દેશના સૌથી ઠંડા 40 શહેરોમાં 5 મધ્યપ્રદેશના, માઉન્ટ આબૂમાં સતત છઠ્ઠા દિવસે પડ્યો બરફ

0
0

ઉત્તર તરફથી આવતા બર્ફીલા પવનો મેદાનીય વિસ્તારોને પણ હચમચાવી દેવા માંડ્યા છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં શનિવારે સતત છઠ્ઠા દિવસે બરફ પડ્યો હતો. અહીં માઈનસ 1.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચુરુમાં પારો માઇનસ 0.1 ડિગ્રી નોંધાયો હતો. બીજી તરફ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પણ હાડ થીંજવતી ઠંડી પડી રહી છે. દેશના 40 સૌથી ઠંડા શહેરોમાં મધ્યપ્રદેશના 5 શહેરો સામેલ છે. બિહારના 26 જિલ્લામાં કોલ્ડવેવનું એલર્ટ છે. ગઈકાલે પણ શ્રીનગરમાં મોસમનો સૌથી ઠંડો દિવસ હતો.

મધ્યપ્રદેશ:

3 જિલ્લામાં શીતલહેર, 2 જિલ્લામાં કોલ્ડવેવ ઉત્તર-પૂર્વથી મધ્યપ્રદેશ તરફ આવતા બર્ફીલા પવનોથી કડકડતી ઠંડી રહી છે. ભોપાલમાં રાત્રિનું તાપમાન 6.6 ડિગ્રી નોંધાયું હતુ, જે સામાન્ય કરતા 4.4 ડિગ્રી ઘટ્યું હતુ. અહીં જો તાપમાન નીચે 0.1 ડિગ્રી ઘટ્યું હોત તો તે કોલ્ડવેવ માનવામાં આવત. સ્થિતિ એ છે કે દેશના 40 સૌથી ઠંડા શહેરોમાં મધ્યપ્રદેશમાં 5 શહેરો સામેલ છે. જબલપુર, સાગર અને ગુના જિલ્લાઓમાં શીતલહેર ચાલુ છે, ધાર અને રાજગઢ જિલ્લામાં કોલ્ડવેવ રહ્યું છે.

રાજસ્થાન:

રાજસ્થાનમાં સતત ત્રીજા દિવસે પારો માઈનસમાં નોંધાયો હતો. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન -1.4 ડિગ્રી અને ચુરુમાં -0.1 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. મોટાભાગના શહેરોમાં, છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો થયો છે. જો કે, રાત્રીના સમયે, હાડ થીંજવતી ઠંડી પડી રહી છે.

બિહાર:

પટના સહિત બિહારના 26 જિલ્લામાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરાયું છે. હવામાન કેન્દ્ર પટનાએ આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સમય દરમિયાન, ઠંડીથી વચવા માટે વિશેષ સાવચેતી રાખવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત પટણા સહિત ઘણા શહેરોમાં પણ કોલ્ડવેવ જેવી પરિસ્થિતિઓ સર્જાઇ રહી છે. આ જ પ્રમાણેનું હવામાન બની રહ્યું અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે, તો કોલ્ડ ડે જાહેર કરવામાં આવી શકે છે. ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ તરફથી આવતા ઠંડા પવનો બિહારમાં પ્રવેશ્યા છે, જેની ગતિ 15 થી 20 કિ.મી. પ્રતિ કલાકની છે.

દિલ્હી:

શુક્રવારે દિલ્હી એનસીઆરમાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાયું હતુ. દિવસે તડકો આવ્યા પછી પણ સવાર-સાંજે ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા હતા. સવારે લોધી રોડ 3.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું હતું. દિલ્હીનું સરેરાશ તાપમાન9.9 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં 4 ડિગ્રી નીંચું હતુ. દિલ્હીના આયા નગરમાં 3.4, સફદરજંગમાં 3.9, જાફરપુરમાં 4.6, પાલમમાં 5.7 ડિગ્રી નોંધાયું હતુ.

હિમાચલ પ્રદેશ:

રાજ્યના 12 શહેરોનું તાપમાનનો પારો ગગડ્યો છે. મનાલી, કેલોંગ, કલ્પા, સુંદરનગર, મંડી, ભુંતર, સોલન અને ચંબામાં ભારે ઠંડી પડી રહી છે. હિમાચલમાં ગઈ રાત તે મોસમની સૌથી ઠંડી રાત હતી. હવામાન વિભાગે રાજ્યના મેદાનીય વિસ્તારોમાં ઉના, બિલાસપુર, હમીરપુર, મંડી અને સિરમૌરના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની ચેતવણી આપી છે. જેના કારણે આ વિસ્તારોમાં 500 મીટરની વિઝિબિલિટી રહેશે.

પંજાબ:

પંજાબના અમૃતસરમાં તાપમાનનો પારો 0.6 ડિગ્રીએ નોંધાયો હતો, જ્યારે ફિરોઝપુરમાં 1.0 અને પઠાણકોટનું તાપમાન 2.2 ડિગ્રી નોંધાયું હતું. મોહાલીમાં 6.6 ડિગ્રી અને ચંડીગઢમાં 4.3 ડિગ્રી તાપમાન રહ્યું. લુધિયાણા સૌથી ઠંડુ રહ્યું જ્યાં તાપમાનનો પારો 0.2 ડિગ્રી નોંધાયો હતો.

ચંદીગઢ:

રાત ઠંડી હોય છે, પરંતુ દિવસ દરમિયાન સારા સૂર્યપ્રકાશને કારણે તાપમાન થોડું વધારે હોય છે. શુક્રવારની તુલનામાં શનિવારે મહત્તમ તાપમાન 20.3 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર આગામી 24 થી 48 કલાકમાં અન્ય એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યુ છે. જેના કારણે વરસાદ પડે તેવી સંભાવના છે. આ પછી, દિવસ અને રાતનું તાપમાન ઘટશે. ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here