આણંદ જિલ્લામાં મંગળવારે સવારથી વરસાદનું જોર વધ્યું હતું. સોજિત્રા તાલુકામાં સવારે બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેમજ ખંભાત તાલુકામાં પોણો ઈંચ, પેટલાદ તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સોજિત્રા અને પેટલાદમાં વરસાદી પાણી ભરાઈ જતાં શહેરીજનોને હાલાકી વેઠવી પડી હતી. આણંદ જિલ્લામાં મંગળવારે સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું અને ઠેર-ઠેર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા. સોજિત્રા તાલુકામાં સવારના ૧૦ થી બપોરના ૧૨ વાગ્યાના બે કલાકના સમયગાળામાં લગભગ બે ઈંચ વરસાદ ખાબક્તા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈ સ્થાનિકોને અનેક તકલીફોનો સામનો કરવો પડયો હતો.
બીજી તરફ સવારના ૮ થી ૧૦ વાગ્યાના સમયગાળામાં જિલ્લાના ખંભાત તાલુકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે પેટલાદ તાલુકામાં સવારના ૧૦થી બપોરના ૧૨ વાગ્યાના સમયગાળામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. સવારના ૮થી બપોરના ૨ વાગ્યા સુધીમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા છે.પેટલાદ તાલુકામાં અડધો ઈંચ વરસાદમાં પાલિકા તંત્રની પોલ ખુલી ગઈ હતી અને શહેરના વિવિધ માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. નગરપાલિકા મેદાન પાસેના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિક વેપારીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી. તેમજ કોલેજ ચોકડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જો કે બપોર બાદ મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો