હિમતનગરઃ પ્રાંતિજ તાલુકાની ખાનગી કંપનીમાં નોકરી કરતા વ્યક્તિની સોનાસણ ગામમાં અભ્યાસ કરતી સગીર દીકરીને ભોળવીને ફસાવી અપહરણ કરી લઇ જઇ દૂષ્કર્મ આચરવાના કિસ્સામાં સ્પે.એટ્રો જજ અને બીજા એડી. જજે આરોપી ભત્રીજાને તથા તેને મદદ કરનાર નાયબ મામલતદાર કાકાને બંનેને દસ-દસ વર્ષની જેલની સજાનો હૂકમ કર્યો હતો :
સમગ્ર પ્રકરણની ટૂંકમાં હકીકત એવી છે કે પ્રાંતિજ તાલુકાની ખાનગી કંપનીમાં નોકરી કરતા દલિત વ્યક્તિની દીકરી સોનાસણ ગામની હાઇસ્કૂલમાં ધો-11 માં અભ્યાસ કરતી હતી. તેના પિતાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર હાઇસ્કૂલના આચાર્યએ સગીરાના પિતાને બોલાવીને ધ્યાન દોર્યું હતુ કે સોનાસણ ગામનો કિરણ કીર્તીભાઇ પટેલ હાઇસ્કૂલની આજુબાજુમાં આંટા ફેરા મારે છે અને તમારી દીકરીને તેની સાથે જોયેલ છે. જેથી પિતાએ દીકરીને ઠપકો આપીને સમજાવી હતી પરંતુ થોડા સમયમાં જ રાત્રિના સમયે કિરણભાઇ કીર્તીભાઇ પટેલ રાત્રે બાઇક લઇને આવેલ અને સગીરાનુ અપહરણ કરીને માલપુર ખાતે નાયબ મામલતદાર તરીકે નોકરી કરતા તેના કાકા જીતેન્દ્રભાઇ ગાંડાભાઇ પટેલના ઘેર ગયો હતો અને પોલીસે બંનેને શોધી કાઢ્યા બાદ તપાસ પૂરી કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતુ.
આ અંગેનો કેસ ચાલી જતા સરકારી વકીલ વીવી મહેતાએ રજૂ કરેલ મેડીકલ એવીડન્સ, ભોગ બનનારની જુબાની,આઇઓનો તપાસ રીપોર્ટ વગેરે ગ્રાહ્ય રાખી સા.કાં. જિલ્લાના સ્પેશ્યલ (એટ્રો) જજ અને બીજા એડીશનલ સેશન્સ જજ નાનજીભાઇ પરથીભાઇ ચૌધરીએ કાકા- ભત્રીજા બંનેને મદદગારી, દૂષ્કર્મ એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(11) સહિતના ગુનામાં તકસીરવાન ઠરાવી તા. 06/07/19 ના રોજ દસ-દસ વર્ષની સજાનો હૂકમ કર્યો હતો.