અનલોક : ક્યાંક ટીચર્સનો કોરોના ટેસ્ટ જરૂરી, ક્યાંક માસ્ક નહીં, સુરક્ષા માટે 100 બાળકોનાં ગ્રૂપ બનાવાયાં

0
0

દુનિયાના અનેક દેશોમાં બાળકો સ્કૂલે પાછાં ફરી રહ્યાં છે. ભારતમાં પણ 21 સપ્ટેમ્બર એટલે કે કાલથી ધોરણ-9થી 12મા સુધીની શાળાઓ ખૂલી જશે. અમુક દેશોમાં કેસ ઓછા છે એટલા માટે સ્કૂલો હવે શરૂ થઈ રહી છે. જ્યારે અમુક દેશ એવા પણ છે જ્યાં કેસ સતત વધી રહ્યા છે, પણ તેમ છતાં અનેક સુરક્ષા ઉપાયો સાથે સ્કૂલો શરૂ કરાઈ છે. રશિયાની અનેક સ્કૂલોમાં શિક્ષકો માટે કોરોના ટેસ્ટ જરૂરી છે તો બ્રિટનમાં ફરજિયાત માસ્કનો નિર્ણય સ્કૂલો પર છોડી દેવાયો છે.

ચીન: 20 કરોડ બાળકો સ્કૂલે જવા લાગ્યાં

ચીનમાં સરકારી સ્કૂલોમાં ભણતાં 19.5 કરોડ વિદ્યાર્થી સ્કૂલે જવા લાગ્યા છે. વુહાનમાં પણ એક સપ્ટેમ્બરે 2840 પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ શરૂ કરાઈ છે. બાળકોની ટ્રાવેલ હિસ્ટ્રી પણ ચેક કરાઈ રહી છે. કોમ્યુનિટી પાર્ટીના કાર્યકરો પણ સ્કૂલોમાં ટીચર્સની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ મેઈન્ટેઈન કરાવી રહ્યાં છે.

બ્રિટન: અહીં માસ્ક લગાવવાનો નિયમ નથી

બ્રિટનમાં પણ એક કરોડથી વધુ બાળકોની સ્કૂલો શરૂ થઈ ચૂકી છે. જોકે અહીં સંપૂર્ણ દેશની સ્કૂલો માટે માસ્ક પહેરવાનો એક નિયમ નથી. સરકારે આ નિર્ણય સ્કૂલો પર છોડ્યો છે. પ્રાથમિક સ્કૂલનાં બાળકો માટે માસ્ક લગાવવું ફરજિયાત નથી. જોકે તાજેતરમાં અહીં અનેક સ્કૂલોમાં કેસ આવ્યા બાદ તેને થોડા સમય માટે ફરી બંધ કરાઈ છે.

બેલ્જિયમ: રજાઓથી પાછાં ફરેલાં બાળકો 14 દિવસ ઘરે રહેશે

બેલ્જિયમમાં પાંચ વર્ષ કે તેનાથી વધુ વયનાં બાળકોને એક સપ્ટેમ્બરથી સ્કૂલોમાં બોલાવી લેવાયાં છે. જે વિદ્યાર્થી કોઈ હાઈ રિસ્ક ક્ષેત્રનો છે તેમના પર જ સ્કૂલોમાં આવવા પર પ્રતિબંધ છે. જે વિદ્યાર્થીઓ રજાઓમાં કોઈ ચેપગ્રસ્ત સ્થાને ફરી આવ્યાં છે તેમણે 14 દિવસ સ્કૂલે આવવાનું રહેશે નહીં.

ફ્રાન્સ: 11 વર્ષથી મોટાં બાળકો માટે માસ્ક ફરજિયાત, કેસ મળ્યા

અહીં 1 સપ્ટેમ્બરે સ્કૂલો શરૂ કરાઈ પણ પહેલા સપ્તાહમાં જ અનેક સ્કૂલોમાં કોરોનાના કેસ મળી આવ્યા, જેના લીધે આશરે 22 સ્કૂલો ફરી બંધ કરાઈ. અહીં જૂનમાં પણ અનેકવાર સ્કૂલ ખૂલી હતી. હાલ ફ્રાન્સમાં 11 વર્ષથી મોટાં બાળકો અને ટીચર્સ માટે માસ્ક ફરજિયાત છે. જે સ્કૂલોમાં કેસ મળશે તેને ફરી બંધ કરાશે.

અને આ દેશોમાં પણ આ નિયમ

  • રશિયાના તમામ 85 ક્ષેત્રોમાં શિક્ષક અને બાળકો માટે માસ્ક ફરજિયાત નથી. મોટા ભાગની સ્કૂલોમાં ટીચર્સ માટે કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી છે. સ્કૂલમાં એક સમયે બાળકોની સંખ્યા મર્યાદિત કરાઈ છે.
  • જર્મની અને નોર્વેમાં સ્કૂલો આશરે 100-200 બાળકોના ગ્રૂપ બનાવી રહી છે અને તેમના પર નજર રાખવાની જવાબદારી અમુક શિક્ષકોને અપાઈ રહી છે. સુરક્ષાની દૃષ્ટિએ એક ગ્રૂપના બાળકો બીજા ગ્રૂપને મળી નથી શકતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here