સોનિયાની ઘણા નારાજ નેતાઓ સાથે વાતચીત શરૂ

0
7

કોંગ્રેસમાં ઊથલપાથલ ક્યારે સમાપ્ત થશે, એનો જવાબ હાલ પાર્ટીમાં કોઈની પાસે નથી. સોનિયા ગાંધીએ  શનિવારે પાર્ટીના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરવાનો સિલસિલો શરૂ કર્યો છે. એક સપ્તાહ સુધી બેઠકો ચાલશે, જેમાં પાર્ટી નેતાઓની ફરિયાદ, આગામી ચૂંટણીની રણનીતિ અને પાર્ટી-અધ્યક્ષ અંગે ચર્ચા થશે. ખેડૂત આંદોલન દરમિયાન બોલાવવામાં આવેલી આ બેઠકમાં હાલની સ્થિતિ દરમિયાનની રણનીતિ બનાવવામાં આવશે, જેમાં કોંગ્રેસના એવા નેતાઓને પણ બોલાવવામાં આવ્યા છે, જેમણે ચાર મહિના પહેલાં સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખીને પાર્ટી નેતૃત્વ અંગે સવાલ કર્યા હતા.

સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ પર મીટિંગ માટે કોંગ્રેસના સિનિયર નેતા પહોંચ્યા છે, જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૃથ્વીરાજ ચૌહાણ, પી. ચિંદમ્બરમ, ભૂપિંદર સિંહ હુડ્ડા, અંબિકા સોની, મનીષ તિવારી, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કમલનાથ વગેરે સામેલ છે. પૂર્વ પીએમ મનમોહન સિંહ અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બેઠક માટે પહોંચ્યા છે. આ પહેલાં શુક્રવારે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સૂરજેવાલાએ કહ્યું હતું કે પાર્ટીના 99.9% નેતા ઈચ્છે છે કે રાહુલ ગાંધી જ ફરીથી અધ્યક્ષપદ સંભાળે.

શા માટે બેઠક યોજાઈ રહી છે?
અહમદ પટેલના નિધન પછી એક પૂર્વ મુખ્યમંત્રી સોનિયાને મળ્યા હતા. તેમણે ઇન્ટેરિમ અધ્યક્ષને પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરીને મુદ્દાનો નિવેડો લાવવાની અપીલ કરી હતી. પહેલી બેંચમાં જે નેતાઓને સોનિયા મળી શકે છે તેમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સહિત પ્રદેશ કોંગ્રેસ સમિતિઓના અધ્યક્ષ સામેલ છે.

પાર્ટીની અંદર જ વિરોધ
એક મહિના પહેલાં ગુલામ નબી આઝાદે પાર્ટીનાં કામકાજની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, 5 સ્ટાર કલ્ચરથી ચૂંટણી ન જીતી શકાય. આજે નેતાઓની સૌથી મોટી તકલીફ એ જ છે કે જેને ટિકિટ મળી જાય તે સૌથી પહેલા 5 સ્ટાર હોટલ બુક કરાવે છે. જો રસ્તો ખરાબ છે તો એ પર નહીં જાય. જ્યાં સુધી આ 5 સ્ટાર કલ્ચરને છોડી નહીં દેવાય ત્યાં સુધી કોઈ ચૂંટણી નહીં જીતી શકે. છેલ્લાં 72 વર્ષમાં કોંગ્રેસ સૌથી નીચેના સ્તરે છે. કોંગ્રેસ પાસે છેલ્લા બે કાર્યકાળ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતાનું પદ પણ નથી.

સોનિયાને નેતાઓએ પત્ર પણ લખ્યા હતા
થોડાક મહિના પહેલાં પાર્ટીના 23 નેતાએ આ મુદ્દા પર સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો, જેમાં કપિલ સિબ્બલ સાથે ગુલામ નબી આઝાદ પણ સામેલ હતા. પત્રમાં પાર્ટીમાં ઉપરથી નીચે સુધી ફેરફાર કરવાની માગ કરાઈ હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ચિઠ્ઠી લખનારા નેતાઓની ભાજપ સાથે મિલીભગતના આરોપ લગાવવાથી આ બન્ને નારાજા થઈ ગયા હતા. બિહાર ચૂંટણીમાં હાર પછી કપિલ સિબ્બલે તો એટલે સુધી કહી દીધું હતું કે પાર્ટીએ કદાચ દરેક ચૂંટણીમાં હારને જ નિયતિ માની લીધી છે, જેને પાર્ટીની ટોપ લીડરશિપ એટલે કે સોનિયા અને રાહુલ ગાંધી પર નિશાન ગણવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here