રાજપીપળા: ઉત્તરપ્રદેશના મથુરાના બ્રિજભૂમિ ફાઉન્ડેશન દ્વારા વડોદરા ખાતે એક સમારંભમાં રાજપીપળાના નમિતાબેન મકવાણા, વડોદરાના બ્રિજલ પટેલ અને વાપીના અલ્પાબેન કોટડીયાને શ્રેષ્ઠ પ્રતિભાશાળી મહિલા તરીકે વિશિષ્ટ એવોર્ડ આપી સન્માનિત કર્યાં હતાં.
સંસ્થાને 3,329 મહિલાઓની પ્રોફાઈલ મળી હતી
ઉત્તરપ્રદેશ મથુરાની ફાઉન્ડેશન દ્વારા દેશભરમાંથી પ્રતિભાશાળી મહિલાઓને શોધી એમનું વિશિષ્ટ સન્માન કરવાનું નક્કી કરી સર્વે હાથ ધરાયો હતો. આ સર્વે દરમિયાન સંસ્થાને 3,329 મહિલાઓની પ્રોફાઈલ મળી હતી. જેમાંથી દેશભરની 51 મહિલાઓ કે, જેમણે અલગ-અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી છે. એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મહિલાઓમાં ગુજરાતમાંથી રાજપીપળાના શિક્ષિકા અને સમાજસેવા ક્ષેત્રે કાર્યરત એવા નમિતાબેન મકવાણા અને વડોદરાના બ્રિજલ પટેલ અને વાપીના અલ્પાબેન કોટડીયાનો સમાવેશ થયો હતો.
મહિલાએ રાજપીપળાનું નામ રાષ્ટ્રીય ક્ષેત્રે રોશન કર્યું
વડોદરા ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત 30મી જૂને વડોદરા ખાતે “નારી શક્તિ કો પ્રણામ” નામના એક મેગા એવોર્ડ સમારંભમાં દેશભરની 51 શ્રેષ્ઠ પ્રતિભાશાળી મહિલાઓને અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જેમાં ઘણા વર્ષોથી આદિવાસી વિસ્તારમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવવાની સાથે સાથે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3A સૃજા સહેલીના માધ્યમથી સમાજસેવા ક્ષેત્રે કાર્યરત એવા રાજપીપળાના નમિતાબેન મકવાણાનું પણ પ્રતિભાશાળી મહિલા તરીકે વિશિષ્ટ એવોર્ડ આપી સન્માન કરાયું હતું. આમ નમિતાબેન મકવાણાએ નર્મદા જિલ્લાનું અને રાજપીપળાનું નામ રાષ્ટ્રીય ક્ષેત્રે રોશન કર્યું છે.