિવરી અગત્યનો મુદ્દો બની ગયો છે. આ વાતને ધ્યાનમાં રાખીને ભારતનાં અગ્રણી ઇ-કોમર્સ કંપની સ્નેપડિલે પોતાને મળતા ઓર્ડરની ડિલિવરી હવે રોબોટથી કરવા નિર્ણય કર્યો છે. આ માટે કંપનીએ ઓટોનોમસ મોબિલિટી સ્ટાર્ટઅપ ઓટ્ટોનોમી IO સાથે મળીને દિલ્હી એનસીઆરમાં પસંદગીના સ્થળોમાં સ્નેપડિલ સાથે ઇ-કોમર્સ ડિલિવરીમાં પ્રયોગ હાથ ધર્યો હતો અને આ ટ્રાયલ સફળ રહ્યું હતું. કંપનીના જણાવ્યા મુજબ, ભારતમાં રોબોટ દ્વારા ડિલિવરી કરનાર સ્નેપડિલ ભારતની પહેલી કંપની છે.

રોબો AIનો ઉપયોગ કરી રસ્તો પસાર કરશે
ઓટ્ટોનોમી IOએ ઓટોનોમસ લાસ્ટ-માઇલ અને સ્થાનિક ડિલિવરીઓ કરવા રોબો વિકસાવ્યાં છે. આ રોબો નજીકના ઘરોમાં ઓર્ડર્સ ડિલિવર કરવા એની રીતે સાઇડવોક અને સ્થાનિક શેરીઓમાં જઈ શકે છે. આ રોબો ગીચ વિસ્તારોમાં નેવિગેટ થવા સ્પેશ્યલાઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. આ રોબો મશીન લર્નિંગ, 3D લિડારમાંથી ફ્યુઝ ડેટા અને બહારની દુનિયાની સમજણ મેળવવા કેમેરાનો ઉપયોગ પણ કરે છે.

ઇ-કોમર્સ ડિલિવરીમાં રોબોટ વિશિષ્ટ ભૂમિકા ભજવશે
સ્નેપડિલના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે ભવિષ્યલક્ષી ક્ષમતાઓ વિકસાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગમાં મોટા પાયે રોકાણ કર્યું છે. રોબો દ્વારા ડિલિવરી લોજિસ્ટિક્સનાં પરિવર્તનશીલ ભવિષ્યનો ભાગ છે અને અમે ઓટ્ટોનોમી IO સાથે આ ટેકનોલોજીનું પરીક્ષણ કરવા જોડાણ કરીને ખુશ છીએ. અમારું માનવું છે કે, રોબો ડિલિવરી મોટી વસાહતો, સંસ્થાના કેમ્પસ અને અન્ય રહેણાક વિસ્તારોમાં ઇ-કોમર્સ ડિલિવરી કરવામાં વિશિષ્ટ ભૂમિકા ભજવશે. રોબો વ્હિકલ્સ દ્વારા કોન્ટેક્ટલેસ ડિલિવરી ગ્રાહકો માટે સલામત અને સુવિધાજનક ભવિષ્યનું નિર્માણ કરવાની દિશામાં એક પગલું છે.

કોન્ટેક્ટલેસ ડિલિવરી હાલની જરૂરિયાત છે
ઓટ્ટોનોમી IOના સહ-સ્થાપક રિતુકર વિજએ કહ્યું કે, કોન્ટેક્ટલેસ ડિલિવરી હાલની જરૂરિયાત છે. લાસ્ટ-માઇલ ડિલિવરીની પ્રક્રિયાનું ઓટોમેશન અને કોન્ટેક્ટલેસ ઇન્ટરેક્શન સાથે એનું જોડાણ ગ્રાહકો અને ડિલિવરી કરતા વ્યાવસાયિકો એમ બંનેની સલામતીની ચિંતાઓનું સમાધાન કરવામાં મદદરૂપ થશે. આ ટેકનોલોજી ઇ-કોમર્સની ડિલિવરીના ભવિષ્યને આકાર આપવામાં પથપ્રદર્શક ભૂમિકા ભજવશે. આ પ્રયોગની સફળતા પછી અમે આંતરરાષ્ટ્રીય સ્તરે આ કામગીરી વધારવા આતુર છીએ.